૧૪૦૦ સુધીના ભાવ બોલાયા: અન્ય જિલ્લાના ખેડૂતો પણ મગફળી વહેંચવા પહોંચ્યા
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં દિન પ્રતિદિન જથ્થાબંધ મગફળીની આવક થઇ રહી છે. રોજ રોજ ઢગલાબંધ મગફળી વેચાણ અર્થે ઠલવાઇ રહી છે. ગઇકાલે રજાના દિવસે પણ હાપા યાર્ડમાં ૫૫૦૦૦ ગુણી મગફળીની આવક થવા પામી છે. આજ વહેલી સવાર સુધી આવક ચાલુ રહેતા વહેલી સવારે ૬:૦૦ કલાક મગફળીની આવક પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
હજારો-લાખો મગફળીની ગુણીની આવક થતા વાહનોના પણ યાર્ડ બહાર થપ્પા લાગ્યા છે. મગફળીની અધધધ આવક સાથે યાર્ડ બહાર ૮૦૦ જેટલા નાના મોટા વાહનો ઉભા રાખી દેવાયાં છે.
હાપા યાર્ડમાં હાલ અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો મગફળી વેચાણ અર્થે આવી રહ્યા છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, મોરબી, કચ્છ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે. ગત સપ્તાહ હાપા યાર્ડમાં ૧૪૦૦ સુધીના ભાવ બોલાયા હતા. હાપા યાર્ડમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તમિલાનાડુના વેપારીઓ મગફળીના વાવેતર માટે ખરીદી અર્થે આવી રહ્યા છે.
જેઓ ૯ નંબર અને ૬૬ નંબરની મગફળીના ૧૪૦૦ સુધીના ભાવો આપી રહ્યા છે. હાપા યાર્ડમાં ૯ નંબર અને ૬૬ નંબરની મગફળીના ભાવ સારા મળતા જામનગર જિલ્લામાં આ પ્રકારની મગફળીનુ બમ્પર વાવેતર થવા લાગ્યુ છે.
હાપા યાર્ડમાં હાલ ૯ નંબર, ૬૬ નંબર ઉપરાંત લોકલ જીણી-જાડી મગફળીના પણ ઉંચા ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. યાર્ડમાં ગત રાત્રીના ૧૨થી આજ સવારના ૫ વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક ૫૫૦૦૦ ગુણી મગફળીની આવક થતા હાલ આવક પર પ્રતિબંધ મુકી દેવાયો છે.