બ્રહ્માંડમાં રહેલા બે બ્લેક હોલ મર્જ થવાની ઐતિહાસિક ઘટના ઉપર સંશોધકોની નજર: અંતરિક્ષમાં ક્યારેય ન સર્જાયો હોય તેવો સૂર્ય કરતા પણ ૧૪૨ ગણા મસમોટા બ્લેક હોલના નિર્માણની શકયતા
ખગોળીય ઘટનાનો તાગ મેળવવા માટે વિજ્ઞાન લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યું છે. ખગોળ એક એવું પાસુ છે કે, જેની સીમા જ નથી. અનંતકાળ સુધી પ્રયોગો કરવામાં આવે તો પણ ખગોળીય ઘટનાનો તાગ મેળવી શકાય તેવી સ્થિતિ નથી. એમ પણ કહી શકાય કે, જ્યાં માનવીની કલ્પનાનો અંત આવે છે ત્યાંથી તો ખગોળ શરૂ થાય છે. ખગોળ વિજ્ઞાનમાં અત્યાધુનિક સંશાધનો માણસ જાતે વિકસાવ્યા છે. માણસ છેક ચંદ્ર ઉપર પણ પગ મુકીને આવ્યો છે. પરંતુ આજે પણ ખગોળીય ઘટનાઓ અંગે માણસ જાતની ગડમથલ ઓછી થઈ નથી. દરરોજ નવા-નવા વિષયો સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોને અત્યાર સુધીના બે સૌથી મોટા બ્લેક હોલમાંથી સીગ્નલ મળ્યા હતા.
બ્લેક હોલ અંગે સંશોધકોનું એવું માનવું છે કે, તેમાંથી પ્રકાશનું કિરણ પણ પસાર થઈ શકતું નથી. બ્લેક હોલમાં ગુરુત્વાકર્ષણના નિયમો અટકી જાય છે. બ્લેક હોલ જેટલું ગળી જાય તેટલો વિશાળ બનતો જાય છે. આવા સમયે બ્લેક હોલમાંથી સિગ્નલ મળવાની ઘટના સામે આવતા ગુરૂત્વાકર્ષણના રહસ્ય પરથી વધુ એક પડદો ઉંચકાય તેવી ધારણા છે. વર્તમાન સમયે ખગોળ શાસ્ત્રીઓના સામે આવેલ બ્લોક હોલ સુરજ કરતા પણ ૧૪૨ ગણો મોટો છે. અમેરિકા અને યુરોપના સંશોધકોએ લીગો અને વીરગો નામના ડિટેકટરના માધ્યમથી આ બ્લેક હોલ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ બ્લેક હોલ અંગે સમયાંતરે સંશોધનો થતાં આવ્યા છે.
બ્રહ્માડની ઉત્પતિ લગભગ ૧૪૦૦ કરોડ વર્ષથી વધુ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે. ત્યારે આજથી ૭૦૦ કરોડ વર્ષો પહેલા બ્રહ્માંડમાં વિશાળ વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ મોટા બ્લેક હોલનો જન્મ થયો હતો. આજે સૂર્ય કરતા ૧૪૨ ગણો મોટો છે. આવા તો બ્રહ્માંડમાં અનેક બ્લેક હોલ છે. બ્રહ્માંડની મધ્યમાં એકબીજાથી નજીક આવેલા બે બ્લેક હોલ અંગે સંશોધન થઈ રહ્યું છે. આ બન્ને બ્લેક હોલો એકબીજામાં મર્જ થઈને અત્યાર સુધીનો સૌથી મોટો બ્લેક હોલ બની જાય તેવી ધારણા છે.
બ્લેક હોલ એટલે શું?
જ્યારે કોઈ તારો તેનું કરોડો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી લે ત્યારે તેનામાંથી હાઈડ્રોજન પુરો થઈ જાય છે. ત્યારબાદ તારો ઠંડો પડવા લાગે છે અને આ દરમિયાન જ તારામાં સુપરનોવા ક્રિયા થવા લાગે છે. સુપરનોવા ક્રિયામાં એક પ્રકારનો તિવ્ર વિસ્ફોટ થાય છે. જેમાં તારો તિવ્ર પ્રકાશથી સળગી ઉઠે છે અને પછી વેરાય જાય છે. તારાના પદાર્થ તિવ્ર પ્રકાશ સાથે અંતરિક્ષમાં ફેલાઈ જાય છે. તારાના બચેલા અવશેષોથી આજુબાજુ શક્તિશાળી ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે અને આ બળ આસપાસની વસ્તુઓને ખેંચે છે. એટલે બધા જ પદાર્થો એક કેન્દ્ર તરફ સંકોચાય જાય છે જેને બ્લેક હોલ કહેવામાં આવે છે. આવા જ બે બ્લેક હોલ તાજેતરમાં વૈજ્ઞાનિકોની સમક્ષ આવ્યા હતા. આ બન્ને બ્લેક હોલ એકબીજામાં સમાવવાની તૈયારીમાં છે. જેના પરિણામે મસમોટો બ્લેક હોલ સર્જાશે.