રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ચણાની રેકોર્ડબે્રક 80000 કિવન્ટલ ચણાની આવક થવા પામી છે જયારે ઘઉંની પણ પુષ્કળ આવક થઇ રહી હોય ત્યારે ગઇકાલે 30000 ગુણી ઘઉં ઠલવાયા છે. ગઇકાલ સાંજથી રાત સુધી યાર્ડ બહાર વાહનોની 6 કિલોમીટર જેવી લાંબી લાઇન લાગી હતી.
ગોંડલ બાદ સૌરાષ્ટ્રના અગીમ ગણાતા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે ચણાની અધધધ 80000 કિવન્ટલ ચણાની આવક થવા પામી છે. ચણાની સાથે ઘઉંની પણ પુષ્કળ આવક થઇ છે. 30000 ગુણી ઘઉં યાર્ડમાં ઠલવાયા છે. રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી જણસી વેચવા યાર્ડ બહાર લગભગ 6 કિ.મી જેવી ઘઉં ચણા ભરેલા વાહનોની લાઇનો લાગી હતી.
પુષ્કળ આવકની સાથોસાથ ખેડૂતોને ભાવો પણ સારા ઉપજી રહ્યા છે. ચણાના પ્રતિમણ રૂ.850થી 950 જયારે ઘઉંના પ્રતિમણ રૂ.330થી 470 સુધીના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે.
ચાલુ વર્ષે ચણાના પુષ્કળ વાવેતર બાદ મબલખ ઉત્પાદનને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં ચણાની ભરપુર સીઝન ચાલી રહી છે.
ચણાની સાથો સાથ મસાલા પાડો સુકા મરચા, ધાણા, જીરૂ વગેરેથી પણ યાર્ડો હાલ ઉભરાઇ રહ્યાં છે.
ખેડૂત ખુશ ખુશાલ… કપાસના સૌથી ઉંચામાં રૂ.1350 બોલાયા
હાલ કપાસની સીઝન પુર્ણતાના આરે છે તો ઘણા યાર્ડમાં આવક પણ બંધ થઇ ગઇ છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં હજુ થોડો-ઘણો કપાસ આવી રહ્યો છે. ત્યારે રાજકોટ યાર્ડમાં આજરોજ કપાસનો અત્યાર સુધીનો સૌથી ઉચામાં ઉચો ભાવ પ્રતિમણનો રૂ.1350 બોલાયો હતો. જે આજ સુધીનો રેકોર્ડબે્રક છે રાજકોટ તાલુકાના ગ્રામ્યનો 120 મણ જેવો કપાસ વેચાણ અર્થે આવતા ખુબ સારા ભાવ મળતા ખેડૂત પણ ખુશ ખુશાલ થયા છે.