કપાસના ભાવ આસમાને આંબતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રના ખેડુતો માટે કપાસ વ્હાઇટ ગોલ્ડ સાબિત થઇ રહ્યો છે. જેતપુર માકેટીંગ યાર્ડમાં ર0 કિલો કપાસનો ભાવ રેકોર્ડ બ્રેક 3050 રૂપિયાએ પહોંચી ગયા હતા. જયારે રાજકોટ માકેટીંગ યાર્ડમાં પણ કપાસના ભાવ 2844 રૂપિયાની ટોચે પહોંચી ગયા છે.
આગામી દિવસોમાં હજી કપાસના ભાવમાં વધારો સતત યથાવત રહે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.આંતરરાષ્ટ્રીય બજારમાં સારા કપાસની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. જીનર્સોની માંગ પણ વધી છે બીજી તરફ ઉત્પાદન પ્રમાણમાં ઓછું હોવાના કારણે ખેડૂતોને આ વર્ષ કપાસના સારા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષ કપાસનો ભાવ પ્રતિ મણ 1500 થી 1700 રૂપિયા રહેવા પામ્યા હતા.
જેની સામે આ વર્ષ કપાસનો ભાવ 3000 રૂપિયાને પાર થઇ ગયો છે. જેતપુર માકેટીંગ યાર્ડમાં ગઇકાલે કપાસનો ભાવ 3050 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં પણ ગઇકાલે કપાસનો રેકોર્ડ બ્રેક 2844 રૂપિયા ભાવ થયો હતો ધાર્યા કરતા પણ સવાયા ભાવ મળી રહ્યા હોવાના કારણે ખેડુતોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. હજી ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી હોય કેટલાક ખેડુતો હજી કપાસનો સાચવી છે બેઠા છે માત્ર કપાસનું વાવેતર કરનારા જગતાત માલમાલ થઇ ગયા છે.