મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ૯૬ પૈકી ૮૭ બિનખેતીના પ્રકરણ મંજુર: સૌથી વધુ ઔધોગિક હેતુ માટે જમીન બિનખેતી, રહેણાંક હેતુ માટે પણ ૨૦ કિસ્સામાં મંજૂરી….
રિયલ એસ્ટેટ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તેથી વિપરીત મોરબી જિલ્લામાં રિયલ એસ્ટેટક્ષેત્રે તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે.ગઈકાલે મળેલી મોરબી જિલ્લા પંચાયત ની કારોબારી સમિતિની બેઠક માં બિનખેતીના ૯૬ પૈકી ૮૭ પ્રકરણો મંજુર કરી ૨૯૮ એકર જમીન ને ઉદ્યોગ,રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે બિનખેતીમાં રૂપાંતરણ ને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
બે મહિના બાદ ગઈકાલે કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયાની અધ્યક્ષતામાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં પાંચથી વધુ મુદાની કાર્યસૂચી રજુ કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના જુદા-જુદા ગામ માં જુદા જુદા હેતુઓ માટે ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતરણ કરવા માટે કુલ ૯૬ ફાઈલો રજુ થઇ હતી જે પૈકી ૯ પ્રકરણો અધૂરા હોય પૂર્તતા માટે પેન્ડિંગ રાખી કારોબારી સમિતિએ ૮૭ પ્રકારનો માં ૨૯૮ એકર જમીન બિનખેતી કરવા મંજૂરી આપી હતી
જિલ્લા પંચાયતે આપેલી બિનખેતીની મંજૂરીમાં રવાપર,મહેન્દ્રનગર,નાની વાવડી,પીપળી,ટંકારા,વાલાસણ, તીથવા,ટિમ્બડી,મકનસર વગેરે ગામોમાં રહેણાંક હેતુમાટે અરજદારો દ્વારા બિનખેતી મંજૂરી મંગતા કુલ ૨૦ પ્રકરણોમાં બિનખેતીને લીલીઝંડી આપવામાં આવી હતી.
કારોબારી સમક્ષ સૌથી વધુ ઔધોગિક હેતુ માટે બિનખેતીની મંજૂરી માંગતી ફાઈલો રજુ થઇ હતી જેમાં ઘુંટુ,લીલાપર,ભડીયાદ, બેલા રંગપર,લકડધાર, લજાઈ,જાંબુડીયા,ઢુંવા વગેરે ગામોમાં સિરામિક અને જનરલ ઉધોગ હેતુ માટે બિનખેતી મંજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની કારોબારીમાં જમીન મહેસુલ અધિનિયામની કલમ ૬૫,૬૬,૬૭ હેઠળ બિનખેતીના હુકમ કરવાની સાથો સાથ જિલ્લા પંચાયત હસ્તક ની શાળાઓમાં વહીવટી અને શૈક્ષણિક હેતુ માટે વેબ બેઇઝ્ડ સોફ્ટવેર ખરીદ કરવા,જિલ્લા પંચાયતના વિકાસકામોની ગાથા રજુ કરતી ડોક્યુમેન્ટરી બનાવવા માટે ખર્ચ કરવા ઉપરાંત અલગ અલગ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી
વધુમાં છેલ્લા દોઢેક વર્ષથી ઘોચમાં પડેલ જિલ્લા પંચાયત ની ડાયરી બનાવવાનો પ્રશ્ન પણ કારોબારી માં છવાયો હતો અને આગમી વિધાનસભા ચૂંટણી ની આચાર સંહિતા અમલી બને તે પૂર્વે જ આવા કોમો નિપટાવી લેવા નિર્ણય કરાયો હતો
મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ચેરમેન કિશોર ચીખલીયા, ડી.ડી.ઓ ખટાણા, ડે.ડી.ડી.ઓ ગોવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. નોંધનીય છે કે ડી.ડી.ઓ.ખટાણાની પ્રથમ કારોબારી હોય તેઓને હર્ષપૂર્વક આવકાર અપાયો હતો.
કારોબારી સમિતિ સમક્ષ ડીડીઓ ખટાણાએ સુચન કર્યું હતું કે, કારોબારી દર બે મહિને મળે છે તેની જગ્યાએ દર માસે મળે જેથી અધિકારીઓ પર કામનું પ્રેસર ઘટે તેમજ લોકોના કામ ઝડપી થાય અને લોકોને યોજનાનો લાભ મળે તેવી કામગીરી કરવા માટે પણ અધિકારીઓને તાકિદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આગમી સમય માં મોરબી જિલ્લા માં પણ રાજકોટ ની જેમ ઓપન કારોબારી બેઠક યોજવા નક્કી કરી દર બે માસ ને બદલે દર મહિને કારોબારી બેઠક યોજી વિકાસ કામોને વેગવંતા બનાવવા નક્કી કરાયું હતું.