ભાવો સારા મળતાં ચાલુ સીઝનમાં કુલ 1,12,750 મણ જીરૂ આવ્યું
વાંકાનેર યાર્ડમાં ચાલુ વર્ષે સૌ પ્રથમ વખત રેકોર્ડબ્રેક જીરાની આવક થવા પામી છે. તાજેતરમાં વાંકાનેર યાર્ડમાં 10,800 મણ જીરાની આવક માત્ર એક જ દિવસમાં થવા પામી હતી. જે આટલા વર્ષોથી સૌથી વધુ આવક છે.
વાંકાનેર યાર્ડની સ્થાપના 1956માં થયેલી, ત્યાર આટલા વર્ષોમાં કયારેક જીરાની આવક આટલા મોટા જથ્થામાં થવા પામી નથી. વાંકાનેર યાર્ડમાં હાલ દરરોજ 7 થી 8 હજાર મણ જીરૂ ઠલવાઈ રહ્યું છે.ત્યારે બે ત્રણ દિવસ પૂર્વે માત્ર એક જ દિવસમાં 10,800 મણ જીરૂ ઠલવાયું હતુ.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ચાલુ વર્ષે વાંકાનેર યાર્ડમાં જીરાના ખુબ સારા ભાવો ખેડૂતોને મળી રહ્યા હોય જેથી પુષ્કળ આવક થઈ રહી છે. હાલ ખેડૂતોને એક મણ જીરાના ભાવ રૂ.2300થી 3000 સુધીના ઉપજી રહ્યા છે. આ ઉપરાંત ચાલુ સીઝનમાં જીરાની આવક જોઈએ તો આ વર્ષે કુલ 1,12,750 મણ જીરાની આવક થવા પામી છે. વાંકાનેર યાર્ડમાં સારા ભાવો મળી રહેતા સૌરાષ્ટ્રના ગામોગામથી જીરૂ અહી ઠલવાઈ રહ્યું છે. આ ઉપરાંત અહીં જીરાની સારી રીતે ઉતરાય, રોજે રોજનું તોલમાપ, રોજે રોજનું વેચાણ વ્યવસ્થિત થઈ રહ્યું છે. વધુમાં ખેડુતોને પોતાની જણસીનાં તુરત જ રોકડા પૈસા મળી રહ્યા છે.