રાજ્યના શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજથી બે દિવસીય ભરતી મેળાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ દિવસે 37 જેટલા ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ તથા 500થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં નોકરી દાતાઓ દ્વારા મેન્યુફેકચર્સમાં 60 થી વધુ અને સર્વિસ સેકટરમાં 100થી વધુ ઉમેદવારોની પ્રાથમિક તબક્કે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ભરતી મેળામાં 1200થી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે અને કાલે અન્ય 40 કંપનીઓ મેદાનમાં ઉતરશે અને રોજગાર વાચ્છુકોને નોકરી આપશે.
મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આ પ્રકારના ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. આજે ભરતી મેળાના પ્રથમ દિવસે બપોર સુધીમાં 37 જેટલી ખાનગી કંપનીઓ દ્વારા 452 જેટલા ઈન્ટરવ્યું કરવામાં આવ્યા હતા. જેમાં 182 ઉમેદવારો પ્રાથમિક ધોરણે સિલેકટ કરવામાં આવ્યા હતા.
37 કંપનીઓ સૌરાષ્ટ્રની ઘણી ખરી નામાંકીત જેવી કે નેટવર્ડ, રિલાયન્સ લાઈફ ઈન્સ્યોરન્સ, ગ્લોબલ ઓટોમેશન, સારથી ફાર્મા, ઓરબીટ બેરીંગ, ગેલેકસી બેરીંગ, કવાલીટી સેન્ટર, જેટકો ઈન્ડસ્ટ્રી, ડ્રાઈવ એન્ડ કંટ્રોલ સીસ્ટમ, પરફેકટ ઈલેકટ્રીક, જીટીપીએલ બ્રોડબેન્ડ પ્રા.લી. જગદીશ ઈલેકટ્રો ઓટોમેશન, મોનાલ લેમીનેટ પ્રા.લી. જય ગણેશ વિટ્રીફાઈડ પ્રા.લી. એલીગન કોસ્મેડ પ્રા.લી., વેબીઆયન્ટ રાજકોટ સેન્ટર, પરફેકટ ઓટો સર્વિસ (મોરબી), શ્રી ઉમા સેલ્સ સર્વિસ સહિતની કંપનીઓએ બીએઈ, બીફાર્મ, બીઈના વિદ્યાર્થીઓએ પ્રાથમિક ધોરણે પસંદ કર્યા હતા.
આ ઉપરાંત આવતીકાલે સવારે 9 વાગ્યાથી સાંજના 5 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનો ખાતે 40થી વધુ કંપનીઓ મેદાને આવશે અને અન્ય ઉમેદવારો જેમાં કોમર્સ અને આર્ટસના વિદ્યાર્થીઓને નોકરી માટે પસંદ કરશે. દર વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આવા ભરતી મેળાનું આયોજન થતું હોય છે ત્યારે આ વર્ષનો ભરતી મેળો સુપરહિટ સાબીત થયો હતો અને આવતીકાલે પણ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા ઉમેદવારો પણ ઈન્ટરવ્યુ આપવા આવે તેવું આમંત્રણ આપવામાં આવ્યું છે.