રાઈટ ઈશ્યુ દ્વારા રૂ.૫૩,૧૨૫ કરોડ ઉભા કરવાનું લક્ષ્ય
વૈશ્ર્વિક મહામારી કોરોનાથી ઉધોગોને ઘણી ખરી અસર પહોંચવા પામી છે ત્યારે તેલથી લઈ ટેલીકોમ ક્ષેત્રની મહારથી ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા ત્રિમાસિકગાળા દરમિયાન ૩૭ ટકા જેટલો નફામાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ તેઓએ ઉર્જા અને પેટ્રો કેમિકલનાં ધંધામાં મંદી હોવાનું પણ જણાવ્યું છે. રિલાયન્સ ઈન્ડિયા લિમિટેડ ગયા વર્ષનાં ચોથા ત્રિમાસિકગાળા દરમિયાન કંપનીએ રળેલો ૧૦,૩૬૨ કરોડનાં નફા સામે આ વર્ષનાં છેલ્લા ત્રિમાસિકગાળામાં નફો ઘટી ૬,૩૪૮ કરોડે પહોંચ્યો છે.
કંપનીનાં સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલનાં ભાવમાં ઘટાડો અને કોવિડ-૧૯ સંક્રમણનાં પગલે માંગમાં ઘટાડો થયો હોવાનું પણ જણાવ્યું હતું. જેને લઈ કંપનીએ ૫૩,૧૨૫ કરોડ રૂપિયાની રાઈટ ઈશ્યુ કરવાનું લક્ષય સાઘ્યું છે. આ રાઈટ ઈશ્યુ ભારતનો સૌથી મોટો રાઈટસ હોવાનું પણ માનવામાં આવે છે. આર.આઈ.એલ એટલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ દ્વારા રોકાણકારો અને પ્રમોટર ગ્રુપને લાભ મળી રહે તે માટે યોજનાઓ ગોઠવી રહ્યું છે. જયારે આર.આઈ.એલ.ની ડિજિટલ શાખા જીયોમાં ચોથા ત્રિમાસિકગાળામાં ૧૭૭ ટકાનાં નફામાં ઉછાળો અને ૨૩૩૧ કરોડની આવક બતાવવામાં આવી છે જે ગત વર્ષે ૮૪૦ કરોડ રૂપિયાનો નફો બતાવવામાં આવ્યો હતો. આર.આઈ.એલ દ્વારા કોરોના મંદીનાં પગલે ઉભી થયેલી વૈશ્ર્વિક આર્થિક પરિસ્થિતિ વચ્ચે કંપનીનાં ધંધામાં મંદી આવી હોવાનું પણ જણાવ્યું હતું જેની અસર નફા ઉપર પણ પહોંચી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રતિ શેર ૧૨૫૭ રૂપિયા અને ૧૪ ટકા ડિસ્કાઉન્ટ સાથે બજારમાંથી ૫૩,૧૨૫ કરોડ રળવાનું જણાવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધારકો પ્રતિ ૧૫ શેરે ૧ શેર ખરીદી કરશે તેમ પણ જણાવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ આર્થિક મહામારીમાંથી કંપનીને બચાવવા અને આવનારા સમયમાં રિલાયન્સનાં કર્મચારીઓનો આવનારા ૬ માસ સુધી ૨૦ થી ૨૫ ટકા પગાર કાપવાનું પણ જણાવ્યું હતું. ગત વર્ષે વોડાફોન, આઈડિયા અને એરટેલ દ્વારા રાઈટ ઓફરીંગ આપવામાં આવ્યા હતા જેમાંથી તેઓએ ૨૫ હજાર કરોડ એક-એક સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા એકઠા થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
જીયો જી ભરકે
મંદીની મહામારી વચ્ચે જીયોએ ત્રણ ગણો નફો રળ્યો
વોડાફોન, આઈડિયા, એરટેલ જેવી સર્વિસ પ્રોવાઈડર કંપની જે રીતે ટેલિકોમ ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવ્યો હતો તેને નાથવા રિલાયન્સ જીયો સફળ નિવડયું છે. રિલાયન્સ જીયો આવતાની સાથે જ તેને અન્ય કંપનીઓની માર્કેટને તોડી પાડી છે અને હાલ મુખ્યત્વે દેશનાં તમામ લોકો આ અંગે માહિતગાર પણ છે અને જીયોની સર્વિસનો લાભ પણ લઈ રહ્યા છે ત્યારે જીયોએ ચોથા ક્વાર્ટરમાં (૨૦૧૯-૨૦)માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નફામાં ભલે મોટો ઘટાડો થયો હોય, પરંતુ જિયો માટે છેલ્લું ક્વાર્ટર શાનદાર રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ક્વાર્ટરમાં જિયોનો ચોખ્ખો નફો ૧૭૭ ટકા વધીને ૨,૩૩૧ કરોડ રૂપિયા પર પહોંચી ગયો. આ પહેલાના ક્વાર્ટરમાં કંપનીએ ૮૪૦ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, અમને ખુશી છે કે અમને આ મુશ્કેલ સમયમાં અમારા ગ્રાહકો માટે કનેક્ટિવિટી અને કામકાજને સરળ બનાવી દીધું છે. જિયો દુનિયાની સૌથી મોટી ડિજિટલ કંપનીઓમાંથી એક ફેસબુક સાથે વિકાસના આગામી તબક્કા પર નીકળી પડી છે. ઉલ્લેખનીય છે કે, ફેસબુકે તાજેતરમાં જ ૪૪ હજાર કરોડ રૂપિયામાં જિયોમાં ૧૦ ટકાની ભાગીદારી ખરીદી છે. બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ક્વાર્ટરનો ચોખ્ખો નફો ૩૮.૭ ટકા ઘટીને ૬,૩૪૮ કરોડ રૂપિયા રહ્યો. ૨૦૧૯-૨૦માં કંપનીનો કુલ નફો ૩૯,૩૫૪ કરોડ રૂપિયા રહ્યો, જે ૨૦૧૮-૧૯ (૩૯,૫૮૮ કરોડ રૂપિયા)ની સરખામણીએ ૦.૫૯ ટકા ઓછો છે. કંપનીએ ૫૩,૧૨૫ કરોડ રૂપિયાના રાઈટ્સ ઈશ્યૂની જાહેરાત પણ કરી છે. કંપનીનો દાવો છે કે, તે દેશનો સૌથી મોટો રાઈટ્સ ઈશ્યૂ હશે. તેનું મૂલ્ય ૧: ૧૫ રેશિયોમાં ૧૨૫૭ રૂપિયા પ્રતિ યુનિટ હશે.