આગામી જાન્યુઆરી માસમાં અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે આ મહોત્સવના દિવસે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા રાખવા માટે શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત આ સપ્તાહ દરમિયાન રામને લઈને વિવિધ કાર્યક્રમો સ્કૂલોમાં યોજવા માટે પણ રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત જ્ઞાન સહાયક ભરતી, પ્રવાસી શિક્ષકો, મોંઘવારી સહિતના મુદ્દે પણ પ્રતિનિધી મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણમંત્રીની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે અયોધ્યા નગરીમાં રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા આપવા ભલામણ કરી હતી.
ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા બદલવાનો લાભ મળે તે માટે સમિતિની રચના કરવા પણ રજૂઆત
22 જાન્યુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનારા હોવાના પગલે આ દિવસે સ્કૂલોમાં રજા રાખવા જણાવાયું હતું. ઉપરાંત આ સપ્તાહ દરમિયાન રામાયણના પાત્રોની વેશભૂષા, રામ જન્મ સંઘર્ષ ગાથા ઇતિહાસ અંગે નિબંધ, વકૃત્વ, વેશભૂષા, નાટિકા વગેરેની સ્પર્ધાઓ કરવામાં આવે તે અંગે પણ રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત પ્રતિનિધિમંડળે રાજ્યના શિક્ષણ તથા શિક્ષકોને લગતા અન્ય પ્રશ્નો અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી અંગે રજૂઆત કરી હતી. કાયમી ભરતી ટૂંકમાં શરૂ કરવાની સરકારની વિચારણા હોવાનું જણાવ્યું હતું. જ્ઞાનસહાયકની ફાળવણી ન થઈ હોય તથા હાજર ન થયા હોય તેવા કિસ્સામાં જાન્યુઆરી-2024 સુધી પ્રવાસી શિક્ષકો ચાલુ રાખવા માટે ટૂંકમાં સુચન કરવામાં આવનાર હોવાની ખાતરી પણ તેમને આપવામાં આવી હતી. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા બદલવાનો લાભ મળે તે માટે સમિતિની રચના કરવા રજૂઆત કરવામાં આવી હતી.