- ચીનને iPhones અને યુએસમાં નિકાસ થતા તમામ સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ પર 20% ટેરિફનો
- સામનો કરવો પડશે: મેક ઇન ઇન્ડિયાના અભિગમથી ચીપ ઉત્પાદન કરતા ભારતને પોઝિટિવ અસર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ “આગામી અઠવાડિયામાં” સેમિક્ધડક્ટર્સ પર નવા ટેરિફ લાદશે. જોકે ભારત સાથે 0% રેસીપ્રોકલ ટેરિફ હોવાથી ભારતીય મોબાઇલોની બોલબાલા વધશે. ખાસ કરીને ભારત જ્યારે સેમિક્ધડક્ટરના ઉત્પાદનમાં નવા લક્ષ્યાંકો હાંસિલ કરી રહ્યું છે. ખાસ કરીને ગુજરાત પણ સેમિક્ધડક્ટર હબ બનીને ભારતના વિકાસમાં મહત્તમ ફાળો આપી રહ્યું છે. ત્યારે મોબાઈલના પાર્ટ્સમાં મેક ઇન ઇન્ડિયા ની નીતિ અપનાવવાથી ભારતને ઘણો ફાયદો થશે.
આઇફોન પર સંભવિત ટેરિફ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ટેરિફ અંગે જાહેરાત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સેમિક્ધડક્ટર ટેરિફની વાત આવે ત્યારે ચોક્કસ કંપનીઓ માટે સુગમતા રહેશે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે સેમિક્ધડક્ટર ટેરિફ ટૂંક સમયમાં જ લાગુ કરાશે. જેનો દર આવતા અઠવાડિયામાં જાહેર કરાશે. અગાઉ, ટ્રમ્પે ચેતવણી આપી હતી કે કોઈ પણ દેશ, ખાસ કરીને ચીન, ટેરિફની અસરથી બચી શકશે નહીં.
ટ્રમ્પના નવા ટેરિફથી આઇફોન અને અન્ય લોકપ્રિય એપલ ઉત્પાદનોના ભાવમાં વધારો થવાની સંભાવના છે, કારણ કે કંપની મોટા ભાગે ચીની ઉત્પાદન પર નિર્ભર છે. એપીના વિશ્લેષકોનો અંદાજ છે કે આઇફોન 16 પ્રો મેક્સની કિંમતમાં 29% સુધીનો વધારો થઈ શકે છે, જેનાથી તેની શરૂઆતની કિંમત 1,200 થી વધીને 1,550 થઈ શકે છે. જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર દલીલ કરે છે કે ટેરિફ યુએસ ઉત્પાદનને પાછું લાવવામાં મદદ કરશે, ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે યુએસમાં આઇફોનનું ઉત્પાદન વ્યવહારુ નથી અને તેનાથી કિંમતો 3,000 થી પણ ઉપર જઈ શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે બેઇજિંગ પર લાદેલા ભારે પારસ્પરિક ટેરિફમાંથી સ્માર્ટફોન અને પર્સનલ કમ્પ્યુટર્સ જેવા લોકપ્રિય ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સને મુક્તિ આપી હોવા છતાં, ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે ભારત ચીન પર પોતાનો ફાયદો જાળવી રાખે છે.
નિષ્ણાતોનું અનુમાન છે કે આ વર્ષે વૈશ્વિક આઇફોન ઉત્પાદનમાં ભારતનો હિસ્સો બમણો થઈને ઓછામાં ઓછો 28-30% થશે, જે હાલમાં 14-15% છે. આનું કારણ એ છે કે એપલ ઇન્ક, જે આ મુક્તિનો સૌથી મોટો લાભાર્થી છે, તે ચીનથી દક્ષિણ એશિયાઈ દેશમાં તેના ઉત્પાદનના સ્થળાંતરને વેગ આપી શકે છે.
ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કોન્ટ્રાક્ટ ઉત્પાદક કંપની ડિક્સન ટેક્નોલોજીસ, જે ભારતમાં એસેમ્બલ થયેલા મોટોરોલા સ્માર્ટફોનને યુએસમાં નિકાસ કરે છે, તે આ અઠવાડિયે ભારતમાંથી નિકાસ થતા મોટોરોલા સ્માર્ટફોનનો હિસ્સો વધારવા માટે વાટાઘાટો કરવા માટે તૈયાર છે. ડિક્સન નિકાસ માટે સ્માર્ટફોન ઉત્પાદન ક્ષમતા વધારવાની પ્રક્રિયામાં છે.
બેઇજિંગે પણ સ્પષ્ટ કર્યું છે કે યુએસ ઉત્પાદનો પરનો 125% ટેરિફ ટેક્નોલોજીના મૂળને બદલે ઉત્પાદનના સ્થળ પર આધારિત છે. ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકોએ યુએસ કંપનીઓ સાથે વાટાઘાટો ચાલુ રાખવી જોઈએ અને દેશમાં ઉત્પાદનના ફાયદા પર ભાર મૂકવો જોઈએ. તેઓએ એમ પણ સૂચવ્યું કે ભારત સરકારે નવી દિલ્હીની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે યુએસ સાથે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાને પ્રાથમિકતા આપવી જોઈએ.
ICFA અનુસાર, ચીનને iPhones અને યુએસમાં નિકાસ થતા તમામ સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ પર 20% ટેરિફનો સામનો કરવો પડશે. ફક્ત કહેવાતા પારસ્પરિક ટેરિફ દૂર કરવામાં આવ્યા છે. ભારત અને વિયેતનામમાં આ ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ છે, તેથી બંને દેશો ચીન કરતાં 20% ટેરિફના લાભ સાથે સમાન સ્થિતિમાં છે.
ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિક્ધડક્ટર એસોસિએશને જણાવ્યું હતું કે અમેરિકા ભારતના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ નિકાસ સ્થળ તરીકે ઊભું છે, જે ભારતના કુલ ઇલેક્ટ્રોનિક માલસામાનની નિકાસના ત્રીજા ભાગને આવરી લે છે. વૈશ્વિક સ્તરે, મોટોરોલા સ્માર્ટફોનનું કુલ વેચાણ આશરે 8-10 મિલિયન યુનિટ છે, જેમાંથી 1.5-2 મિલિયન યુનિટ ભારતમાંથી આવે છે. ડિક્સનના અતુલ લાલે જણાવ્યું હતું કે તેમની કંપની ભારતીય ફેક્ટરીઓમાંથી મોટોરોલાના મોટાભાગના નિકાસ વોલ્યુમને પૂર્ણ કરી શકે છે.