રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને મદદ કરવા સબબ કોંગ્રેસે ચાર બેઠક આપી છે
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને મદદ કરવા બદલ ધારાસભ્ય છોટુ વસાવાની સાથે કોંગ્રેસ કરેલા ચાર બેઠકના સમાધાનના પગલે કોંગ્રેસમાં નારાજગી પ્રસરી છે. તેમાં પણ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારમાં ગત ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારની સામે નજીવા મતથી હારેલા એવા કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવાએ ઉમેદવારી નોંધાવતા રાજકીય મોરચે ભારે હોબાળો મચી ગયો છે. આ ઉપરાંત અન્ય બે કોંગ્રેસી નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી માં એહમદ પટેલને જીતાડવા માટે છોટુભાઈ વસાવાએ મત આપતા અહેમદ પટેલ ની જીત થઈ હતી. તેના બદલામાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને છોટુભાઈ વચ્ચે ગઠબંધન થયું હતું. જેના પગલે અંકલેશ્વર બેઠક છોટુભાઇ વસાવાના જમણા હાથ સમાન અનીલ ભગતને કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ઝઘડીયા, માંગરોળ અને ડેડીયાપાડી બેઠક છોટુભાઇ વસાવા સહિત તેમના સાથીદારો ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચિન્હ પર ચૂંટણી લડનાર હોવાની સમજૂતી થઇ હતી.
જેમાં ડેડીયાપાડા બેઠક છોટુભાઈ ને ફળવાતા ગઈકાલે જ છોટુભાઈના પુત્ર મહેશ વસાવાએ ભારતીય ટ્રાયબલ પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર પછી ડેડીયાપાડા કોંગ્રેસ માં રીતસરનો ભડકો થતા ભારે નારાજગી સાથે આજે કોંગ્રેસના માજી ધારાસભ્ય અમરસિંહ વસાવાએ આજે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત કોંગી અગ્રણી અને ડેડીયાપાડા ગ્રામ પંચાયત સરપંચ રાકેશભાઈ વસાવાએ અંતિમ પંદર મિનિટમાં ઉમેદવારી કરી છે. તો અગાઉ ભાજપમાંથી કોંગ્રેસ માં આવેલા પ્રતાપ વસાવાએ પણ અપક્ષ ફોર્મ ભરી દેતા છોટુભાઈ વસાવા ગ્રુપ અને કોંગ્રેસ પણ ચોંકી ગઈ છે.
અત્યાર સુધી નર્મદા જિલ્લાની બે બેઠકો પૈકી નાંદોદ વિધાનસભા માટે ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોમાંથી આઠ ઉમેદવારો તથા બે ડમી ઉમેદવારો મળી કુલ ૧૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા.જ્યારે ડેડીયાપાડા બેઠક માટે અગીયાર ઉમેદવારો અને બે ડમી ઉમેદવારો મળી અંતિમ દિવસ સુધીમાં કુલ તેર ઉમેદવારી પત્રો ભરાયા હતા.
ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસ સુધીમાં નાંદોદ વિધાનસભા બેઠક માટે ભાજપ માંથી શબ્દશરણ તડવી,એમના ડમી તરીકે પદમબાબુ દયાલ તડવી,કોંગ્રેસમાંથી પી.ડી.વસાવા અને તેમના ડમી તરીકે જતીન વસાવાએ,જેડીયુંમાંથી જેસંગ રણછોડ તડવી,ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદ રમન વસાવા,ગઈઙ માંથી ભાનું હિંમત તડવી, જ્યારે અપક્ષમાં વિજય નારણ તડવી,બુધા ચંદુ તડવી,મહેશ સરાધ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
આ સિવાય ડેડીયાપાડા બેઠક માટે અત્યાર સુધી ભાજપમાંથી મોતીસિંહ વસાવા,એમનાં ડમી તરીકે શંકર નરોત્તમ વસાવા,ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન પાર્ટી માંથી કલ્પના કૈલાશ વસાવા,સરદાર વલ્લભભાઈ પાર્ટી માંથી માનસિંગ કાલીયા વસાવા,ઇન્ડિયા ન્યુ પાર્ટીમાંથી રાજેન્દ્ર ગુમાન દેશમુખ,જેડીયું માંથી તૃષાર જગસુ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે.