ચીનના દાંત ખાટા કરવા સરહદી વિસ્તારોમાં વિકાસની ભરમાર સર્જી દેવાશે
અરુણાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ, સિક્કિમ, હિમાચલ પ્રદેશના ૧૯ જિલ્લાના ૨૯૬૬ ગામડાની વાઈબ્રન્ટ વિલેજ યોજના માટે પસંદગી
ભારતની ઉત્તર-પૂર્વીય સરહદ પર ચીનના વધતા ખાખાખોળા વચ્ચે હવે આ વિસ્તારને ધમધમતા કરી ચીનને મ્હાત આપવા માટે તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. ચીનની વધતી ઘૂસણખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા હવે સરહદી વિસ્તારના ગામડાઓને માળખાગત સુવિધાઓથી સજ્જ કરી દેવા કેન્દ્ર સરકારે તૈયારીઓ આરંભી દીધી છે.
માળખાગત સુવિધા વધતા રોજગારી સહિતની સમસ્યાઓ પણ મહદ અંશે ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ વચ્ચે હવે સરહદી વિસ્તારોની કનેક્ટિવિટી વધારવા તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ તેની વિગતે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસ માટે વાઇબ્રેંટ વિલેજ પ્રોગ્રામ લાવી છે. જે માટે ૪૮૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બજેટ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૫-૨૬ માટે છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકાર આ પ્રોગ્રામ હેઠળ ઉત્તરી સરહદ પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આ વિસ્તાર ચીન સરહદે આવેલો છે. જેને પગલે ચીન સરહદે ભારતની સ્થિતિને વધુ મજબુત બનાવવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ થશે. સરકાર દ્વારા જાહેર માહિતી અનુસાર ચીન સરહદે આવેલા ભારતીય ગામડાઓને વધુ સક્ષમ બનાવવામાં આવશે. જેમાં ખાસ કરીને માળખાકીય સુવિધાઓને પહેલા કરતા વધુ સારી બનાવવામાં આવશે. આ સમગ્ર યોજનાને વાઇબ્રેંટ વિલેજ નામ આપવામાં આવ્યું છે. જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રાજ્યોના કુલ ૧૯ જિલ્લાઓના ૨૯૬૬ ગામડાઓનો વિકાસ કરવામાં આવશે.
આ વિકાસના કામોમાં ગામડાઓના રોડ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં બોર્ડર એરિયા ડેવલપમેંટ પ્રોગ્રામ અલગથી ચલાવવામાં આવશે. અને કેન્દ્ર સરકાર તેનો ખર્ચ ઉઠાવશે. આ કાર્યક્રમ અંતર્ગત રહેણાંક વિસ્તાર અને પર્યટન ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવશે. ઉત્તરી સરહદે દુર્લભ વસતી વાળા ગામોમાં કનેક્ટિવિટીનો વધારો કરવામાં આવશે. એટલે કે દેશની સાથે આ ગામડાઓ વધુ મજબુતાઇથી જોડાશે.
નોંધનીય છે કે હિમાચલ સરહદ પર ચીનની ઘુસણખોરીની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. એવામાં આ પ્રોગ્રામની જાહેરાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીન પોતાની સરહદના ગામડાઓનો વિકાસ કરી રહ્યું છે. એવામાં ભારત પણ ચીનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે અને પોતાના વિસ્તારના સરહદી ગામડાઓને વધુ વિકસીત બનાવી રહ્યું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં સ્થળાંતર વધી રહ્યું હોવાથી લોકોને સ્થાનિક સ્તરે જ પુુરી સુવિધા આપીને આ સ્થળાંતરનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળશે.
લેહથી મનાલી સુધીની ૪.૧ કિમી લાંબી ટનલ તૈયાર કરાશે
ચીન સરહદે ગામડાઓ મજબૂત બનાવવા, જવાનોની સંખ્યા વધારવા ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાને પણ કેબિનેટ દ્વારા મંજૂરી અપાઇ છે. જે મુજબ લદ્દાખમાં ચીન સરહદે એક એવી ટનલ તૈયાર કરાશે કે જે દરેક ઋતુમાં જવાનોને સુરક્ષા પુરી પાડશે અને દુશ્મન દેશ સામે ઓપરેશન પણ શરૂ રહેશે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ ટનલની લંબાઇ ૪.૧ કિમીની હશે, જેને ૨૦૨૫ સુધીમાં તૈયાર કરી લેવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. લદ્દાખની ચીન સરહદે શિંકુન લા નામની આ ટનલ તૈયાર કરવાના પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
દેશની સુરક્ષા અને સલામતી માટે આ ટનલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.આ ટનલની મદદથી જવાનોની સરહદે અવર જવર વધુ સરળ બની જશે, આ ઉપરાંત યુદ્ધ જેવી સ્થિતિમાં હથિયારો, ટેંકો વગેરે લાલવા અને લઇ જવામાં પણ ટનલ મદદરૂપ થશે કેમ કે ટનલને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે જે દરેક ઋતુમાં સુરક્ષા પુરી પાડશે અને સરળતાથી અવર જવર થઇ શકશે. આ ટનલને લદ્દાખના નિમુ-પદમ-દાર્ચા રોડ લિંકમાં તૈયાર કરવામાં આવશે.
ચીનની શાન ઠેકાણે લાવવાની તૈયારી
ચીન સંલગ્ન વિસ્તારોમાં વધુ ૪૭ બોર્ડર પોસ્ટ ઉભી કરાશે: વધારાના ૯૪૦૦ જવાનો તૈનાત કરાશે
ભારત અને ચીન વચ્ચે સરહદે તકરારો વચ્ચે ભારતે સ્થિતિ વધુ મજબૂત બનાવવાનું શરૂ કરી દીધુ છે. ચીન સરહદની જવાબદારી જે આઇટીબીપીને અપાઇ છે તેમાં જવાનો અને અધિકારીઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવશે. કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે આઇટીબીપીના એક સેક્ટર હેડક્વાર્ટરની સ્થાપનાના પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ આઇટીબીને વધુ ૯૪૦૦ જવાનો મળશે, આ માટે ભરતી પ્રક્રિયાને ૨૦૨૫-૨૬ સુધીમાં પુરી કરી લેવામાં આવશે.
આઇટીબીપી ચીન સરહદે દરેક ૧૭૬ બોર્ડર પોસ્ટની દેખરેખ રાખે છે. ચીન સાથે તકરાર વચ્ચે વધુ એક સુરક્ષા દળ અને બોર્ડર આઉટ પોસ્ટની જરૂરીયાત હતી. ભારત અને ચીન વચ્ચેના ૧૯૬૨ના યુદ્ધ પછી આઇટીબીપીને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જેમાં ૯૦ હજારથી પણ વધુ જવાનો છે. નવી ભરતી સાથે જ સરહદે નવી ૪૭ બોર્ડર પોસ્ટ ઉભી કરવામાં આવશે. જેમાં સૌથી વધુ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં તૈનાત કરાશે. નવી સાત બટાલિયન આઇટીબીપીમાં ઉમેરવામાં આવશે. હાલ આઇટીબીપીની ૧૭૬ બોર્ડર પોસ્ટ છે જેમાં ૨૬ ટકાનો વધારો કરાશે. તેવી જ રીતે જવાનોની સંખ્યામાં પણ ૧૦ ટકાનો વધારો થશે. તેથી ચીન સરહદે સુરક્ષા વધુ મજબૂત બની જશે.
બોર્ડર એરિયા ડેવલોપમેન્ટ પ્રોજેકટ માળખાકીય સુવિધાઓ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે
ચીન સરહદી વિસ્તારોમાં હજુ સુધી પૂરતો વિકાસ થઈ શક્યો નથી જેના લીધે સ્થળાંતર સહિતના પડકારો ઉભા થયા છે તેવા સમય બોર્ડર એરિયા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ થકી સરહદી વિસ્તારનો સોળે કળાએ વિકાસ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરહદી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ, કનેક્ટિવિટી આવતા સ્થળાંતર અટકાવી લોકોને તેમના વતનમાં જ રોજી રોટી મળી રહે અને તેઓ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.