મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરી ડયુટી ૩ ટકા રાખી
કોરોના પૂર્વે પણ રીયલ એસ્ટેટ ક્ષેત્રની હાલત અત્યંત કફોડી બની હતી અને બીજી તરફ જે તરલતા ક્ષેત્રમાં જોવા મળતી હોય તેમાં પણ અનેકગણો ઘટાડો નોંધાયો હતો. આ સ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટ્રેસ ફંડ પેટે ૨૫ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેના ભાગરૂપે હાલ ૭ હજાર કરોડ રૂપિયા પ્રથમ તબકકામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. બીજી તરફ કેન્દ્ર સરકારને અનેકવિધ વખત સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરવા માટેની ભલામણો પણ કરવામાં આવી છે પરંતુ આ ભલામણના પગલે મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડયુટીમાં ૨ ટકાનો ઘટાડો કર્યો છે જેથી હવે નવા દર પ્રમાણે ૧લી સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ ડયુટીનો દર ૩ ટકાનો રહેશે. જયારે ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી સ્ટેમ્પ ડયુટીનો દર ૨ ટકા રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા તજજ્ઞોએ જણાવતા કહ્યું હતું કે, કરમાં ઘટાડો થતા રૂપિયા ૧ કરોડની સામે ૩૧ ડિસેમ્બર સુધી રૂા.૨ લાખ અને ત્યારપછી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી રૂા.૩ લાખ સ્ટેમ્પ ડયુટી બચી જશે.
વૈશ્ર્વિક મહામારીના પગલે સરકાર દ્વારા સ્ટેમ્પ ડયુટી ઘટાડવાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે તેનાથી ઠપ્પ થયેલા ઉધોગને સારો એવો ઉછાળો પણ પ્રાપ્ત થશે. કેન્દ્ર સરકારે રાજયોને ભલામણ કરી છે કે, સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરવામાં આવે જેથી વેચાણ પણ વધી શકશે. બીજી તરફ સ્ટેમ્પ ડયુટીને લઈ જે વાટાઘાટો અને ડિસબયુટ ઉભા થતા હતા તેના ઉપર પૂર્ણવિરામ મુકાશે તો બીજી તરફ સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડાની સાથો સાથ બેનામી મિલકતો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે. રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ક્ધસલ્ટન્ટનું માનવું છે કે, દેશને નાણા પુરા પાડવા અને દેશની આવક વધારવા માટે રીયલ એસ્ટેટ સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર જોવા મળી રહ્યું છે. જેથી આ ક્ષેત્ર સ્થિર રહેતું હોય છે. દેશની અર્થવ્યવસ્થા હાલ ડામાડોળ હોવાના કારણે અને બજારમાં તરલતાના અભાવે રિયલ એસ્ટેટ ક્ષેત્રને તેની અત્યંત માઠી અસરનો સામનો કરવો પડયો છે. સરકાર દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રેરા કાયદાને અમલી બનાવ્યા બાદ બિલ્ડરોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો પરંતુ હાલની સ્થિતિ મુજબ ગુજરાતના બિલ્ડરો રેરાને પૂર્ણત: આવકારી રહ્યા છે.
જો રાજય દ્વારા સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરવામાં આવે તો તેનો સીધો જ ફાયદો બંધ પડેલા પ્રોજેકટો અને જે પ્રોજેકટ વેચાણા નથી તે તમામ માટે ફાયદારૂપ સાબિત થશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની અમલવારી અનેકવિધ રાજયોમાં પણ થવી જોઈએ. વધુ સ્ટેમ્પ ડયુટીના કારણે લોકો ઘર ખરીદવા માટે રાજી હાલના સમયમાં થતા ન હતા પરંતુ કયાંકને કયાંક મહારાષ્ટ્રમાં જે સુધારા સ્ટેમ્પ ડયુટીમાં જોવા મળ્યા છે તેનાથી એક આશા એ પણ ઉદભવિત થઈ છે કે હવે ખાલી પડેલા પ્રોજેકટોનું પણ વેચાણ વધશે.