સમલૈંગિક સંબંધોની માન્યતા સ્પેશ્યલ મેરેજ એક્ટને બધારૂપ બની શકે : સુપ્રીમમાં કેન્દ્રનું નિવેદન
સજાતીય સંબંધોને માન્યતા આપવી કે કેમ? હાલ આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. એકતરફ સમલૈંગિક યુગલો દ્વારા બંધારણીય અધિકારોનો હવાલો આપી સજાતીય સંબંધોને માન્ય ગણવા ગુહાર લગાવવામાં આવી છે. તો બીજી બાજુ કેન્દ્ર સરકાર સતત આ મુદ્દાનો વિરોધ કરી રહી છે. બુધવારે આ મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું છે કે, સમલૈંગિક સંબંધોને બહાલી આપવી એ સંસદનું કાર્ય છે અને આ મુદ્દો સંસદ પર છોડી દેવો જોઈએ.
યુનિયન ઓફ ઈન્ડિયાએ બુધવારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે, એલજીબીટીક્યુ સમુદાયના સભ્યોને લગ્ન કરવાનો સમાન અધિકાર આપે અને ત્યારબાદ આવા લગ્નોને નિયમન કરવાનો પ્રશ્ન વિધાનસભાની વિવેકબુદ્ધિ પર છોડી દેવો જોઈએ છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બુધવારે બંધારણીય બેંચને જણાવ્યું હતું કે ભારતની કાયદાકીય નીતિ પરંપરાગત રીતે ‘પરંપરાગત પુરુષ’ અને ‘પરંપરાગત મહિલા’ને માન્યતા આપવાની રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બનેલી બંધારણીય બેંચ સમલૈંગિક વ્યક્તિઓ વચ્ચેના લગ્નને કાનૂની માન્યતા આપવા માટેની અરજીઓની બેચ પર સુનાવણી કરી રહી હતી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, “હું લિંગ ઓળખ અને લૈંગિક અભિગમ વચ્ચેના તફાવતને સમજું છું. પરંતુ અમે તેમાં નથી જઈ રહ્યા. તમામ ભારતીય કાયદાઓ ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ને પરંપરાગત અર્થમાં વ્યાખ્યાયિત કરે છે. જ્યારે તેના માટે ચર્ચા થઈ રહી છે ત્યારે પ્રથમ વખત સંસદ કે રાજ્ય વિધાનસભામાં ન જવું જોઈએ? સંસદે તેમના પસંદગીના અધિકાર, લિંગ પસંદગી, સ્વાયત્તતા અને ગોપનીયતાનો સ્વીકાર કર્યો છે.
સોલિસિટર જનરલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે એલજીબીટીક્યુ યુગલોને લગ્ન કરવાનો અધિકાર છે એવી માત્ર ન્યાયિક ઘોષણા એ પ્રશ્ન ઊભો કરશે કે તે અધિકારોનું નિયમન કેવી રીતે થશે. એસ.જી.મહેતાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વિજાતીય યુગલો વચ્ચે પણ લગ્ન કરવાનો અધિકાર નિરપેક્ષ નથી, જેમાં લગ્નની ઉંમર, વિધિઓ, દ્વિ-વિવાહ, પ્રતિબંધિત સંબંધો, લગ્નના વિસર્જન માટેના કારણો અને પ્રક્રિયા સહિતના ઘણા બધા કાયદાકીય પાસાઓ હતા.
તેમણે વિનંતી કરી,”માત્ર સંસદ જ બહાલી આપવા માટે સક્ષમ છે અને તેથી નિર્ણય લેવા માટે સંસદ શ્રેષ્ઠ ઉપાય છે. ફક્ત સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓ જ આની કલ્પના કરી શકે છે. કોર્ટ માટે તમામ પરિસ્થિતિઓની કલ્પના કરવી અશક્ય હશે.
એલજીબીટીક્યુમાં ‘+’ની નિશાની વિવિધ 72 ભિન્નતા સૂચવે છે!!
સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે, એલજીબીટીક્યુ+ સ્પેક્ટ્રમમાં સમાવિષ્ટ લિંગ ઓળખને પ્રકાશિત કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, અમે એલજીબીટીક્યુ કહીએ છીએ. જ્યાં એલનો અર્થ લેસ્બિયન, જીનો અર્થ ગે, બીનો અર્થ બાયસેક્સ્યુઅલ, ટીનો અર્થ ટ્રાન્સજેન્ડર, ક્યુનો અર્થ ગે, આઈનો અર્થ ઇન્ટરસેક્સ છે અને એ એટલે અજાતીય છે પરંતુ વત્તા ચિહ્ન શું દર્શાવે છે તે અમે તપાસ્યું નથી. જો ન્યાયતંત્ર સામાજિક-કાનૂની સંસ્થા તરીકે માન્યતા પ્રાપ્ત કર્યા પછી, સંબંધોના નિયમનનું કાર્ય હાથમાં લે તો આ સમસ્યાનું મૂળ છે. તેમાં 72 ભિન્નતા છે તેથી જ આપણે વત્તા પ્રતીક લખીએ છીએ.
સમલૈંગિક સંબંધોને માન્યતા આપવાનો મુદ્દો સંસદની વિવેકબુદ્ધિ પર છોડી દેવી જોઈએ : સોલિસિટર જનરલ
એલજીબીટીક્યુ સમુદાયના સભ્યોને લગ્ન કરવાનો સમાન અધિકાર આપે અને ત્યારબાદ આવા લગ્નોને નિયમન કરવાનો પ્રશ્ન વિધાનસભાની વિવેકબુદ્ધિ પર છોડી દેવો જોઈએ છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બુધવારે બંધારણીય બેંચને જણાવ્યું હતું કે ભારતની કાયદાકીય નીતિ પરંપરાગત રીતે ‘પરંપરાગત પુરુષ’ અને ‘પરંપરાગત મહિલા’ને માન્યતા આપવાની રહી છે.