કમળને મજબૂત કરવા વર્ષોથી કાળી મજુરી કરનારાઓને ટિકિટ માટે અનેક નિયમો નડી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસના આયાતી નેતાઓને ગણતરીના દિવસોમાં કમળનું મેન્ડેટ?
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે માત્ર ર1 દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ફરી ભરતી મેળા શરુ કરવામાં આવતા પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કમળને મજબૂત કરવા માટે વર્ષોથી રાત-દિવસ એક કરી કાળી મજુરી કરતા આગેવાનો અને કાર્યકરોને ટિકીટ મેળવવા માટે સાત કોઠાનું યુઘ્ધ વિંધવાથી પણ મોટો જંગ લડવો પડે છે. બીજી તરફ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરનાર નેતાઓને ગણતરીના દિવસોમાં કમળનું મેન્ડેટ મળી જાય છે. શિસ્તબઘ્ધ ગણાતા પક્ષમાં ફરી ભરતી મેળાની નવી સિઝન શરુ થતાં કાર્યકરોમાં નારાજગી વ્યાપી થવા પામી છે. પણ કોઇ ખુલ્લીને બોલવા તૈયાર નથી.
11 વખત વિધાનસભાની ચુંટણી લડી અને 10 વખત ધારાસભ્ય બનનારા કોંગ્રેસના કદાવર આદિવાસી મોહનસિંહ રાઠવાએ પોતાની ટિકીટ કોંગ્રેસમાં ફાઇનલ હોવા છતાં કમળના પ્રતિક પરથી પોતાના પુત્ર રાજુભાઇ રાઠવાને ચુંટણી લડાવવા માટે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.
તેઓ ના પુત્ર રાજુભાઇ રાઠવાને ભાજપ છોટા ઉદેપુર કે અન્ય કોઇ બેઠક પરથી ચુંટણી લડાવે તે લગભગ ફાઇનલ મનાય રહ્યું છે. આ ઉપરાંત તાલાલા વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય ભગાભાઇ બારડ પણ ગણતરીની કલાકોમાં હવે ગમે ત્યારે કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઇ જાય તેવી પ્રબળ અટકળો ચાલી રહી છે. જો તેઓ ભાજપમાં આવશે તો તેમની ટિકીટ પણ ફાઇનલ જ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસનો સાથે છોડીને અગાઉ જે ધારાસભ્યો ભાજપમાં ભળ્યા છે તેમાં બે થી ત્રણને બાદ કરતા તમામ નેતાની ભાજપમાં ટિકીટ ફાઇનલ મનાઇ રહી છે.
થોડા દિવસ પૂર્વ કોંગ્રેસના અનય એક નેતા હિમાંશુ વ્યાસ પણ ભાજપમાં જોડાઇ ગયા છે.
વિધાનસભાની ચુંટણી ટાંકણે જ ભાજપે ભરતી મેળાની નવી સીઝન શરુ કરતા કાર્યકરોમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી છે. વષોથી કમળ માટે કામ કરતા કાર્યકરોને જાત ધસી નાખવા છતાં ટિકીટ મળતી નથી બીજી તરફ કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા નેતાને સિઘ્ધુ જ મેન્ડેટ આપી દેવામાં આવે છે. જો ભાજપના શાસનમાં તમારે રાજકીય કારકીદીનો વિકાસ કરવો હોય તો પહેલા કોંગ્રેસમાં જોડાય પછી ભાજપમાં આવશો તો કેબિનેટ મંત્રી બની શકશો તેવી વાતો પણ અંદર ખાતે કાર્યકરોમાં થઇ રહી છે.