૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) વિધાનસભા બેઠક પર ગુજરાતભરની નજર
મુખ્યમંત્રીના મત વિસ્તાર ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ)માં ગુજરાતમાં સૌથી વધુ ૨૦૫ સભા, સરઘસ, રેલી અને કાર્યાલયોની મંજૂરી આપવામાં આવી છે. ૬૯ રાજકોટ (પશ્ર્ચિમ) હોટ ફેવરીટ બેઠક માનવામાં આવી રહી છે.રાજકોટ જિલ્લાની આઠ બેઠક સહિત પ્રથમ તબકકાની રાજયની ૮૯ બેઠકોની વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં ચૂંટણી પંચની સુચના અનુસાર જિલ્લા ચૂંટણી અધિકારીની આગેવાની હેઠળ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકની ચૂંટણીલક્ષી તૈયારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતેષ પંડયાની આગેવાની હેઠળ થઈ રહી છે.વધુમાં આઠેય વિધાનસભાની ચૂંટણીલક્ષી કામગીરીનો કારોબાર બેઠક દિઠ નિમાયેલો રીટર્નીંગ ઓફિસરો સંભાળી રહ્યાં છે. ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ) બેઠકની કામગીરી રીટર્નીંગ ઓફિસ તેમજ શહેર-૨ના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની સંભાળી રહ્યાં છે. આ વિધાનસભા મત ક્ષેત્ર શહેરમાં હોટ ફેવરીટ ગણવામાં આવે છે. તમામ રાજકીય પક્ષો આ બેઠક મેળવવા માટે પ્રયત્નશીલ છે.વધુમાં આ બેઠકમાં ગુજરાતમાં સૌથી વધુ એવી ૨૦૫ સરઘસ, રેલી, સભા અને કાર્યાલયની મંજૂરી આપવામાં આવી છે. ૬૯-રાજકોટ (પૂર્વ) વિધાનસભા ઉપર રાજકિય ગરમાવો વધ્યો છે. અસરકારક ચૂંટણી પ્રચાર કરીને રાજકિય પક્ષો આ બેઠક મેળવવા ઉંધા માથે થઈ રહ્યાં છે. બેઠકની કામગીરી માટે નિમાયેલ રીટર્નીંગ ઓફિસર પ્રજ્ઞેશ જાનીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં પણ આ બેઠક માટે બે મુખ્ય પક્ષો વચ્ચે ભારે મુકાબલો જામ્યો હતો. સામાન્ય ચૂંટણીમાં ભાજપ તરફથી વજુભાઈ વાળા અને કોંગ્રેસના અતુલ રાજાણી વચ્ચે જંગ જામ્યો હતો. વજુભાઈ વાળાએ આ બેઠક પર વિજય ધ્વજ લહેરાવ્યો હતો. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવતા વજુભાઈ વાળાને કર્ણાટકનું ગર્વનર પદ સોંપવામાં આવ્યું હતું. જેથી આ બેઠક ખાલી થઈ હતી. ૬૯-રાજકોટ (પશ્ર્ચિમ)ની પેટાચૂંટણીમાં પણ સામાન્ય ચૂંટણી જેવી જ રસાકસીની સ્થિતિ સર્જાય હતી. ભાજપના વિજયભાઈ રૂપાણી અને કોંગ્રેસના જેન્તીભાઈ કાલરીયા વચ્ચે બેઠક માટે જંગ ખેલાયો હતો. ત્યારે વિજયભાઈ રૂપાણીની આ બેઠકમાં જીત થઈ હતી. વધુમાં વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીપદ સોંપાતા આ બેઠક પર તમામ રાજકીય પક્ષોની નજર છે.