આજથી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી: અમુક વિસ્તારોમાં વિનાશક વરસાદ પણ વરસી શકે: તંત્ર એલર્ટ: અધિકારીઓની રજાઓ રદ: હેડ કવાર્ટર ન છોડવા આદેશ: સૌરાષ્ટ્રમાં સવારથી અનરાધાર વરસાદ ચાલુ: જળબંબાકાર જેવી પરિસ્થિતિ
સૌરાષ્ટ્રમાં કયાં કેટલા ઇંચ વરસાદ
- ચોટીલા ૨૧
- રાજકોટ ૧૭
- ટંકારા ૧૬
- મુળી ૬
- પડધરી ૬
- વાંકાનેર ૬
- જામનગર ૫
- વઢવાણ ૪
- કાલાવડ ૪
- ખંભાળિયા ૪
- સુત્રાપાડા ૪
- ઉના ૨
મધ્યપ્રદેશમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબુત બની સૌરાષ્ટ્ર પર કેન્દ્રિત થઈ ગયું છે. સાથોસાથ દક્ષિણ-રાજસ્થાનમાં અપરએર સરકયુલેશનની અસરતળે ગઈકાલ બપોરથી સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા છે. આજથી બે દિવસ સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો અનેક વિસ્તારોમાં વિનાશ સર્જતો વરસાદ ખાબકી શકે તેમ છે. સૌરાષ્ટ્ર પર જળપ્રલયનો ખતરો મંડરાઈ રહ્યો છે. કુદરતી આફત સામે લડવા તંત્ર સજ્જ થઈ ગયું છે. અધિકારીઓની રજા તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે અને હેડકવાર્ટર ન છોડવા તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં સર્જાયેલું લો-પ્રેશર હાલ વેલમાર્કમાં પરીવર્તીત થયું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાનનાં સર્જાયેલું અપરએર સાયકલોનીક સરકયુલેશન પણ સૌરાષ્ટ્ર પર સ્થિર છે. આ બંને સિસ્ટમો સૌરાષ્ટ્ર અને રાજકોટ પર કેન્દ્રીય થઈ ગઈ હોય આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. શનિ-રવિ એમ બે દિવસ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વિનાશક વરસાદ ખાબકે તેવી શકયતા નકારી શકાતી નથી. હવામાન વિભાગની આગાહી જાણે યથાર્થ પુરવાર કરવાનું મન મેઘરાજાએ બનાવી લીધું હોય તેમ આજે સવારથી રાજકોટમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
રેડ એલર્ટ મુજબ આજે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ૧૦ ઈંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે તો અમુક વિસ્તારોમાં વિનાશક વરસાદ એટલે કે જયાં સ્થળ હોય ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ કરતી દેતો વરસાદ પણ વરસી શકે છે. આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે. જયારે સોમવારથી લો-પ્રેશરની તાકાત ઘટશે છતાં પણ સોમવારે સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જણાય રહી છે.
સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓએ ગઈકાલે જ એવી આગાહી આપી હતી કે સૌરાષ્ટ્રમાં ૪ ઈંચ થી ૧૯ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. જે સચોટ પુરવાર થઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં એક જ રાતમાં બારેમેઘ ખાંગા થયા હોય તેમ સુપડાધારે ૧૮ ઈંચ વરસાદ ખાબકયો છે. ભારે વરસાદની આગાહીના પગલે અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે અને કોઈને હેડ કવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ આજે શહેરની તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.