વર્ષ ૨૦૧૯માં શહેરમાં ૧૮,૦૪૬ દીકરાઓ સામે જન્મી ૧૫,૫૨૬ દીકરીઓ
ગામડાઓની વાત બાજુમાં મુકો શહેરોમાં પણ લોકોને પુત્રી કરતા પુત્ર પ્રત્યે વધારે પ્રેમ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં દીકરાના જન્મની સાથે દિકરીના જન્મનું પ્રમાણ ખુબ ઓછુ છે જે ચિંતાનો વિષય બની ગયો છે. ખુદ વડાપ્રધાન જોરશોરથી બેટી બચાવો, બેટી પઢાઓના નારા લગાવી રહ્યા છે. ગુજરાતમાં પણ દિકરીઓના જન્મદરનું પ્રમાણ વધે તે માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. ગામડાઓમાં વસવાટ કરતા લોકોમાં ભણતરનું પ્રમાણ ઓછું હોવાના કારણે તેઓને પુત્રી કરતા પુત્રપ્રેમ વધુ હોય તે સમજી શકાય છે પરંતુ પોતાને હાઈલી એજયુકેટેડ ગણતા શહેરના લોકોમાં પણ પુત્ર પ્રત્યે અપાર પ્રેમ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં દર ૧૦૦૦ દિકરાઓ સામે ૮૬૦ દિકરીઓનો જન્મ થાય છે જે જેટ ગતિએ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલા રાજકોટ માટે રેડ સિગ્નલ છે. વર્ષ ૨૦૧૯માં મહાપાલિકાના ચોપડે શહેરમાં કુલ ૩૩,૫૭૨ બાળકોનો જન્મ થયો હોવાનું નોંધાયું છે. જેમાં ૧૮,૦૪૬ મેલ અને ૧૫,૫૨૬ ફિમેલ છે. શહેરમાં દર ૧૦૦૦ બાળકોની સામે માત્ર ૮૬૦ જ બાળકીઓનો જન્મ થાય છે. હજાર બાળકોનાં જન્મ સામે ૧૪૦ બાળકોઓ ઓછી જન્મે છે જે ભવિષ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે. આજ પ્રમાણ જળવાય રહેશે તો સામાજીક વ્યવસ્થા આગામી દાયકાઓમાં ખોરવાઈ જાય તેવી દહેશત પણ વર્તાય રહી છે. સામાન્ય રીતે લોકોમાં એવી માનસિકતા હોય છે કે ગામડાના લોકોને દિકરી કરતા દિકરો વધુ વ્હાલો હોય છે પરંતુ રાજકોટ જેવા સુશિક્ષિત શહેરમાં પણ પુત્રી કરતા પુત્રપ્રેમ વધુ હોય તેવું લાગી રહ્યું છે.
દેશભરમાં જે રીતે મેલ સામે ફિમેલનો જન્મદર સતત ઘટી રહ્યો છે જેનાથી સરકાર પણ ચિંતિત બની છે અને બેટી બચાવો, બેટી પઢાઓના નારા લગાવવામાં આવી રહ્યા છે. રાજય સરકાર દ્વારા પણ ગુજરાતમાં દિકરીના જન્મદરનું પ્રમાણ વધે તે માટે અલગ-અલગ યોજનાઓ જાહેર કરવામાં આવી છે પરંતુ આ તમામ યોજનાઓ કાગળ પર પકડી લાગી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ બોલી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં પુત્ર-પુત્રી વચ્ચે જન્મદરનાં પ્રમાણનો સિનારીયો એક સરખો જોવા મળી રહ્યો છે જેમાં મેલ સામે સરેરાશ ફિમેલનાં જન્મદરનું પ્રમાણ ખુબ જ ઓછુ હોય છે. મહિના પ્રમાણે જોવામાં આવે તો વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી માસમાં ૧૫૪૭ મેલ અને ૧૩૮૬ ફિમેલ, ફેબ્રુઆરીમાં ૧૧૭૨ મેલ અને ૧૦૬૫ ફિમેલ, માર્ચમાં ૧૨૭૦ મેલ અને ૧૦૫૭ ફિમેલ, એપ્રિલમાં ૧૩૪૦ મેલ અને ૧૨૪૫ ફિમેલ, મે માસમાં ૧૪૮૪ મેલ અને ૧૧૯૮ ફિમેલ, જુનમાં ૧૩૮૭ મેલ અને ૧૧૭૬ ફિમેલ, જુલાઈમાં ૧૪૬૯ મેલ અને ૧૨૧૩ ફિમેલ, ઓગસ્ટ માસમાં ૧૬૭૨ મેલ અને ૧૩૮૫ ફિમેલ, સપ્ટેમ્બર માસમાં ૧૬૭૪ મેલ અને ૧૩૬૯ ફિમેલ, ઓકટોબર માસમાં ૧૬૮૩ મેલ અને ૧૪૪૮ ફિમેલ, નવેમ્બર માસમાં ૧૬૬૭ મેલ અને ૧૫૧૦ ફિમેલ જયારે ડિસેમ્બર માસમાં ૧૬૭૯ મેલ અને ૧૪૭૪ ફિમેલનો જન્મ થયો છે. સરેરાશ કાઢવામાં આવે તો શહેરમાં દર ૧૦૦૦ બાળકોની સામે ૮૬૦ બાળકીનો જન્મ થાય છે.
સૌથી વધુ નવેમ્બર માસમાં ૩૧૭૭ બાળકોનો જન્મ, સૌથીઓછા ફેબ્રુઆરી માસમાં માત્ર ૨૨૩૭ બાળકો જન્મ્યા
શહેરમાં ૨૦૧૯માં ૩૩,૫૭૨ બાળકોનો જન્મ થયો છે. સરેરાશ દર મહિને ૨૮૦૦ જેટલા બાળકોનો જન્મ થાય છે. નવેમ્બર માસમાં સૌથી વધુ ૩૧૭૭ બાળકોનો જન્મ થયો છે જેમાં ૧૬૬૭ મેલ અને ૧૫૧૦ ફિમેલનો સમાવેશ થાય છે. સૌથી ઓછા ફેબ્રુઆરી માસમાં ૨૨૩૭ બાળકો જન્મ્યા છે જેમાં ૧૧૭૨ મેલ અને ૧૦૬૫ ફિમેલનો જન્મ થયો છે. નવેમ્બર માસમાં દિકરા-દિકરીઓના જન્મનાં તફાવતમાં પણ ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે જેમાં મેલ અને ફિમેલનાં જન્મદરમાં માત્ર ૪૩ નો તફાવત છે જે એક સારી નિશાની ગણાવી શકાય.