- બજાર ભાવ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશહાલી છવાઈ: કૃષિ મંત્રી
- અત્યાર સુધીમાં 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી થઇ ખરીદી
- રૂ. 6700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ
ગુજરાતમાં હાલ ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા મગફળી માટે 6783 પ્રતિ ક્વિન્ટલ (1356 રૂપિયા પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતા. જેથી મગફળી પાકના વેચાણ માટે રાજ્યના 3.72 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા 197 ખરીદ કેન્દ્રો ખાતેથી 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી 6700 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 2.32 લાખ ખેડૂતોને 5172 કરોડ રૂપિયાથી વધુનું ચૂકવણું પણ સીધું તેમના બેંક ખાતામાં કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે સોયાબીન માટે 4892 પ્રતિ ક્વિન્ટલ (978.40 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જેના પરિણામે ટેકાના ભાવે સોયાબીનના વેચાણ માટે રાજ્યના કુલ 24800થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ 88 ખરીદ કેન્દ્રો પરથી આશરે 20500થી વધુ ખેડૂતો પાસેથી 252 કરોડથી વધુના મૂલ્યની કુલ 51400 મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 17000 જેટલા ખેડૂતોને 210 કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે.
રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે. બાકીના તમામ ખેડૂતો પાસેથી આગામી તા. 8 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી.