ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં ધાર્મિક સ્થળો દ્વારા કરાતા જાહેર જગ્યાઓના દબાણ અને બાદમાં તેને કાયદેસરતા આપવાની માગાણી અંગે કહ્યું કે, ‘આ બીજુ કંઈ નહીં પરંતુ ભગવાનનું અપમાન છે.’ હાઈકોર્ટે રાજય સરકારને પણ ફટકાર લગાવતા કહ્યું કે ‘સરકારે આવા દબાણને વશ થયા વગર તાત્કાલિક પગલા ભરવા જોઈએ.’ પોતાના આદેશમાં હાઈકોર્ટે નોંધ્યું કે, ‘જાહેર જગ્યાએ ગમે તેનું દબાણ હોય પછી તે મંદિર હોય કે બીજા કોઈ ધાર્મિક બાંધકામ કે પછી કોઈનું ઘર તેને તાત્કાલિક ધોરણે તોડી નાખવું જોઈએ.’ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા ૧૦૦ જૂના નવદુર્ગા મંદિર દબાણ કેસ અંગે ચૂકાદો આપતા હાઈકોર્ટે આ જણાવ્યું હતું. સરકારે આ જગ્યાએ મંદિર દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી. જેથી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ૧૩૦૦ સ્કવેર મીટરના પ્લોટને કાયદેસરતા આપવા માગણી કરાઈ હતી જેને સરકારે નકારી કાઢી હતી. જે બાદ ટ્રસ્ટ પોતાની માગણીઓ સાથે હાઈકોર્ટમાં ગયું હતું અને લોકોની ધાર્મિક લાગણીઓ આ જગ્યા સાથે જોડાયેલ હોવાથી કોર્ટને સમગ્ર મામલો સહાનુભૂતી સાથે જોવા અપીલ કરી હતી. જોકે જસ્ટિસ પારડીવાલાની બેન્ચે પોતાના ચૂકાદામાં કહ્યું કે, ‘કોર્ટનો ન્યાય લોકની લાગણીઓ પર નથી કામ કરતો. કોર્ટે હંમેશા કાયદાને માન આપીને કામ કરવાનું હોય છે લાગણીઓને નહીં.તેમણે વધુમાં કહ્યું કે, જો કોર્ટ આવા મુદ્દે કોઈ પ્રકારની સહાનુભૂતી સાથે કામ કરે તો ન્યાયિક સત્ત્। ધીરે ધીરે પોતાનું ઔચિત્ય ગુમાવી દેશે. જાહેર સ્થળો પર આ રીતે ધાર્મિક સંસ્થાઓનું દબાણ ભગવાનનું જ અપમાન કરવા સમાન છે.જોકે હવે સુપ્રીમ કોર્ટમાં જાહેર સ્થળોએ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા દબાણને દૂર કરવા મુદ્દે અપીલ કરવામાં આવી હોય સમગ્ર કેસ પર દેશની નજર છે. જયારે સુપ્રીમે આ કેસમાં દેશની તમામ રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ સામેલ કરતા હવે તે રાષ્ટ્રીય મહત્વ ધરાવતો કેસ બની ચૂકયો છે.