કોરોના મહામારીને કારણે ફુગાવાનો દર વધતા દરેક ક્ષેત્રે મોંઘવારીએ માજા મૂકી છે. એમાં પણ ખાધતેલના સતત વધતા જતા ભાવોએ સરકાર અને સંબધિત ઔધોગિક એકમો ઉપરાંત ગૃહિણીઓની ચિંતા વધારી દીધી હતી. પરંતુ હવે ખાદ્ય તેલના ભાવમાં રાહત મળે તેવી તીવ્ર સંભાવના જોવા મળી રહી છે. કારણ કે સરકારે અંતે આયાતી ખાદ્ય તેલ પરની ઈમ્પોર્ટ ડયુટી (આયાત જકાત) પર ઘટાડાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી લેવાયેલા આ નિર્ણયની નાના-મોટા ઓઈલ મીલ તેમજ ગૃહિણીઓને મોટી રાહત મળશે. આયાત ડ્યુટી ઘટતા ગૃહિણીઓની રસોઈ વધુ ‘સ્વાદિષ્ટ’ બનશે..!!!
એડિબલ, પામોલિન સહિતના તેલની આયાત ડયુટીમાં સરેરાશ રૂપિયા 7840 સુધીનો ઘટાડો
આયાત જકાત ઘટતા હવે, સ્થાનિક બજારોમાં પણ ખાદ્યતેલના ભાવ ઘટશે
ખાદ્યતેલનઆ વધતા ભાવને નિયંત્રિત કરવા મોદી સરકારે આયાત જકાત ઘટાડી છે. જેના કારણે એડીબલ ઓઈલ હવે સસ્તું થશે. કિંમતો અંદાજે 20 ટકા સુધી ઘટી શકે છે. ગ્રાહક બાબતોના વિભાગના આંકડા મુજબ, ખાદ્યતેલોના ભાવ નીચે આવી રહ્યા છે. સરકારે પામતેલ સહિતના વિવિધ ખાદ્યતેલોના આયાત ડ્યુટી મૂલ્યમાં પ્રતિ ટન 112 ડોલર સુધીનો ઘટાડો કર્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)ના જણાવ્યા મુજબ ક્રૂડ પામ ઓઇલના આયાત ડ્યુટી મૂલ્યમાં પ્રતિ ટન 86 ડોલર અને આરબીડી (રિફાઈન્ડ, બ્લીચ અને ડિઓરાઇઝ્ડ) અને પામોલિનના પ્રતિ ટન 112 ડોલર જકાત ઘટાડાઈ છે. જ્યારે સોયાબીન તેલમા ટન દીઠ 37 ડોલરનો ઘટાડો કર્યો છે. ખાદ્યતેલના આયાત ડ્યુટી મૂલ્યમાં આ ઘટાડો ગઈકાલથી જ અમલમાં આવી ગયો છે.
ટેક્સ નિષ્ણાંતો કહે છે કે ડ્યુટી મૂલ્યમાં ઘટાડો સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો લાવી શકે છે. કારણ કે તેનાથી મૂળ આયાત ભાવ પર ચૂકવવામાં આવતી કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડો થશે. અને સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટશે. ઓઈલ આયાતકારોએ જણાવ્યું કે દેશમાં ઘરેલુ વપરાશ અને ખાદ્ય તેલીબિયાંની માંગ વચ્ચે મોટો તફાવત છે. જેના કારણે તેઓ મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેની છૂટક કિંમતોમાં વધારો થયો છે. પરંતુ હવે આયાત ડયુટી ઘટતા રાહત મળશે.
શા માટે વધી રહ્યા છે ખાધતેલના ભાવ ??
ખાધતેલના ભાવ વધારા પાછળ મુખ્યત્વે જવાબદાર પરિબળ માંગ અને પુરવઠા વચ્ચે ઉભી થયેલી અસમાનતા છે. દેશમાં ખાદ્યતેલોની માંગના બે તૃતીયાંશ જથ્થો આયાત કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલોના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તેની પાછળ માંગ અને ઉત્પાદનનો ખોરવાયેલો પુરવઠો કારણભૂત છે. અહેવાલના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2020થી મે 2021 દરમિયાન તેલની કુલ આયાત નવ ટકા વધીને 76,77,998 ટન થઈ છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં 70,61,749 ટન હતી. એમાં પણ આયાત પર વસુલતો જકાત વધારતા સ્થાનિક બજારમાં પણ ભાવો વધ્યા. જો કે હવે ખાધતેલ સહિતના ઓઇલમાં ઈમ્પોર્ટ ડ્યુટી ઘટતા સ્થાનિક બજારોમાં પણ ભાવ ધટાડો થશે.