તારક મહેતા કા ઉલ્ટા ચશમામાં જેમ પોપટલાલ લગ્ન માટે ઝંખતો રહે છે, મેરી સાદી કબ હોગી.. મેરી સાદી કબ હોગી.. ના નારા લગાવતો રહે છે, આ તો થઈ સિરિયલની વાત. પરંતુ હકીકતમાં પણ પોપટલાલ જેવો જ એક યુવક છે. પોપટલાલ જેવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં 2 ફુટના એક ઠીંગણા માણસે પોતાના ઓછા કદને લીધે દુલ્હન ન મળતા મહિલા પોલીસ સ્ટેશને ધસી જઈ રજુઆત કરી છે.
આ યુવકનું નામ મોહમ્મદ અજીમ છે અને તેમની ઉંમર 26 વર્ષ છે. યુપીના શામલીમાં કૈરાના કસ્બે વિસ્તારમાં રહે છે. મોહમદ અજીમનું ઓછું કદ તેના લગ્નની આડે બાધા બની રહ્યું છે. આ વાતથી કંટાળી તેણે પોલીસ સ્ટેશને જઈ મહિલા પોલીસ અધિકારીની મદદ માંગી કહ્યું કે, પ્લીઝ મેડમ મારા લગ્ન કરાવી દો.
મોહમ્મદ અજીમએ કહ્યું કે, તે પાછલા ઘણાં મહિનાથી લગ્નને લઈ ખૂબ ચિંતિત છે. અને લગાતાર સગા-સંબંધીઓ, પાડોશીઓને આ માટે જણાવી રહ્યા છે. અને હવે અંતે કંટાળી મહિલા પોલીસ સમક્ષ જઈ મદદ માટે ગુહાર લગાવી છે. આ અગાઉ પણ તેણે એસડીએમ અને કોટવાલને અનેક વખત રજુઆત કરી હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ હજુ સુધી તેની માંગ પુરી થઈ નથી. લગ્નની ઈચ્છા પૂર્ણ થઈ શકી નથી.
મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના લગ્ન માટે મદદ કરવાની ગુહાર લગાવ્યા બાદ મોહમ્મદ અજિમએ કહ્યું કે તે તેના પરિવારથી પણ નારાજ છે કારણ કે તેનો પરિવાર પણ તેના લગ્ન જલ્દીથી કરાવતા નથી આ જ બાબતને લઇ તેણે પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓની મદદ લેવાનો નિર્ણય લીધો છે.