‘બાપુ’ની મિલકત સમજનાર સાવચેત!!
મિત્રતાના દાવે ઉપયોગ કરવા આપેલી ઓફિસમાં કબ્જો જમાવતા વકીલની ધરપકડ
રાજયમાં જમીન કૌભાંડીયાઓ અને મિલકત પચાવી પાડનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા સરકાર દ્વારા ઘડાયેલા કાયદાનો ભંગ કરતા રાજકોટના એડવોકેટ રહીમ મોર સામે મિત્રતાના દાવે ઉપયોગ કરવા આપેલી ઓફિસ પચાવી પાડયા અંગેનો ગુનો નોંધાતા પોલીસે વકીલની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભક્તિનગર સર્કલ પાસે યુગધર્મ સંકુલમાં રહેતા શૈલેષભાઇ જયંતીભાઇ કકકડે સૌરાષ્ટ્ર યુનિર્વસિટી કર્મચારી કો.ઓ.હાઉસીંગ સોસાયટીમાં રહેતા એડવોકેટ રહીમ અબ્દુલ મોર સામે મોચી બજાર કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલા ગોકુલ કોમ્પ્લેક્ષ ખાતેની ઓફિસ પચાવી પાડયા અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શૈલેષભાઇ કકકડની ગોકુલ કોમ્પ્લેક્ષ ખાતેની ઓફિસે અવાર નવાર કામ અર્થે આવતા એડવોકેટ રહીમ મોર સાથે મિત્રતાના સંબંધ બંધાતા તેઓને ઓફિસ ઉપયોગ કરવા માટે આપી હતી. શૈલેષભાઇ કકકડે પોતાની ઓફિસ ખાલી કરી આપવાનું કહેતા વકીલ રહીમ મોરે ઓફિસ ખાલી ન કરી હોવાની જિલ્લા કલેકટર કચેરી ખાતે એન્ટી લેન્ડ ગ્રેબીગ કાયદાની જોગવાય મુજબ અરજી કરતા કલેકટરમાં મળેલી બેઠકમાં ગુનો નોંધવા આદેશ આપવામાં આવતા એ ડિવિઝન પોલીસે એડવોકેટ રહીમ મોર સામે મિલકત પચાવી પાડવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે.