તાલિબાનો અત્યારે તમામ તાકાત લગાવી અફઘાનીસ્તાનને કબ્જે કરવા  વ્યસ્ત, તેઓનું આ મિશન સફળ થયા બાદ તેઓનો ડોળો ભારત ઉપર પડશે તે નિશ્ચિત

એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીન, ઉપરથી અફઘાનમાં તાલિબાનો આમ ત્રણેય દિશામાંથી દુશ્મનો સામે ઝઝૂમવું ભારત માટે કપરી સ્થિતિ નિર્માણ કરશે

અબતક, નવી દિલ્હી : તાલિબાનોનો અફઘાનિસ્તાન ઉપર સંપૂર્ણ કબજો ભારત માટે રેડ એલર્ટ સાબિત થનાર છે. કારણકે અત્યારે તો તાલિબાનો તમામ તાકાત લગાવી અફઘાનીસ્તાનને કબ્જે કરવામાં વ્યસ્ત છે. પણ તેઓનું આ મિશન સફળ થયા બાદ તેઓનો ડોળો ભારત ઉપર પડશે તે નિશ્ચિત છે. એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીન, ઉપરથી અફઘાનમાં તાલિબાનો આમ ત્રણેય દિશામાંથી દુશ્મનો સામે ઝઝૂમવું ભારત માટે કપરી સ્થિતિ નિર્માણ કરશે તે નક્કી છે.

તાલિબાનના પ્રભુત્વ હેઠળના અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલ વધી જશે અને જેને પગલે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી ચિંતા ભારતને સતાવી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ જે સ્થિતિ બનાવી છે. તેનાથી સરકાર અચાનક જ લાચાર બની ગઈ છે અને તેની સુરક્ષા કરવાની જવાબદારી અફઘાન સૈનિકો ઉપર આવી પડી છે. અગાઉ તેમનું પ્રભુત્વ છેવાડાના, ઓછી વસતીવાળા કબીલાના વિસ્તારો પૂરતું મર્યાદિત થઈ ગયું હતું, પરંતુ તાજેતરનાં અઠવાડિયાઓમાં તાલિબાનો પુનઃગઠિત થયા અને ઝડપભેર આગેકૂચ કરી રહ્યા છે.

તાલિબાને અફઘાન સેના, નાગરિકો તથા ચુનંદા લોકોને નિશાન બનાવવાની વ્યૂહરચના અપનાવી છે. ડ્રગ્સના વેપાર માટે કુખ્યાત વિસ્તારો પર તાલિબાનોનો કબજો થઈ ગયો છે. જેના કારણે તેની આવક વધી અને ડ્રગ્સની તસ્કરીમાંથી થતી આવકનો ઉપયોગ તે યુદ્ધમાં કરી રહ્યું છે. જેથી તે વધુ શક્તિશાળી બનશે. તાલિબાનનું કહેવું છે કે રાષ્ટ્રીય શાંતિમંત્રણામાં તેઓ ભાગ લેશે પરંતુ અમુક લોકોને આશંકા છે કે આગામી સમયમાં ભયાનક ગૃહયુદ્ધનો આરંભ થઈ શકે છે.

ચાલુ યુદ્ધમાં અફઘાનિસ્તાનની સરકારને એકલી મૂકવા બદલ દેશ તથા આંતરરાષ્ટ્રીય મંચ પર જો બાઇડનની ટીકા થઈ રહી છે. જોકે બાઇડનનું કહેવું છે કે તેમને પોતાના નિર્ણયનો કોઈ અફસોસ નથી. બીજી તરફ અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહના પ્રવક્તા રિઝવાન મુરાદે તાજેતરમાં જાહેર કર્યું હતું કે અમે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું છે કે તાલિબાન અને તેની પાકિસ્તાનતરફી ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ મદરેસાથી અફઘાનિસ્તાનમાં 20,000થી વધુ લડવૈયાઓને મોકલ્યા છે. તાલિબાનના અલ કાયદા અને અન્ય કટ્ટરપંથી જૂથો સાથે પણ સંબંધ છે. અમારા સૈનિકો ઓછામાં ઓછા 13 આતંકવાદી જૂથો સામે લડી રહ્યા છે.આમ એ વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાન તાલિબાનોના કબ્જામાં રહે તેવું ઇચ્છી રહ્યું છે જેથી ભવિષ્યમાં તે તાલિબાનોની મદદથી ભારત સામે દુશ્મનાવટ સરખી રીતે કરી શકે.

ભારત અગાઉથી જ પાકિસ્તાન અને ચીન સામે ટક્કર લઈ રહ્યું છે. તેવામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન આવી જવું ભારત માટે રેડેએલર્ટ સમાન બની રહેશે. પાકિસ્તાન, ચીન અને તાલિબાનો મળીને ભૌગોલિક સ્થિતિનો ફાયદો ઉઠાવી ભારતને ભવિષ્યમાં ભારે નુકસાન પહોંચાડી શકે તેવી પ્રબળ શકયતા છે.

તાલિબાનો દ્વારા કાબુલ ઉપર કબજો હાથ વેંતમાં

તાલિબાનોએ દાવો કર્યો છે કે તેઓએ અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંદહાર પર કબજો કર્યો છે. તાલિબાને એક સપ્તાહમાં અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી 11 પર નિયંત્રણ મેળવી લીધું તાલિબાન આતંકવાદીઓ પહેલેથી જ કાબુલથી 150 કિલોમીટર દૂર ગઝની અને ઈરાન સરહદ નજીક હેરત પર કબજો કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે આ આતંકવાદીઓ હવે ગમે ત્યારે કાબુલ પર હુમલો કરી શકે છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની પર કબજો કર્યા બાદ જ અશરફ ગની સરકારનું પતન થશે. અમેરિકી સૈન્યએ આશંકા વ્યક્ત કરી છે કે તાલિબાન આતંકવાદીઓ 30 થી 90 દિવસમાં કાબુલ પર કબજો કરી શકે છે.

અમેરિકાએ કાબુલ સ્થિત દુતાવાસને નુકસાન ન પહોંચાડવાની ખાતરી માંગી

અફઘાનિસ્તાનમાં વધતા તાલિબાન શાસનથી અમેરિકા પણ ચોંકી ગયું છે. કતારની રાજધાની દોહામાં વાતચીત દરમિયાન અમેરિકન અધિકારીઓએ તાલિબાન સાથે લડાઈ દરમિયાન પોતાનું દૂતાવાસ છોડવાનું કહ્યું. તેમણે કહ્યું કે અમે તાલિબાનને કાબુલ પર હુમલા દરમિયાન અમારા દૂતાવાસની સુરક્ષાની ખાતરી આપવા માટે કહી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે ખાતરી માંગીએ છીએ કે તેઓ કાબુલમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો નહીં કરે. ઉપરાંત અમેરિકા કાબુલમાં દૂતાવાસમાંથી કેટલાક વધુ કર્મચારીઓને પરત લાવવા માટે વધારાના સૈનિકો મોકલવા જઈ રહ્યું છે. આગામી 24-48 કલાકમાં 3 પાયદળ બટાલિયન કાબુલ એરપોર્ટ પર તબદીલ કરવામાં આવશે. જેમાં લગભગ 3,000 સૈનિકો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.