લોકસભાની ચુંટણી પૂર્વે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠકમાં અરજન્ટ બિઝનેસ સહિત ૫૧ પૈકી ૪૯ દરખાસ્તને મંજુરી: એક પરત, એક નામંજુર

રૈયાધાર ખાતે ૫૦ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે: અમૃત યોજના અંતર્ગત રૂ.૧૭૦.૫૬ કરોડના કામો મંજુર કરાયા

લોકસભાની ચુંટણીની આચારસંહિતાની અમલવારી પૂર્વે મહાપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રેકોર્ડબ્રેક ૧૯૮.૯૧ કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજુરીની મહોર મારવામાં આવી હતી. ૪ અરજન્ટ બિઝનેસ સહિત ૫૧ દરખાસ્તો પૈકી ૪૯ દરખાસ્તો મંજુર કરાઈ હતી. જયારે એક દરખાસ્ત નામંજુર કરવામાં આવી છે અને એક દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ અર્થાત ૨૦૧૮-૧૯ના વર્ષમાં આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રેકોર્ડબ્રેક ૧૯૯ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. જેમાં રાજય સરકારની અમૃત યોજના હેઠળ રૂ.૧૭૦.૫૬ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે જેમાં પોપટપરા પમ્પીંગ સ્ટેશનને અપગ્રેડેશન, સિવિલ વર્ક, પમ્પીંગ મશીનરી, રાઈજીંગ મેઈન લેઈંગ કરવા અને પાંચ વર્ષનો ઓપરેશન મેન્ટેન્નશનો કોન્ટ્રાકટ આપવા રૂ.૨૬.૭૧ કરોડ, કોઠારીયા બાયપાસ પર ૧૫ એમએલડી ક્ષમતાનું સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રૂ.૨૪.૭૨ કરોડ, ઈસ્ટ ઝોનમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન ખાતે પમ્પીંગ મશીનરીના અપગ્રેડેન માટે રૂ.૨.૧૦ કરોડ, કોઠારીયા ગામ નજીક ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવા અને રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવા રૂ.૨૨.૧૪ કરોડ મંજુર કરવામાં આવ્યો છે.

જયારે આજી રિવર ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત આજી નદીના પૂર્વ કિનારે નેશનલ હાઈવે ૮-બી પરના બ્રિજની પોપટપરા રીંગ રોડ સુધી ઈન્ટરસેપ્ટર સીવરેઝ લાઈન નાખવા રૂ.૧૦.૨૧ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. વોર્ડ નં.૧૨માં ઉમિયાચોકથી બાપાસીતારામ ચોક સુધી સિમેન્ટ રોડ બનાવવા રૂ.૨.૬૬ કરોડ, વોર્ડ નં.૧૧માં મવડી યુરિનલથી રામધન ૨૪ મીટર ટીપીના રોડ પર ફુટપાથ તથા સાઈડ સોલ્ડરમાં પેવિંગ બ્લોક લગાવવા ૧.૪૫ કરોડ, વોર્ડ નં.૧માં રૈયાધાર સ્લમ કવાર્ટરથી સ્માર્ટ સિટીના ટીપી સ્કીમના ૨૪ મીટરના ટીપી રોડ પર પેવર કરવા રૂ.૪.૪૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આજે સ્ટેન્ડિંગમાં અરજન્ટ ૪ દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં રૈયાધાર ખાતે હયાત વોટર ટ્રીટમેન્ટની બાજુમાં આવેલા પ્લોટમાં ૫૦ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ૧૮.૬૦ એમએલડી ક્ષમતાનો જીએસઆર અને ૩ એમએલડીનો ઈએસઆર અને સંલગ્ન પમ્પ હાઉસ બનાવવા રૂ.૨૯.૭૩ કરોડ, વોર્ડ નં.૩માં સાધુ વાસવાણી કુંજ રોડ પર ડામર કાર્પેટ કરવા રૂ.૪.૧૯ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

શહેરના મુખ્ય રસ્તાઓ અને ટ્રાફિક સર્કલ આયલેન્ડને જનભાગીદારીથી ડેવલોપ કરવાની દરખાસ્ત નામંજુર કરાઈ છે. જયારે રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ ઈનસ્ટોલ કરવા માટે રૂ.૧.૦૫ કરોડનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે. કારણકે આ ખર્ચ સ્માર્ટ સિટી અંતર્ગત કરવાનો છે. આજે સ્ટેન્ડિંગમાં રેકોર્ડબ્રેક ૧૯૯ કરોડના વિકાસ કામોને મંજુરીની મહોર મારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.