દુનિયાભરના અજબપતિઓની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો થયો
વૈશ્વિક અર્થતંત્રમાં મંદી સૌને નડી રહી છે. આ મંદી અને મોંઘવારી ન માત્ર ગરીબોને પણ અમીરોને પણ પાછળ લાવી રહી છે. ચાલુ વર્ષે જ્યાં દુનિયાભરના અજબપતિઓની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ભારતમાં 16 નવા અબજપતિ બન્યા છે. આ 16માં ટોચે રાકેશ ઝુનઝુનવાલાનો પરિવાર છે. તેમના નિધન બાદથી તેમની પત્ની હાલના સમયે કારોબાર સંભાળે છે.
એમ3એમ હુરુન ગ્લોબલ ધનિકોની યાદી અનુસાર 2023માં આખી દુનિયામાં 99 શહેરોના 18 ઉદ્યોગોથી 176 નવા અબજપતિ બન્યા. 2022માં કુલ 3,384 અબજપતિ દુનિયામાં હતા. 2023માં તેમની સંખ્યા ઘટીને 3,112 રહી ગઈ છે. આ તમામ 69 દેશોથી છે અને તે 2,356 કંપનીઓના માલિક છે. પાંચ વર્ષમાં ભારતીય ધનિકોની સંપત્તિ 360 અબજ ડોલર વધી જે હોંગકોંગના જીડીપી સમાન છે.
અહેવાલ અનુસાર એમેઝોનના જેફ બેઝોસની સંપત્તિમાં ચાલુ વર્ષે 70 અબજ ડોલરનો ઘટાડો થયો છે જે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને થયેલા નુકસાનથી વધારે છે. અદાણીની સંપત્તિ 28 અબજ ડોલર ઘટીને 53 અબજ ડોલર થઈ ચૂકી છે. તેમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે કે દર અઠવાડિયે 3,000 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તેનાથી ધનિકોની યાદીમાં તે બીજા ક્રમેથી ગગડીને 23માં ક્રમે આવી ચૂક્યા છે. અંબાણીની સંપત્તિમાં 21 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.
ભારતમાં કુલ 187 અબજપતિ રહે છે. જોકે ભારતીય મૂળના અબજપતિઓની વાત કરીએ તો કુલ 217 અબજપતિઓ છે. મુંબઈ- બેંગ્લુરુ અને નવી દિલ્હી ધનિકોની યાદીમાં દુનિયામાં ટોપ-25માં સામેલ છે. જ્યારે 69 નવા અબજપતિ સાથે ચીન દુનિયામાં ટોચે છે અને 26 નવા અબજપતિઓ સાથે અમેરિકા દુનિયામાં બ્રીજા ક્રમે છે.
નુકસાન કરનારા અબજપતિઓમાં જેફ બેઝોસ ટોચે પહોંચી ગયા છે અને તેમની સંપત્તિ 118 અબજ ડોલર છે. જોકે 53 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા અદાણી છઠ્ઠા અને 82 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા અંબાણી સાતમા ક્રમે છે. જ્યારે ટેસ્લાના ઈલોન મસ્કને 48 અબજ ડોલર, સર્જી બ્રિજનને 44 અબજ ડોલર અને લેરી પેજને 41 અબજ ડોલરનું નુકસાન થયું છે. ડીમાર્ટના માલિક દામાણીની સંપત્તિમાં પણ 30%નો ઘટાડો થયો છે.તે ટોચના 100 ધનિકોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે.