- “સીટ” ગાળીયો કસાયો
- “અગ્નિકાંડ” માત્ર કોર્પોરેશનના અધિકારીઓ જ નહીં પરંતુ પદાધિકારીઓ પણ જવાબદાર
- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન બોડીને બરતરફ કરવાના એક નહીં અનેક કારણો
- રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ હવે ભાજપ શાસિત રાજકોટ મહાનગર પાલિકા પર સુપરસીડનું ભારોભાર જોખમ ઝળુંબી રહ્યું છે.
અગ્નિકાંડ કોર્પોરેશનની જ જીવલેણ અને ગુનાહિત બેદરકારીના પાપે સર્જાઇ છે. હાલ આરએમસીના અધિકારી ઉપર સીટ અને એસીબીની તવાઇ ઉતરી રહી છે. દરમિયાન આવતા સપ્તાહે સીટનો સંપૂર્ણ તપાસ રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ મહાનગર પાલિકાને સુપરસીડ કરવા માટે રાજ્ય સરકાર અથવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ટૂંકમાં વર્તમાન બોડીને બરતરફ કરવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે. લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મોટા ધડાકા થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
જીપીએમસી એક્ટ-1949માં રાજ્ય સરકાર પાસે ખૂબ જ અમર્યાદિત સત્તા રહેલી છે. કલમ-452 (1)માં સરકારમાં રજૂઆત કરવામાં આવે અથવા સરકારને સામેથી એવુ લાગે કે કોઇપણ મહાનગરપાલિકા તેની ફરજ નિભાવવા સક્ષમ નથી અથવા તેની ઉપર લાગવવામાં આવેલી કાયદાકીય જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નિવડી રહી છે તો આવી મહાપાલિકાને રાજ્ય સરકાર શા માટે બરતરફ ન કરવી તેવી નોટિસ ફટકારી અથવા બરતરફ કરી શકે છે.
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવાના એક નહીં પરંતુ પાંચ સચોટ કારણો છે. જેમાં નાગરિકોને સલામતી આપવા બાબતે રાજકોટ મહાપાલિકા સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. જેના કારણે 27 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ફાયર બ્રિગેડ શાખા, ટાઉન પ્લાનીંગ શાખા સહિતના વિભાગની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે અગ્નિકાંડ સર્જાયો હતો. ચૂંટાયેલી પાંખ અને પદાધિકારીઓએ આંખ આડા કાન કરવાની નીતિ અપનાવી લેતા આ ઘટના સર્જાય છે અને પાંચમુ કારણએ છે કે ભવનો માહોલ, નાગરિકોની મનોદશા પર અસર પડી છે. આ પાંચ એવા કારણો છે. જેના આધારે કોર્પોરેશનને સુપરસીડ કરી શકાય.
આવતા સપ્તાહે સીટની ટીમ દ્વારા અગ્નિકાંડની તપાસને સંપૂર્ણ રિપોર્ટ રાજ્ય સરકાર અને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. જેના આધારે જો ભાજપ શાસિત રાજ્ય સરકાર દ્વારા ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકાને સુપર સીડ કરવા માટેની શો-કોઝ નોટિસ ફટકારવામાં નહીં આવે તો ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે રિતે ઝૂલતા પૂલ દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા માટે નોટિસો આપવામાં આવી હતી. તે રિતે રાજકોટ મહાનગરપાલિકાને પણ નોટિસ આપવામાં આવશે તે લગભગ ફાઇનલ મનાય રહ્યું છે.
હાલ સીટ અને સીઆઇડી ક્રાઇમ દ્વારા માત્ર કોર્પોરેશનના અધિકારીઓને અગ્નિકાંડ માટે જવાબદાર ગણાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ સીટના ફાઇનલ રિપોર્ટ બાદ પદાધિકારીઓની બેદરકારી હોવાનું થોડા ઘણા અંશે પ્રસ્થાપિત થતાની સાથે જ સુપર સીડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવ્યા છે. કર્તવ્ય પાલનમાં બેદરકારી અને વહિવટી કારણોસર અગાઉ વર્ષ-2020માં મહારાષ્ટ્ર સરકારે પૂના મ્યુનિસિપલ કોર્પોરેશન, વર્ષ-2019માં ઉત્તર પ્રદેશ સરકારે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વર્ષ-2018માં તામીલનાડુ સરકારે ચેન્નાઇ કોર્પોરેશન કાઉન્સીલને સસ્પેન્ડ-બરતરફ કર્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદ્ત આગામી 12 માર્ચ-2026ના રોજ પૂર્ણ થઇ રહી છે. જો કે, અગ્નિકાંડની ઘટના બાદ વર્તમાન બોડીની મુદ્ત પુરી થાય તેવુ હાલ લાગતું નથી.
મંગળવાર સુધી લવીંગીયા ફૂટશે પછી સુતળી બોમ્બના ધડાકા!
લોકસભાની ચૂંટણીનું સાતમા અને અંતિમ તબકકાનું મતદાન આવતીકાલે પૂર્ણ થયા બાદ આગામી મંગળવારે તમામ 543 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પરિણામ સુધી ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં રોજ તપાસમાં નાના નાના લવીંગિયા ફૂટતા રહેશે. અધિકારીઓ-કર્મચારીઓની ધરપકડ કરાશે, તેઓની મિલકત તપાસવા દરોડા પડશે. કોર્પોરેશન કચેરીમાં પણ તપાસનો ધમધમાટ ચાલતો રહેશે. આગામી ચાર દિવસ સુધી રોજ તપાસ રિપોર્ટમાં થોડુ-થોડુ મળી આવ્યું તેવું જાહેર કરવામાં આવશે. દરમિયાન આગામી મંગળવાર લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયા બાદ મોટા ધડાકા થવાની સંભાવના જણાય રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની મુલાકાત મહત્વપૂર્ણ
હિરાસર એરપોર્ટ પર રાજકોટ શહેર ભાજપના હોદેદારો, સાંસદ, ધારાસભ્યો સાથે બેઠક કરી અગ્નિકાંડની રજેરજની વિગતો મેળવશે
લોકસભાની ચુંટણીના સાતમા અને અંતિમ તબકકાના મતદાનના પ્રચાર-પ્રસાર શાંત થતાંની સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિ કાંડ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રીની ગુજરાતની મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે પ્રથમ જયોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શને જતા પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હિરાસર એરપોર્ટ પર રાજકોટ શહેર ભાજપના સંગઠનના હોદેદારો, પ્રદેશ ભાજપના આગેવાનો સાંસદ, ધારાસભ્યો અને મેયર સહિતના આગેવાનોને મળશે. અગ્નિ કાંડની ઘટનાથી દિલ્હી હાઇકમાન્ડ ભારોભાર નારાજ છે. અમિતભાઇ આજે હિરાસર એરપોર્ટ ખાતે ટુંકા રોકાણ દરમિયાન પણ અગ્નિ કાંડની તમામ માહીતી મેળવી લેશે. દરમિયાન તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના જણાય રહી છે. સીટ ની તપાસ ત્યાં પહોંચી અને હવે શું કરવાનું છે તેની માહીતી મેળવી હતી. અમિતભાઇ શાહની ગુજરાત મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.