એક્સપોર્ટ માટે ડિમાન્ડ નીકળતા એક માસ પહેલા સફેદ તલના ભાવ 1800 થી 2000 હતા તે 10 વર્ષની ટોચે પહોંચી ગયા
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે સફેદ તલના રેકોર્ડ બ્રેક રૂ.3,222 ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. આજે સફેદ તલની 8000 મણ આવક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.
યાર્ડના સૂત્રોના જણાવ્યાનુસાર રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજથી એક મહિના પહેલા સફેદ તલના પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.1800 થી 2000 બોલાતા હતા. દરમિયાન સ્થાનિક લેવલે ડિમાન્ડ પૂરી થઇ ગઇ છે અને હવે એક્સપોર્ટ માટે નવેસરથી ખરીદી શરૂ થવાના કારણે સફેદ તલના ભાવમાં અચાનક અને અકલ્પનિય ઉછાળો આવી ગયો છે. એક મહિનામાં જ પ્રતિ મણ તલના ભાવમાં રૂ.1200 થી 1400નો વધારો થવાના કારણે ખેડૂતોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા 10 થી 12 વર્ષ દરમિયાન સફેદ તલના આવા તોતીંગ ભાવ ક્યારેય ઉપજ્યા નથી. જો કે હાલ ભાવ વધુ છે પરંતુ તેની સામે આવક પણ ખૂબ જ ઓછી છે. આજે યાર્ડમાં 8 થી 9 હજાર મણ સફેદ તલની આવક થવા પામી હતી.