- ઉમેદવારોએ ફોર્મ 30 માર્ચ સુધીમાં ગોમટા ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા સૂચના
રાજકોટ: માર્ચ – ટ્રાફિક બ્રિગેડ તરીકે માનદ સેવા આપવા ઇચ્છતા પુરૂષ તથા મહિલા મળી કુલ 23 ઉમેદવારોની રાજકોટ જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે ભરતી કરાશે. જેમાં ગોંડલ નગરપાલિકામાં 08, જેતપુર નગરપાલિકામાં 11 અને ધોરાજી નગરપાલિકામાં 04 એમ કુલ ૨૩ મહેકમ (જગ્યા) ખાલી પડેલી હોવાથી માનદ સેવકોની ભરતી આગામી એપ્રિલ માસમાં યોજાશે.
રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલિત આ ભરતીમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટેની લાયકાતમાં ઉંમર 18 થી 35 વર્ષ, ધોરણ 10 પાસ, પુરુષ ઉમેદવાર માટે ઉંચાઇ 5 ફુટ 6 ઇંચ, મહિલા ઉમેદવાર માટે ઉંચાઇ 5 ફુટ તેમજ પુરૂષ ઉમેદવાર માટે દોડ 4 મીનીટમાં 800 મીટર અને મહિલા ઉમેદવાર માટે દોડ 2.5 મીનીટમાં 400 મીટર પૂર્ણ કરવાની રહેશે. કોઈ ગુનો નોંધાયેલો ન હોય તેવા અને તબીબી દ્રષ્ટિએ શારીરિક રીતે સક્ષમ અને ખોડખાંપણ વગરના ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. ઈચ્છુક ઉમેદવારે ફોર્મ સ્વહસ્તાક્ષરમાં ભરી, ફોર્મમાં જણાવેલા પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, જે-તે નગરપાલિકા વિસ્તારના રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચુંટણી કાર્ડ, અને કોઇ ગુનો નોંધાયેલો નથી, તે અંગે પ્રમાણપત્ર જમા કરાવવાના રહેશે. એન.સી.સી., એન.એસ.એસ., આર.એસ.પી. વગેરે પ્રવૃત્તિ કરેલા તથા આર્મી પોલીસ ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ પાસ કરેલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારને માનદ સેવા પેટે તેઓની ફરજની જગ્યા પર આવવા-જવા માટે ખર્ચ પેટે તેમજ ચા-નાસ્તા પેટે પ્રતિ દિવસ રૂ. 300 રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઉમેદવારો નેશનલ હાઇ-વે રોડ પર ચરખડી પાટીયા પાસે, ગોમટા ટ્રાફિક પોલીસ સ્ટેશન, ગોંડલ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન, ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, જેતપુર સીટી પોલીસ સ્ટેશન, જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન અને ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતેથી આ ભરતી અંગેના ફોર્મ મેળવી શકશે. ફોર્મ તા. 15 માર્ચથી તા. 23 માર્ચ સુધી સવારના 09/30 કલાકથી સાંજના 06 કલાક સુધીમાં મેળવવાના રહેશે. ફોર્મ તારીખ 30 માર્ચના રોજ સાંજે 06 કલાક સુધીમાં ગોમટા ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાના રહેશે. આ ભરતી મવડી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટર, રાજકોટ ગ્રામ્ય ખાતે કરાશે. એપ્રિલ માસમાં ભરતીની તારીખ જાહેર કરવામાં આવશે, તેમ રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.