- બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઇ
- વાહનવ્યવહાર નિગમ દ્વારા તબક્કાવાર 100 મેગા વોટના સોલાર પાર્કની સ્થપાશે
અબતક ન્યુઝ
રાજ્ય સરકારે બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઇ કરી છે. નાણામંત્રીએ જણાવ્યુ કે નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સરકાર અવિરત કાર્ય કરી રહી છે. બસ પરિવહનની સગવડો વધારવા સરકાર પ્રયત્નશીલ છે. લોથલ ખાતે વિશ્વ કક્ષાનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે.
રાજયના વિશાળ દરિયાકિનારે કેમિકલ પોર્ટસ, ક્ધટેનર પોર્ટસ તેમજ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ યાર્ડ્સને કારણે ગુજરાતનું દરિયાઇ વ્યાપાર ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે. રાજયમાં આવેલ પાંચ એલ.એન.જી. ટર્મિનલ સાથે વિશ્વના પ્રથમ સી.એન.જી. પોર્ટ્સની સ્થાપના કરી નેચરલ ગેસ આયાતમાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અલંગમાં રિસાયક્લિંગ ક્ષમતા હાલના 4.5 મિલિયન એલ.ડી.ટી. (લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ)થી બમણી કરીને 9 મિલિયન એલ.ડી.ટી.થી કરવામાં આવશે.
નવીન બસો ખરીદવા માટે રૂ. 768 કરોડ ની જોગવાઇ, ઇ-વ્હિકલને સબસીડી આપવા માટે રૂ. 218 કરોડની જોગવાઇ, બસ સ્ટેશનના આધુનિકીકરણ તથા સ્વચ્છતાના હેતુસર 118 કરોડની જોગવાઈ, પ્રદૂષણ ઘટાડવા અને નવિનીકરણ ઊર્જાના સ્ત્રોત વધારવા વાહનવ્યવહાર નિગમ દ્વારા તબક્કાવાર 100 મેગા વોટના સોલાર પાર્કની સ્થાપના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.