શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ સહિતનાને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા શરતી મંજૂરી

સમૂહમાં સ્થળાંતરીત થતી વખતે વાહનને સેનિટાઈઝ કરવું, સોશિયલ ડિસ્ટન્સના નિયમ જાળવવા ફરજિયાત

લોકડાઉનની અમલવારી વચ્ચે અનેક લોકો પોતાના ઘરથી દૂર અન્ય સ્થળે ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. લોકડાઉન એક વખત તો વધી ચૂકયું છે. હવે લોકડાઉન ૩માં જે તે સ્થળે ફસાયેલા શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે અગાઉથી જ સ્થળાંતર કરાવવાનો તખતો તૈયાર થઈ ચૂકયો છે. અલબત સ્થળાંતરીત થવા માટે વાહનને સેનિટાઈઝ કરવું, સોશિયલ ડિસ્ટન્સના નિયમો જાળવવા તે સહિતના ધારા-ધોરણોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

તાજેતરમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, ફસાયેલા લોકોના સ્થળાંતર માટે બસનો ઉપયોગ થઈ શકે છે. અલબત સોશિયલ ડિસ્ટન્સના નિયમોની જાળવણી બસમાં સવાર થતા પહેલા અને બાદમાં જરૂ રી છે. જો કે, હજુ સુધી ગૃહ મંત્રાલયે સ્થળાંતરીત થવા ઈચ્છુકને ક્યાં વાહનથી ખસેડવામાં આવશે તે અંગે કોઈપણ જાતની ચોખવટ કરવામાં આવી નથી. વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન સ્થળાંતરીત શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પોતાના ઘરથી દૂરના સ્થળે ફસાઈ ગયા છે. આ લોકોને હવે સ્થળાંતરીત થવા મંજૂરી મળી છે. આવા લોકોનું નોડલ ઓથોરીટી દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રોડના માધ્યમથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતરીત થવા ઈચ્છુક લોકોને બન્ને સ્થળેથી મંજૂરી લેવી પડશે. લોકો પોતાના સ્થાને પહોંચશે ત્યારે તેમને સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશેે અને હોમ કવોરન્ટાઈન કરાશે.

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, પંજાબ, આસામ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં અનેક વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળે છે. સ્થળાંતરીત શ્રમિકો વર્તમાન સમયે શેલટર હોમમાં રાખવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, આસામ, ગુજરાત અને ચંદીગઢ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને કોટાથી પરત બોલાવવા વ્યવસ્થા થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-૩ની અમલવારી થાય તે પહેલા ઠેર-ઠેર ફસાયેલા લોકોને પોતાના ઘરે પરત જવા માટે તખતો તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં લોકડાઉનની સંપૂર્ણ અમલવારી થશે નહીં. ગ્રીન વિસ્તારોમાં કેટલીક છુટછાટ મળશે. ઉપરાંત ઓરેન્જ વિસ્તારોમાં પણ શરતોને આધીન છુટછાટ આપવામાં આવશે. વર્તમાન સમયે કોરોનાની તિવ્રતા સતત ઘટી રહી છે. આવા સંજોગોમાં ફસાયેલા લોકોને પોતાના ઘરે મોકલી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં લોકડાઉનની અમલવારી કરવામાં આવી હતી. ૨૪ માર્ચથી શરૂ  થયેલા લોકડાઉનને વધારવામાં પણ આવ્યું હતું. આગામી ૩ મે સુધી લોકડાઉનની અવધી છે પરંતુ હાલ કોરોનાના સંક્રમણના કેસને જોઈને લોકડાઉન સદંતર હટાવાશે નહીં પરંતુ સંક્રમીત વિસ્તારોમાં જ લોકડાઉન રહેશે, કેટલીક છુટછાટ અપાશે. છુટછાટ વચ્ચે બેખૌફ લોકોને કારણે સંક્રમણના કેસ વધે નહીં તે પણ આવશ્યક છે. આવા સંજોગોમાં લોકડાઉન-૩ની અમલવારી થાય તે પહેલા જે તે સ્થળે ફસાયેલા લોકોને પોતાના વતન પરત મોકલવાનો તખતો પણ સરકારે ગોઠવી લીધો છે. આગામી સમયમાં નિયમોને આધીન મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર થશે તેવી શકયતા છે.

  • લોકડાઉન-૩માં છુટછાટ વધશે સાથે સતર્કતા પણ જરૂરી

આગામી સમયમાં લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવે તેવી વકી છે. ૩જી મે બાદ લોકડાઉન વધશે પરંતુ અનેક છુટછાટ આપવામાં આવશે. જો કે, છુટછાટનો દૂરઉપયોગ ન થાય તે પણ જરૂ રી છે. લોકડાઉનમાં છુટછાટ વધશે તો સતર્કતા રાખવી વધુ આવશ્યક બની જશે. ૨૪ માર્ચથી શરૂ  થયેલુ લોકડાઉન લંબાવવાની જરૂ ર સરકારને જણાય છે. આગામી સમયમાં લોકડાઉન વધશે પરંતુ છુટછાટનો લાભ લઈને બેખૌફ બનેલા લોકોને રોકવા પણ જરૂ રી બની જશે.

  • હોટસ્પોટ વિસ્તારો ૧૭૦ થી ઘટી ૧૨૯એ પહોંચ્યા

છેલ્લા એક પખવાડિયામાં દેશના હોટસ્પોટ જાહેર કરાયેલા જિલ્લામાં ઘટાડો નોંધાયો છે અને હવે ૧૭૦ માંથી ૧૨૯ જિલ્લા જ હોટસ્પોટ રહ્યાં છે. બીજી તરફ આજ સમયગાળા દરમિયાન સંક્રમણ મુક્ત જિલ્લા ગ્રીન ઝોનમાં પણ ઘટાડો નોંધાયો છે અને કોરોના મુક્ત જિલ્લાની સંખ્યા ૩૨૫ માંથી ઘટીને ૩૦૭ થઈ ગઈ છે જે ચિંતાજનક બાબત ગણાય છે. આ સમયગાળા દરમિયાન હોટ સ્પોટ ન હોય તેવા ઓરેન્જ ઝોન જિલ્લાઓની સંખ્યા ૨૦૭માંથી વધીને ૨૯૭ થવા પામી છે.

  • ભારતમાં ‘ડબલીંગ’ ન થયું!

લોકડાઉનની સખત અમલવારીના કારણે કોરોના વાયરસના સંક્રમણના બે ગણા કેસ થવાનો સમય ઘટ્યો હતો. અગાઉ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા દર ૧૧ દિવસે બે ગણી થતી હતી. ધીમે ધીમે સરકારે લીધેલા પગલાના કારણે ડબલીંગ રેટમાં મોટો ઘટાડો આવ્યો છે. કોરોના વાયરસ સામે વિશ્ર્વ લાંબા સમયથી લડાઈ લડી રહ્યું છે. આખા વિશ્ર્વમાં કોરોનાએ ૨.૧૭ લાખ લોકોનો ભોગ લઈ લીધો છે. અમેરિકા અને યુકેમાં વર્તમાન સમયે હાલત ખરાબ છે. ઈટાલીમાં કોરોના બાદ ગાડી ધીમે ધીમે પાટે ચઢવા લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.