ગુજરાતીઓ પહેલેથી ગોલ્ડ માટે આકર્ષણ ધરાવતા રહ્યા છે. હવે તેઓ ફિજિકલ ઉપરાંત ડિજિટલ ગોલ્ડમાં પણ રોકાણ વધારતા જાય છે. ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં ગોલ્ડ ઈટીએફની એયુએમ 342 કરોડ રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર ભારતમાં ગોલ્ડ ઈટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ વધીને 26,163 કરોડ થઈ ગઈ છે.
મ્યુચ્યુઅલ ફંડ, બેન્ક એફડી અને સ્ટોકની તુલનામાં ગોલ્ડમાં સૌથી સૌથી ઊંચું વળતર
સોનાના ભાવ જેમ જેમ વધતા જાય છે તેમ તેમ રોકાણકારો ગોલ્ડ ઈટીએફમાં પણ પોતાનું રોકાણ વધારી રહ્યા છે. ઓક્ટોબર મહિનાના ડેટા પ્રમાણે ગોલ્ડ ઈટીએફમાં ગુજરાતમાં રોકાણ 342 કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું હતું. ગોલ્ડના ભાવ અને ડિમાન્ડ બંને વધ્યા છે જેના કારણે એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં પણ રોકાણમાં વધારો થયો છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાના ડેટા અનુસાર ગોલ્ડ ઈટીએફની એયુએમ (એસેટ અંડર મેનેજમેન્ટ) સપ્ટેમ્બર મહિનામાં 8 ટકા વધીને 317 કરોડ રૂપિયા થઈ હતી, જ્યારે ઓક્ટોબર 2022માં 276 કરોડની એયુએમ હતી.
છેલ્લા એક વર્ષમાં એયુએમ 24 ટકા જેટલી વધી છે. ગોલ્ડ ઈટીએફનો અગાઉનો રેકોર્ડ 337 કરોડ રૂપિયાનો હતો જે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં નોંધાયો હતો.
સોમવારે અમદાવાદમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 64,000 રૂપિયાને પાર કરી ગયો હતો. સોનાનો ભાવ અત્યારે છ મહિનાની ટોચ પર ચાલે છે. એનાલિસ્ટ્સ માને છે કે સોનાના ભાવમાં વધારાના કારણે ઈટીએફની એસેટ વેલ્યૂ વધી છે. આ ઉપરાંત તહેવારોની સિઝનમાં પણ સોનામાં નવું રોકાણ આવ્યું છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યા પ્રમાણે બુલિયન, મ્યુચ્યુઅલ ફંડ, બેન્ક એફડી અને સ્ટોક સાથે તુલના કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં ગોલ્ડમાં સૌથી વધારે વળતર મળ્યું છે. રોકાણકારો માટે સોનું એ એક પસંદગીની એસેટ ક્લાસ છે. ખાસ કરીને કોવિડ પછી તેની લોકપ્રિયતા વધી છે કારણ કે સોનામાં ઘણું સારું રિટર્ન મળે છે.
સોનાના ભાવમાં આવેલા ઉછાળા અને અને દિવાળી પછી થયેલી ખરીદીના કારણે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધતું જાય છે. ગઈ દિવાળીથી અત્યારની તુલના કરવામાં આવે તો સોનાના ભાવમાં 22 ટકાનો વધારો થયો છે. એનાલિસ્ટ્સ માને છે કે જિયોપોલિટિકલ પરિબળોના કારણે છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં વધારો થયો છે.
આચાર્ય જણાવે છે કે ફુગાવો, ગ્લોબલ બજારની અનિશ્ચિતતા, વધતો જતો ભૂરાજકીય તણાવ અને કરન્સીની વેલ્યૂમાં થયેલા ઘટાડાના કારણે સોનાના ભાવને અસર પડી છે. સમગ્ર ભારતમાં ગોલ્ડ ઈટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ વધીને 26,163 કરોડ થઈ ગઈ છે.
ભારત હંમેશાથી સોનાના સૌથી મોટા ખરીદદાર દેશ તરીકે જાણીતો છે જ્યાં દર વર્ષે લગભગ 800થી 1000 ટન સોનાની આયાત કરવામાં આવે છે. લોકો હવે ફિજિકલ ગોલ્ડના બદલે ડિજિટલ ગોલ્ડને પણ પસંદ કરતા થયા છે જેના કારણે ઈટીએફ, સોવેરિન ગોલ્ડ બોન્ડ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના સ્વરૂપમાં સોનું ખરીદવામાં આવે છે.