- જીએસટીની માસિક આવક રૂ.2 લાખ કરોડને આંબી જશે?
- માર્ચમાં રિફંડ બાદ કરીને ચોખ્ખી જીએસટી વસૂલાત પણ ગયા વર્ષની સરખામણીમાં 7.6 ટકા વધુ નોંધાઈ
માર્ચ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વસૂલાત 9.9 ટકા વધીને રૂ. 1.96 ( નાણાકીય વર્ષમાં 2024-25માં બીજું સૌથી વધું) લાખ કરોડ થતાં સરકારની તિજોરી ભરાઈ ગઈ છે. માર્ચ સતત 13મો મહિનો હતો જેમાં જીએસટી કલેક્શન 1.70 લાખ કરોડથી વધુ હતું. માર્ચ મહિનામાં રિફંડ બાદ કરીને ચોખ્ખી જીએસટી વસૂલાત પણ ગયા વર્ષની સરખામણીમાં 7.6 ટકા વધુ હતી. એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન કુલ જીએસટી કલેક્શન રૂ. 22.08 લાખ કરોડ રહ્યું, જે વાર્ષિક ધોરણે 9.4 ટકાનો વધારો દર્શાવે છે. જીએસટી કલેક્શનમાં 9.9 ટકાનો વધારો વ્યવસાયો દ્વારા વર્ષના અંતે વેચાણમાં થયેલા વધારો દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, ગુજરાત સરકારને જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) હેઠળ નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે. કુલ આવક રૂ. 73,281 કરોડ રહી છે, જે અગાઉના વર્ષ 2023-24ની સરખામણીમાં 14 ટકાનો વધારો દર્શાવે છે.
માર્ચ 2025માં કર વિભાગને રૂ. 10,335 કરોડની આવક થઈ છે. આ ઉપરાંત, એમનેસ્ટી સ્કીમ હેઠળ કરદાતાઓએ કુલ રૂ. 583 કરોડના માગણાં સાથે 4,120 વિવાદી અરજીઓ પરત ખેંચી છે.
ફેબ્રુઆરી 2025માં જીએસટી આવકમાં 15 ટકાનો વધારો નોંધાયો હતો, જે રાજ્ય સરકારની તિજોરીમાં વધારાની રકમના સ્વરૂપે જમા થયો છે. જાન્યુઆરી 2025માં જીએસટી આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો હતો, જે રૂ. 6,873 કરોડ સુધી પહોંચ્યો હતો.