કોરોના લક્ષી કામગીરી માટે આરોગ્ય શાખામાં પણ એપ્રેન્ટીસોની ફાળવણી કરતા મ્યુનિ.કમિશનર
રાજ્યમાં એપ્રેન્ટીસની તાલીમ યોજનાના વ્યાપને વધારવા માટે ૧ લાખ એપ્રેન્ટીસ ભરતીના લક્ષ્યાંક સાથે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખાઓમાં ૩૬૪ એપ્રેન્ટીસ તાલીમાર્થીઓની ૧૨ મહિના માટે પ્રાયોગીક ધોરણે ભરતી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કોરોનાની મહામારીને નાથવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આરોગ્ય શાખાને પણ મોટી સંખ્યામાં એપ્રેન્ટીસ તાલીમાર્થીઓની ફાળવણી કરવામાં આવી છે.
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ગઈકાલે કોર્પોરેશનની આવાસ, જીએડી, મહેકમ, બાંધકામ, હિસાબી, આઈટી, વેરા વસુલાત, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વર્કશોપ, સેન્ટ્રલ સ્ટોર, દબાણ હટાવ, એસ્ટેટ, ઝુ, ગાર્ડન, આરોગ્ય, ટાઉન પ્લાનીંગ, ડ્રેનેજ, વોટર વર્કસ, રોશની અને લાઈબ્રેરી વિભાગમાં ૩૬૪ એપ્રેન્ટીસ તાલીમાર્થીની ભરતી કરવામાં આવી છે. જેઓને ૧૨ મહિના સુધી તાલીમની સાથે સાથે નિયત કરાયેલું વેતન પણ ચૂકવવામાં આવશે.