ત્રણેય શાર્પ શૂટરોએ બોગસ પાસપોર્ટ તૈયાર કરી જયેશ પટેલને થાઇલેન્ડમાં મળ્યા’તા
જયેશ પટેલનો મુંબઇ એરપોર્ટ પર પાસપોર્ટ જપ્ત કરાયો છતા તે દુબઇ થઇ લંડન બોગસ પાસપોર્ટના આધારે પહોંચ્યો
જામનગરના ભૂ માફિયા જયેશ પટેલ અને તેના ત્રણ શાર્પ શુટર સામે બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ ગયા હોવાનો ત્રણેય શખ્સોની રિમાન્ડ દરમિયાન બહાર આવતા પોલીસે ચારેય સામે બોગસ પાસપોર્ટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી વિગત મુજબ હત્યા, હત્યાની કોશિષ, જમીન કૌભાંડ અને ખંડણી પડાવવા સહિત અનેક ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલે ભાડુતી મારા પાસે વકીલ કિરીટભાઇ જોષીની હત્યા કરાવ્યા બાદ ત્રણેય પ્રોફેશનલ ક્લિર અને જયેશ પટેલ ફરાર થઇ હતા. જયેશ પટેલનો ઓરિજનલ પાસપોર્ટ મુંબઇ એરપોર્ટ ખાતે જપ્ત કરી લેવામાં આવ્યો હોવા છતા તે દુબઇ થઇ લંડન પહોચી ગયો હોવાથી તેની પાસે બોગસ પાસપોર્ટ હોવાની વિગતો સામે આવી છે.
બીજી તરફ કલકતા ખાતેથી ઝડપાયેલા ત્રણેય શાર્પ શુટરો જયેશ પટેલ પાસેથી દર મહિને ખર્ચ પેટે 3 થી 5 લાખ મેળવતા હોવાનું ત્રણેય શખ્સોની પુછપરછ દરમિયાન બહાર આવતા પોલીસે જયેશ પટેલ પાસેથી આ રકમ કંઇ રીતે મેળવતા અને ફરાર હતા તે દરમિયાન તેઓ મળ્યા હતા કે કેમ તે અંગે કરાયેલી પૂછપરછમાં બોગસ પાસપોર્ટના આધારે જયેશ પટેલને થાઇલેન્ડ ખાતે મળ્યા હોવાની કબુલાત આપી છે. જામનગર ડીવાય.એસ.પી. કૃણાલ દેસાઇએ ભૂમાફીયા જયેશ પટેલ, શાર્પશુટર હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવી સહિત ચારેય સામે બોગસ પાસપોર્ટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જયેશ પટેલને લંડનથી ભારત લાવવા માટે ઇન્ટરપોલની મદદથી કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ત્યાં જયેશ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે.