નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંકસ એન્ડ કેડિટ સોસાયટીઝના અધ્યક્ષ જ્યોતિન્દ્રભાઈ મહેતાએ બેંકોના એનપીએ ઘટશે તેવો આશાવાદ વ્યકત કર્યો
સર્વોચ્ચ ન્યાયાલયની બંધારણીય બેંચના એક શકવર્તી ચુકાદા દ્વારા લાંબા સમયથી ચાલી આવતી કાનૂની લડત પર પૂર્ણવિરામ મુકાયું છે. સુપ્રિમ કોર્ટે નિર્ણય જાહેર કર્યો છે કે, સર્ફેસી એક્ટ તમામ સહકારી બેંકો માટે લાગુ પડશે, અને નહીં કે માત્ર શેડયુલ્ડ કો-ઓપરેટીવ બેંક્સ માટે જ.આ ચુકાદાને લઇ સહકારી બેંકોને મોટી રાહત મળી છે. આના પરિણામે કોઈ પણ સહકારી બેંક આ અધિનિયમ હેઠળ ધિરાણ લઈ ડિફોલ્ટ કરનારા સામે કાર્યવાહી કરી શકે છે.
સર્ફેસી એક્ટ હેઠળ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંકોને સામેલ કરવાના તથા અન્ય સહકારી બેંકોને લાગુ ન પડે તેવા વિવિધ હાઈકોર્ટે તથા સરકારના આદેશને જુદા જુદા રાજ્યોમાં ૧૭૦થીયે વધુ ધિરાણ લેનારાઓ દ્વારા પડકારવામાં આવ્યો હતો.વિવિધ રાજ્યોની હાઈકોર્ટમાં પડકારવામાં આવેલ આવા કેસોની એકસામટી સુનાવણી અંતે સુપ્રિમ કોર્ટ દ્વારા પોતાના હસ્તક કરી હતી. સુપ્રિમ કોર્ટમાં ૫ જજોની બંધારણીય બેંચ દ્વારા સુનાવણી તરીકે સામેલ કરવામાં આવી હતી, જે અન્ય બંધારણીય બાબતોની સુનાવણી જેટલી જ મહત્ત્વની સાબિત થઈ હતી. આ ચુકાદા દ્વારા સત્યનો હંમેશ જય થાય છે, તે ઉક્તિ યથાર્થ નીવડી હતી. સહકારી બેંકોની તપસ્યા ફળી હતી.
સહકારી બેંકો માટેના કેસના મહત્વને જોતાં અને ૧૫૦૦થી વધુ શહેરી સહકારી બેંકો, ૨૯ રાજ્યની સહકારી બેંકો અને ૩૦૦થી વધુ જિલ્લા સહકારી બેંકો સામેલ છે, તે જોતાં સહકારી બેંકિંગ સેક્ટર વતી નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્કસ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (નાફકબ) દ્વારા ભારતના સોલિસિટર જનરલ, શ્રી. તુષાર મહેતા જે કેટલાક વર્ષો પહેલા ગુજરાત હાઇકોર્ટમાં આ જ મુદ્દા સાથે સંકળાયેલા હતા, ની કાયદાકીય સેવાઓ લેવાઈ હતી. તેઓએ સહકારી બેંકો વતી સુપ્રિમ કોર્ટની બેંચ સમક્ષ કેસની યથાર્થ અને સચોટ દલીલો વડે અસરકારક રજૂઆત અને બંધારણીય મુદ્દાઓની છણાવટ કરી હતી.
સુપ્રિમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ આ કેસની સુનાવણીઓ થઈ હતી અને અંતે ૫ મે ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સર્ફેસી એક્ટ સહકારી બેંકોને પણ લાગુ પડે છે. લાંબા સમયથી ચાલી રહેલી આ કાનૂની લડતના અંતે,આ ચુકાદા થકી સહકારી બેંકો નવા ઉત્સાહથી લાંબા સમયથી બાકી લેણાંની વસૂલાત કરવા અધિકાર મળેલ છે, જેથી તેમના એનપીએ ઘટશે અને નફાકારકતા વધશે.
સર્ફેસી એક્ટ ખાસ કરીને સહકારી બેંકો માટે મૂલ્યવાન કાયદો છે. કારણ કે તેમની લોનની રકમ વ્યાપારી બેંકો કરતાં નાની હોય છે પરંતુ વસૂલાતની લાંબી તેમજ ખર્ચાળ પ્રક્રિયાથી ઘણી વાર નિરાશાજનક પરિણામો ઉદભવે છે. આ ચુકાદાથી સહકારી બેંકોને લાંબી, જટિલ અને ખર્ચાળ પ્રક્રિયાથી મુક્તિ મળશે અને વસૂલીની કાર્યવાહી ઝડપી બનશે.
નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટીવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (નાફકબ)ના અધ્યક્ષ જ્યોતીન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ ચુકાદો ૧૫૪૦ શહેરી સહકારી બેંકો માટે મોટી રાહત સમાન બન્યો છે, કારણ કે વિભિન્ન ડિફોલ્ટરો મોટી સંખ્યામાં હતા, જેઓ લોન લઈને વિવિધ અદાલતો દ્વારા સર્ફેસી એક્ટના અર્થઘટન કરવામાં અસ્પષ્ટતાનો લાભ લઈ રહ્યા હતા અને વર્ષોથી લોનની રકમ પરત આપતા નહોતા. મને ખાતરી છે કે આ ચૂકાદાની શહેરી બેંકોના મનોબળ પર સકારાત્મક અસર પડશે, જેમાંથી ઘણી બેંકો તેમના એનપીએ ઘટાડશે અને પરિણામે તેઓ ટૂંકા ગાળામાં મજબૂત બનશે.
ગુજરાત હાઈકોર્ટમાં વિભિન્ન ડીફોલ્ટર બોરોઅર્સ દ્વારા કરાયેલ અપીલ દરમિયાન ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેંકના અધ્યક્ષ અજયભાઈ પટેલે સહકારી બેંકો તરફથી આગેવાની લઇ કેસમાં સહકારી બેંકો તરફે સક્રિય રસ લીધો હતો. આ ચુકાદો આવતાં તેમણે જણાવ્યું હતું કે સહકારી બેંકિંગ ક્ષેત્ર માટે સંતોષની વાત છે કે આ મામલામાં નાફકનની સમયસરની દખલથી સહકારી બેંકિંગ સેક્ટરને મોટી મદદ મળી છે. આના પરિણામે હજારો પડતર (પેન્ડીંગ) કેસોનો હવે નિકાલ થઇ શકશે. ગુજરાતમાં સર્વત્ર સહકારી આગેવાનોએ આ ચુકાદાનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.