સાવજ અને સીંગદાણા માટે વખણાતા સૌરાષ્ટ્રની ધરાએ હવે જાણે લીલી ચૂંદડી ઓઢી છે..આ વખતે થોડી વહેલી કહી શકાય.. ! હા, સચરાચર વરસાદ બાદ ખેતરોમાં ઠેરઠેર મગફળીનાં વાવેતર જોવા મળે છે. એક તો ખેડૂતોએ પિયતની જમીનોમાં પહેલેથી જ મગફળીના વાવેતર કર્યા હતા એમાં વળી વરસાદે સમયસર મહેર કરી છે. તેથી જુલાઇ-૨૦ નાં પ્રારંભે કુલ ૨૫.૦૫ લાખ હેક્ટરમાં મગફળીનાં વાવેતર થયા છે. જે ગત વર્ષે આજ સમયગાળામાં માંડ ૧૫.૫૦ લાખ હેક્ટરમાં નોંધાયા હતા. આમ તો પિયતની જમીનોમાં પહેલેથી જ આશરે ૧૪૦૦૦ હેક્ટરમાં મગફળી વવાઇ ગઇ હતી. જે ગત વર્ષ કરતાં ૧૦ ગણો વધારો સુચવે છે. આ ઉપરાંત મગફળીનાં કુલ વાવેતરમાં થયેલો આશરે ૬૧ ટકાનો વધારો સાફ સંકેત આપે છે કે કદાચ આ વખતે કપાસ તથા એરંડા જેવા પાકનાં વાવેતર ઘટી શકે છે. હવે જો દેશમાં મગફળીનું ઉત્પાદન વધે તો તેમાં દેશની તિજોરીને મોટો ફાયદો છૈ. વળી આ વખતે મગફળીનાં ભાવ પણ ગત વર્ષનાં ટન દિઠ ૫૫૪૦૦ રૂપિયાની તુલનાએ ૬૫૦૦૦ રુપિયા બોલાય છે. આ ભાવ જુલાઇ-૨૦ ના પ્રથમ સપ્તાહના છે જુન-૨૦નાં પ્રથમ સપ્તાહમાં તો મગફળીના ભાવ ૭૦૦૦૦ રૂપિયા બોલાતા હતા.
આમેય તે મોદીજીની સરકાર આત્મનિર્ભર થવાની વાત કરે છે અને સમયાંતરે ઇન્ડોનેશિયા તથા મલેશિયાથી પામતેલની આયાત ઘટાડવાની રણનિતી બનાવે છે ત્યારે મગફળી જેવા પાકોને ઉત્તેજન મળે તે સ્વાભાવિક છે. બાકી હોય તો સરકારે આ વખતે સીંગદાણાનાં ટેકાના ભાવ વધારીને ૨૦ કિલોના રૂપિયા ૧૦૧૮ કર્યા છે તેથી ખેડૂતોમાં ઉત્સાહ છે. આ ઉપરાંત દેશની મગફળીની નિકાસમાં ૩૫ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ભારતે ૪. ૮૯ લાખ ટન સિંગદાણાની નિકાસ કરી હતી જે વિતેલા વર્ષમાં વધીને ૬.૬૪ લાખ ટને પહોંચી છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર ભારતના સિંગદાણાની નિકાસ પાંચ લાખ ટનથી વધારે થઇ છે. ભારતીય સિંગદાણાની મુખ્યત્વે વિયેતનામ, ચીન, મલેશિયા, ઇન્ડોનેશિયા તથા અખાતી દેશોમાં નિકાસ થાય છે.
અહીં સવાલ એ છે કે મગફળીના ઉત્પાદનના વધારાથી ભારતને શું ફાયદો થયા? આંકડા જોઇએ તો ભારતમાં ખાદ્યતેલનો વાર્ષિક માથાદિઠ વપરાશ ૧૭.૫ કિલો છે. જ્યારે સ્થાનિક ખાદ્યતેલનું ઉત્પાદન માંડ તેના ત્રીજા ભાગનું છે. બાકીનું ખાદ્યતેલ આયાત કરવું પડે છે. ભારતમાં મોટે ભાગે પામતેલની આયાત વધારે થાય છે. આવા સંજોગોમાં જેમ ભારતમાં મગફળીનું ઉત્પાદન વધે તેમ પામતેલની આયાત ઘટે જે દેશની તિજોરીને ફાયદેમંદ સાબિત થાય. આ ઉપરાંત પરંપરાગત રીતે આપણે ત્યાં એવી માન્યતા છે કે પામતેલ કરતા સિંગતેલ વધારે ગુણકારી છે. તેથી દેશવાસીઓને ઉત્તમ ગુણવત્તાવાળુ ખાદ્યતેલ પહોંચાડવામાં પણ સફળતા મળી શકે તેમ છૈ. કારણ કે હાલમાં ભારતનું વાર્ષિક ઉત્પાદન આશરે ૭૫ થી ૮૦ લાખ ટન જેટલું હોય છે જ્યારે વપરાશ ૨૩૦ લાખ ટનનો છે. જે ૧૫૦ લાખ ટનની આયાત કરવી પડે છે તે દેશની તિજોરી ઉપર આશરે ૭૫૦૦૦ કરોડ રૂપિયાનો બોજ લાદે છે. જો આ બોજ હળવો થાય તો દેશને ફાયદો જ છે. સર્વેક્ષણનાં આંકડા બોલે છે કે આગામી ૨૦૨૫ ના વર્ષ સુધીમાં ભારતનો તેલનો વપરાશ ૨૯૦ લાખ ટને પહોંચવાનો છે. આવા સંજોગોમાં જો ભારતમાં ઉત્પાદન પામતા તેલિબીયાનું ઉત્પાદન વધે તો એટલી આયાત ઘટી શકે છે.
ઇતિહાસ ગવાહ છે કે હાલમાં સિંગતેલ કે તલના તેલમાં ભાવની પડતર કરવા માટે કારખાનેદારો પામતેલની ભેળસેળ કરતા જ હોય છે. પરંતુ જો મગફળીનુ ઉત્પાદન વધે તો તેના ભાવ ઘટે જેના કારણે કારખાનેદારો નીચા ભાવની મગફળી લઇને ગુણવત્તામાં સુધારો કરી શકે છે.
આમ તો ભારત હવે પામતેલનુ સ્થાનિક ઉત્પાદન વધારવાનાં પણ પ્રયોગો કરી રહ્યું છે પરંતુ પામતેલનું ઉત્પાદન આપણને સ્થાનિક જરૂરિયાત પુરી પાડી શકશે જ્યારે મગફળીનું વધારે ઉત્પાદન ભારતને સ્થાનિક વપરાશ ઉપરાંત વધુ ભાવ મળે તો નિકાસ વેપાર વધારવામાં પણ મદદરૂપ થઇ શકે છે. ભારતીય નિકાસકારોએ અગાઉના વર્ષે ટન દિઠ સરેરાશ ૯૬૮ ડોલરના ભાવે સિંગદાણાની નિકાસ કરી હતી. પરંતુ ગત વર્ષે ભારતીય નિકાસકારોને ટન દિઠ સરેરાશ ૧૦૭૭ ડોલરનાં ભાવે સિંગદાણા વેચવાની તક મળી હતી જેના કારણે આપણી નિકાસ ઉંચી ગઇ હતી. તેથી મગફળીનું ઉત્પાદન વધારવામાં ભારતના બન્ને હાથમાં લાડવા છે એવું કહી શકાય.