અગાઉ ભ્રષ્ટાચારના આરોપો થતા આંખે આખી સમિતિ પાસેથી રાજીનામુ લેવાયું હતું
15 સભ્યોની વરણી માટે 45 નામોની યાદી પ્રદેશમાં મોકલાઈ : નવા ચેરમેન કોણ બનશે તેના ઉપર સૌની મીટ
રાજકોટમાં નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના તમામ સભ્યો પાસેથી રાજીનામુ લઈ લીધા બાદ હવે નવા સભ્યોની વરણી માટે કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 15 સભ્યોની વરણી માટે 45 નામોની યાદી પ્રદેશમાં મોકલવામાં આવી છે. નવા ચેરમેન અને સદસ્યોની વરણી પ્રદેશમાંથી મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે. ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પ્રદેશ ભાજપ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આખી કમિટી પાસેથી રાજીનામુ લઈ લેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આજે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓને આપવામાં આવતી ગ્રાન્ટની તપાસ અર્થે ગાંધીનગરની ઓડિટ ટીમ રાજકોટ આવી હતી.
શિક્ષણ સમિતી હસ્કતની 92 જેટલી શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આપવામાં આવેલી ગ્રાન્ટની ફાળવણી અને તેના હિસાબોને લઈને ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે આ ઓડિટ આવતું હોય છે, પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સામે જે રીતે ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા હતા અને તે બાદ પ્રદેશ ભાજપ દ્વારા આખી કમિટી પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું હતું.
થોડા દિવસ પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના તમામ સભ્યોને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર મળવા માટે બોલાવ્યા હતા અને ત્યાં તેની સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ ભાજપને લેખિત ફરિયાદ મળી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં સ્કૂલ ડ્રેસની ખરીદીમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે જેને કારણે પ્રદેશ પ્રમુખ પાટીલે તમામ સભ્યોને બોલાવ્યા હતા. સી આર પાટીલ સાથેની મુલાકાતના બીજા જ દિવસે ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા હતા.