મોટા મવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીનો કાલાવડ રોડ પહોળો કરવા માટે કપાતમાં જતી મિલકત સામે પોલીસ અને કલેક્ટર ઉપરાંત એક ખાનગી માલિકીના જમીનધારક દ્વારા વિકલ્પ આપવામાં આવ્યો ન હોય દરખાસ્ત પેન્ડિંગ રખાઇ
શ્વાન વંધીકરણનો કોન્ટ્રાક્ટ વધારવાની અને અલગ-અલગ શાખાઓમાં ભરતી-બઢતીના નિયમો અને નવી જગ્યા ઉભી કરવાની દરખાસ્ત અભ્યાસ માટે પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ
મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને ત્રણ કોર્પોરેટરોની કમિટીની રચના કરતા ચેરમેન પુષ્કર પટેલ: 81 દરખાસ્તોને બહાલી આપી રૂ.30 કરોડના વિકાસકામોને લીલીઝંડી
સ્ટેન્ડિંગમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો
વિગત રકમ રસ્તાકામ રૂ.11.10 કરોડ ડ્રેનેજ રૂ.2.70 કરોડ તબીબી આર્થિક સહાય રૂ.19 લાખ સોલીડ વેસ્ટ શાખા માટે ખર્ચ રૂ.1.73 કરોડ સ્ટોર્મ વોટર ડ્રેઇન રૂ.1.35 કરોડ વાહન ખરીદી રૂ.1.06 કરોડ પાઇપલાઇનના કામ રૂ.5.80 કરોડ ગાર્ડન વિભાગ રૂ.70 લાખ ઝૂ-એનિમલ હોસ્ટેલ રૂ.1.24 કરોડ માઇનોર બ્રિજ રૂ.57 લાખ બિલ્ડીંગ કામ રૂ.65 લાખ લાઇટીંગ રૂ.39 લાખ કમ્પાઉન્ડ વોલ રૂ.62 લાખ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 96 પૈકી રેકોર્ડબ્રેક 15 દરખાસ્તો વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. વધુ અભ્યાસ માટે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને ત્રણ કોર્પોરેટરોની એક સમિતિની રચના કરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ દરખાસ્તને બહાલી આપવી કે નામંજૂર કરવી તે અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે. અન્ય 81 દરખાસ્તોને લીલીઝંડી આપી રૂ.30 કરોડના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે ખડી સમિતિની બેઠકમાં 96 પૈકી 15 દરખાસ્તો વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. શહેરની હદમાં સમાવિષ્ટ મોટા મવા ગામતળથી આરએમસી હદ સુધીના 30 મીટરના ટીપી રોડને 45 મીટર સુધી પહોળો કરવા માટે જે મિલકતધારકોની મિલકતો કપાતમાં આવે છે. તે પૈકી 43 મિલકતધારકોને કપાતમાં જતી જમીનના બદલામાં અન્ય સ્થળે તેટલી જ જમીન આપવા, 17 અસરગ્રસ્તોને કપાતના બદલામાં વધારાની એફએસઆઇ આપવા જ્યારે ચાર મિલકતધારકોને કપાતમાં જતી જમીનના બદલામાં રોકડ વળતર આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આશરે દોઢ કિલોમીટરનો રોડ પહોળો કરવા માટે કોર્પોરેશનના 12 અનામત પ્લોટ ઉપરાંત કલેક્ટર વિભાગના આઠ, પોલીસ કમિશનર વિભાગનો એક અને ખાનગી માલિકોનો એક પ્લોટ આવેલો છે.
કોર્પોરેશને પોતાની મિલકત કપાતમાં જતી હોય કોઇ વળતર લેવાનું થતું નથી. પરંતુ પોલીસ કમિશનર, કલેક્ટર વિભાગ અને એક ખાનગી પ્લોટના માલિકે વૈકલ્પિક વળતર માટે વિકલ્પ આપ્યા નથી. જેના કારણે આજે જો દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવે તો પણ રોડ પહોળો કરવાની કામગીરી 100 ટકા થઇ શકે તેમ ન હતી. આ બાબતને ધ્યાનમાં રાખી અન્ય લોકોએ કેમ વૈકલ્પિક વળતર માટે વિકલ્પ નથી આપ્યા તેનું કારણ જાણવા અને વધુ અભ્યાસ કરવા માટે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને અભ્યાસ માટે ત્રણ કોર્પોરેટરોની એક સમિતિ બનાવવામાં આવી છે. જેમાં કોર્પોરેટર ડો.અલ્પેશ મોરઝરીયા, ચેતન સુરેજા અને દેવાંગ માંકડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત શહેરમાં શ્ર્વાન વંધીકરણ, હડકવા વિરોધી રસીકરણ અને ડોગ ફ્રેન્ડલી કામગીરીનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીની મુદ્તમાં વધારો કરવાની દરખાસ્ત પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે પ્રાણી રંજાડ અંકુશ વિભાગનું સ્ટાફ સેટઅપ રિવાઇઝ્ડ કરવા, અલગ-અલગ શાખાના સંવર્ગોના ભરતી-બઢતીના નિયમોમાં સુધારો કરવા, ઇડીપી શાખા, સ્નાનાગાર વિભાગ, લાયબ્રેરી વિભાગ, પ્રાણી સંગ્રહાલય વિભાગ અને વોર્ડ ઓફિસરની ભરતીના નિયમોમાં સુધારો કરવાની ઉપરાંત ફાયર ઇમરજન્સી સર્વિસીસ શાખાનું સ્ટાફ સેટઅપ રિવાઇઝ્ડ કરવા, ગાર્ડન શાખાનું સ્ટાફ સેટઅપનું રિવાઇઝ્ડ કરી ભરતી-બઢતીના નિયમોમાં ફેરફાર કરવા, હિસાબી શાખાનું સ્ટાફ સેટઅપ રિવાઇઝ્ડ કરવા તેમજ ભરતી-બઢતીના નિયમોમાં ફેરફાર કરવા, નાયબ મ્યુનિ.કમિશનરની બે નવી જગ્યા ઉભી કરવા, આસિસ્ટન્ટ મેનેજરની નવી જગ્યા ઉપસ્થિત કરી, ભરતીના નિયમોમાં સુધારો કરવા, અલગ-અલગ શાખાઓમાં બિનજરૂરી જગ્યાઓ રદ્ કરી તેના સ્થાને નવી જગ્યા ઉભી કરવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જે અંગે પૂરો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
સામાન્ય રીતે જ્યારે ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવતી હોય છે. અથવા એકલ-દોકલ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવતી હોય છે. પરંતુ આજે રેકોર્ડબ્રેક 15 દરખાસ્તો કોઇપણ કારણ વગર માત્ર વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. જેના કારણે કાલાવડ રોડ પહોળો કરવાની કામગીરી, શ્ર્વાન વંધીકરણની કામગીરી અને કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓમાં ભરતી-બઢતીના નિયમોમાં ફેરફાર કરવા, નવી જગ્યા ઉભી કરવા સહિતની કામગીરી ખોરંભે ચડશે. આવતા મહિને વર્તમાન પદાધિકારીઓની મુદ્ત પૂર્ણ થઇ રહી હોય હવે આ પેન્ડિંગ રાખવામાં આવેલી દરખાસ્તો પર નવા ચેરમેન નિર્ણય લે તેવું લાગી રહ્યું છે.
આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અન્ય 81 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને રૂ.30 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં ઢોર ડબ્બા માટે ઘાસની ખરીદી કરવા રૂ.68.79 લાખ, પાઇપલાઇન વિહોણા વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેક્ટરથી પાણી વિતરણ માટે રૂ.5.54 કરોડ, વોર્ડ નં.18માં કોઠારિયા સોલવન્ટની બાજુમાં આવેલા 24 મીટરના ટીપી રોડને ડેવલપ કરવા રૂ.7.40 કરોડ, રેલનગર અન્ડરબ્રિજમાં ગ્રાઉટીંગ કરી વોટરપ્રૂફીંગના કામ માટે રૂ.57 લાખ, નેશનલ હાઇવેથી રામવનને જોડતા રોડને ડેવલપ કરવા માટે વધારાનો રૂ.1.20 કરોડ ખર્ચ, વોર્ડ નં.4માં નવી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇન માટે રૂ.1.27 કરોડનો ખર્ચ, વોર્ડ નં.3માં ટીપીના અલગ-અલગ રસ્તાઓ પર મેટલીંગ કરવા રૂ.1.13 કરોડનો ખર્ચ, ફાયર બ્રિગેડ શાખા માટે ફોર્મ ટેન્ડર ખરીદવા રૂ.89 લાખ, વેરા વસૂલાત શાખા અને આરોગ્ય શાખા માટે નવા વાહનની ખરીદી કરવા માટે રૂ.17 લાખ તથા ત્રણેય ઝોનમાં મુખ્ય રોડ પર થર્મોપ્લાસ્ટ દ્વારા રોડ માર્કીંગ કરવા રૂ.89.49 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
ટ્રાફિકની સમસ્યા હલ કરવા 69 સર્કલોનો સર્વે કરાશે: જરૂર જણાશે તો સર્કલ ટૂંકા કરાશે
શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફીકની સમસ્યા વધી રહી છે. અમૂક સર્કલ હાથીકદા હોવાના કારણે તે ટ્રાફીકની સમસ્યા ઉભી કરે છે. હવે ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે શહેરના તમામ 69 સર્કલોનો સર્વે કરવામાં આવશે અને જરૂર જણાશે તો કેટલાક સર્કલોને ટૂંકા પણ કરી દેવામાં આવશે. આ કામ માટે કોર્પોરેશન દ્વારા સરદાર વલ્લભભાઇ રાષ્ટ્રીય પ્રોદ્યોગીક સંસ્થા સુરતની નિયુક્તી કરવામાં આવી છે. જેના દ્વારા સુરત, અમદાવાદ અને બરોડામાં કામગીરી આવી છે અને તેના સારા પરિણામો પ્રાપ્ત થયા છે. શહેરમાં કુલ 69 સર્કલો આવેલા છે. અમૂક સર્કલની સાઇઝ ખૂબ જ મોટી હોવાના કારણે તે ટ્રાફીકની સમસ્યા ઉભી કરી રહ્યા છે. આ એજન્સી દ્વારા તમામ સર્કલનો સર્વે કરી તેનો રિપોર્ટ કોર્પોરેશનને આપવામાં આવશે. ત્યારબાદ તંત્ર પોલીસ વિભાગની સાથે મળી સર્કલ ટૂંકા કરવાની કામગીરી હાથ પર લેશે.
આજી અને ન્યારી ડેમમાં શેવાળના ખાત્મા માટે એક લાખ મત્સ્યબીજ છોડાશે
શહેરની પીવાની પાણીની જરૂરિયાત સંતોષતા આજી અને ન્યારી ડેમમાં સેવાળનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેના કારણે ભવિષ્યમાં પાણીના ફિલ્ટરેશન તથા ટ્રીટમેન્ટમાં મૂશ્કેલી ઉભી ન થાય અને ડેમનું પાણી વધુ ખરાબ ન થાય તે માટે શેવાળનો ખાત્મો કરવા ગ્રાસ ર્કાપ અને રોહું પ્રકારના મત્સ્યબીજ છોડવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.2.23 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આજી ડેમમાં 50 હજાર ગ્રાસ ર્કાપ અને રોહુંના 50 હજાર સહિત કુલ એક લાખ મત્સ્યબીજ છોડવામાં આવશે. જ્યારે ન્યારીમાં પણ આટલા જ મત્સ્યબીજ છોડવામાં આવશે. આ કામનો કોન્ટ્રાક્ટ ભૂજની વેસ્ટર્ન ઇન્ડિયા ફીચ ફીશ હેચરીને આપવામાં આવ્યો છે.
સ્પીડવેલ પાર્ટી પ્લોટથી 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડથી સરિતા વિહાર સોસાયટી સુધી સ્ટ્રીટલાઇટના અંજવાળા પથરાશે
શહેરના વોર્ડ નં.11માં સ્પીડવેલ પાર્ટી પ્લોટથી 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડથી સરિતા વિહાર સોસાયટી પુલ સુધીના રોડ પર એલઇડી લાઇટ નાંખવા માટે રૂ.27 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના પૂર્વ ઝોન અને મધ્ય ઝોન હેઠળના આઉટડોર લાઇટીંગના કામ માટે પણ રૂ.11.90 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
ફાયર બ્રિગેડ શાખા માટે 89 લાખના ખર્ચે ફોમ ટેન્કર ખરીદાશે
કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વાહન ખરીદી માટે રૂ.1.06 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જેમાં ફાયર બ્રિગેડ શાખાના ઉપયોગ માટે 32 કિલો ફોમ ટેન્કર ખરીદવા માટે રૂ.89.11 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મશીન આગ બુઝાવવામાં ખૂબ મદદરૂપ થશે. પાણી સાથે ફોમનો પણ છંટકાવ થવાના કારણે આગ ઝડપથી કાબૂમાં આવી જશે. વેરા વસૂલાત અને આરોગ્ય શાખાના ઉપયોગ માટે બે નવા વાહન ખરીદવા રૂ.17.23 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
પાઇપલાઇન વિહોણા વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણનો ખર્ચ રૂ.5.54 કરોડ!
માનવી ત્યાં સુવિધાનું ગાણું ગાતા કોર્પોરેશનના શાસકો હજુ સુધી શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન પણ બીછાવી શક્યા નથી. ઉનાળાના દિવસોમાં પાઇપલાઇન વિહોણા વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ખર્ચ રૂ.5.54 કરોડ જેવો થવા પામે છે. અલગ-અલગ વિસ્તારોમાં પાણીના ટેન્કર અને ટ્રેક્ટર 1.20 લાખથી પણ વધુ ફેરા કરવામાં આવ્યા હતા. મહાપાલિકાનો વિસ્તાર સતત વધી રહ્યો છે. આસપાસના કામો ભળી રહ્યા છે. જ્યાં વસવાટ કરતા લોકોને પાણી ટેન્કર મારફત પહોંચાડવામાં આવે છે.
આવતા મહિને ચેરમેનની અંતિમ સ્ટેન્ડિંગ
સ્ટેન્ડિંગ કમિટીના વર્તમાન ચેરમેન પુષ્કરભાઇ પટેલની મુદ્ત આગામી 12મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. બીપીએમસી એક્ટના નિયમ મુજબ દર મહિને ફરજિયાતપણે એકવાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે છે. આજે ખડી સમિતિની બેઠક મળી હતી. હવે ગણતરી કરવામાં આવે તો આગામી 11 સપ્ટેમ્બર સુધીમાં સ્ટેન્ડિંગની બેઠક બોલાવવી પડે તેમ છે. જેને ધ્યાનમાં રાખવામાં આવે તો આવતા મહિને ચેરમેન પોતાના કાર્યકાળની છેલ્લી સ્ટેન્ડિંગ બોલાવશે. સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહમાં નવા પદાધિકારીઓની નિમણુંક થઇ જશે.