આજનો મોટા ધોરણનો બાળક કડકડાટ વાંચી શકતો નથી: જોઇને પણ સાચુ લખી શકતો નથી તો ગણન પ્રક્રિયા પણ નબળી જોવા મળે છે: આરોહ અવરોહ સાથે વાંચન અને લેખન કૌશલ્ય વિકસાવવું જ પડશે: બાળકના સંર્વાંગી વિકાસ માટે બુનિયાદી શિક્ષણ અતી મહત્વનું
આજે શાળામાં ધો.5 થી 8નાં મોટા છાત્રો પણ કડકડાટ વાંચી શકતા નથી. ઘણી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં ધો.9ના છાત્રો સરખુ વાંચી શકતા નથી. પ, ય, ટ, ડ, ઢ, ઠ, ધ, ઘ જેવા અક્ષરને ઓળખી શકતા નથી. લેખનની વાત આવે ત્યારે આવા શબ્દો ખોટા લખે છે. આપણાં ગુજરાતમાં સરકારી હોય કે ખાનગી શાળાના છાત્રોમાં વાંચન શુધ્ધીનો અભાવ જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની શાળાના બાળકોને ગુજરાતી વાંચતા જ નથી આવડતું. ગુજરાતીમાં મોબાઇલ નંબર બોલો તો ના લખી શકે તેને તો આંકડા અંગ્રેજીમાં બોલવા પડે છે. આપણાં ગુજરાતમાં રહેતા છાત્રોને ગુજરાતી બોલતા કે લખતા ન આવડે તે કેમ ચલાવી લેવાય.
બાળ સંર્વાગી વિકાસની બુનિયાદમાં વાંચન-ગણન અને લેખન જેવા ત્રણ સ્ટેપ પાયામાં સમાયેલા છે. આજ દિવસ સુધી આપણાં છાત્રો એમાં જ કાચા હોવાથી તેમનો ઓવરઓલ શિક્ષણ વિકાસ અટકી જાય છે. આજે તમે પણ જોયું હશે કે ધો.6 થી 8 કે ધો.9-10નો છાત્ર બરોબર વાંચી નથી શકતો, જોડયા શબ્દો શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલી શકતો નથી. નવી શિક્ષણ નિતીમાં પ્રથમ પાંચ વર્ષમાં આ ઉપર વિશેષ કામગીરી થયા બાદ બીજી સ્ટેપનાં 3 વર્ષનો અભ્યાસક્રમ આવે છે. એટલે શરૂના 10 વર્ષ આ બાબતે તેની વિશેષ દરકાર કરાશે.
સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા વાંચન-ગણન અને લેખન બાબતેનાં ઉપચારત્મક શિક્ષણ વર્ગો પણ કર્યા. આ ત્રણેયમાં નબળા બાળકોને શાળા છૂટ્યા બાદ પણ ભણાવ્યા પણ રીઝલ્ટ મળેલ નથી. સરકારી શાળાઓમાં આ સમસ્યા વિશેષ જોવા મળે છે. સાદા શબ્દો, કાનાવાળા શબ્દો, જોડ્યા શબ્દો સાથે વાક્યો, ફકરો લખવાનો, બોલવાનો મહાવરો સતત છાત્રોને મળે તો જ બાળકો આ કૌશલ્ય હસ્તગત કરી શકે છે. ધો.1-2માં પ્રવૃતિ દ્વારા જ્ઞાન અર્થાત્ પ્રજ્ઞા અભિગમમાં તેની ક્ષમતા સિધ્ધ થયા બાદ જ આગળનાં સ્ટેપ જવા દેવામાં આવે છે. બે વર્ષની આ પ્રક્રિયા બાદ ધો.3-4 સતત આજ દ્રઢિકરણને કારણે તેના વિકાસ કરાય છે.
પાયાના શિક્ષણ કે પ્રાથમિક શિક્ષણમાં જો બાળકને વાંચતા-લખતા જ આવડે તો તમો તેને પ્રશ્ર્નોના જવાબ લખતા કેમ કરી શકો આ સમસ્યા શિક્ષકને સતત મુંઝવે છે. ભાષા સાથે ગણિતની અગત્યતા છે. પ્રારંભે સંખ્યા જ્ઞાન મેળવ્યા બાદ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખવી શકો છો. 1 થી 100 જ ન ઓળખનારો બાળક ગણન પ્રક્રિયા કેમ કરી શકે. અંકતોરણ-પ્લેકાર્ડ જેવા ઘણાં શૈક્ષણિક રમકડાના માધ્યમથી તમો બાળકોને ઝડપથી શિખવી શકો છો. હરતા-ફરતાં પણ બાળક ગણિત શિખી શકે છે.
જી.સી.ઇ.આર.ટી. દ્વારા વાંચન-ગણન-લેખનનાં માપદંડ નક્કી કરાયા છે. જેમાં મોટા ફકરાનું વાંચન, આરોહ અવરોહ સાથેનું વાંચન, અર્થગ્રહણ ફકરાનું વાંચન, જોડાક્ષરવાળા ફકરાનું શ્રુતલેખન સાથે ફકરામાં વિરામ ચિન્હોનો ઉપયોગ સાથે સરવાળા, ભાગાકાર, બાદબાકી, ગુણાકાર જેવા વ્યવહારિક દાખલામાં પણ કુલ 25 ટકા બાળકો કરી શકે છે તેવું જોવા મળે છે. વાંચન-લેખનમાં તો આનાથી પણ ઓછું ટકાવારીનું પ્રમાણ જોવા મળ્યું છે. શિક્ષણએ આજીવન ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ દ્વારા વાંચન-ગણન-લેખન શીખવી તેનામાં વિવિધ મૂલ્યો વિકસાવી જીવન જીવવાની કળાના આવશ્યક કૌશલ્યો કેળવીને સમાજનો ઉત્તમ નાગરીક બનાવવાનો છે.
ધો.3 થી 8ના તમામ વિદ્યાર્થીઓને ભાષા, ગણિત જેવા વિષયોમાં નિપુણ બનાવવાનો છે. વિદ્યાર્થીઓમાં વાંચન-ગણન અને લેખનની ત્રણેય બાબતમાં કચાશ દૂર થાય તેવું વાર્ષિક આયોજન વર્ગ શિક્ષકે કરવું જ પડશે. ભાષા સજ્જતા અને ગાણિતિક કૌશલ્યોના માપન માટે યોગ્ય મૂલ્યાંકન અને તેનું મોનીટરીંગ પણ હોવું જરૂરી છે. બાળક ફકરો વાંચીને તેનો ટૂંકસાર ‘સાર લેખન’માં પોતે જાતે ભૂલ વગર લખી શકે એટલો પાવરફૂલ હોવો જોઇએ. નિયમિત લેખન કૌશલ્યના વિકાસ માટે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ ત્રણેય ભાષાની 10 લીટી સતત લખવી જરૂરી છે.
બાળક સાંભળીને લખે, જોઇને લખે કે લખતો જાયને બોલતો જાય તે ખૂબ જ જરૂરી છે. મૌખિક અભિવ્યક્તિ ખીલવવા દરરોજ તેણે કરેલા કામો વિશે બોલવાનું કે તહેવારો કે રજાના દિવસે ક્યાં ફરવા ગયા હતા તેની વાત કહેવા પ્રોત્સાહિત કરો તો જ તેની કલ્પનાશક્તિ, શબ્દ ભંડોળ જેવી ઘણી બાબતોની ખીલવણી થઇ શકે છે. બુનિયાદી શિક્ષણનો પાયો એટલે જ વાંચન-ગણન-લેખન. વાંચન પહેલા બાળક શ્રવણ અને કથન દ્વારા ભાષા પહેલા શિખે છે. સાંભળેલું અને બોલેલું ધ્વનિઓનું લેખિત સંકેતો સાથેનું જોડાણ છે.
આજે શાળા-મહાશાળાઓમાં શિખવાતા વિષયો છાપેલાં પુસ્તકોના સ્વરૂપે જ હોય છે અને વર્ગખંડમાં આ પુસ્તકો જ કેન્દ્રસ્થાને હોય છે. એટલે વિદ્યાર્થીની વાંચન ક્ષમતા સારી હશે તો જ તે સારૂં વાંચ શકશે અન્યથા નબળું વાંચન તેને બધે જ બાધારૂપ બનશે. વર્ગખંડમાં શિક્ષકે દરેક બાળકને નિયમિત વાંચન કરાવવું અતિ આવશ્યક છે. આજની શાળાનું વાંચન શિક્ષણ ચિત્ર ઘણું જ નબળું છે.
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં શાળા-મહાશાળાઓ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા માટે અનેક સાધનો દ્વારા પ્રયાસો કરી રહ્યા છે. આ કારણે વાંચન કૌશલ્યનું મહત્વ ઓછું આંકી ન શકાય કે તેની ઉપેક્ષા કરી શકાય નહીં.
શાળા અનેક વિષયોના અભ્યાસ થકી વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું સિંચન કરે છે, જેમ કે ઇતિહાસના શિક્ષણ દ્વારા માનવીના ભૂતકાળને સમજી તેનું મૂલ્યાંકન કરે તો નાગરિક ભૂગોળ દ્વારા સારી રીત ભાત-રહેણીકરણી અને મનુષ્યના જીવનનો સાચા અર્થમાં પરિચય પ્રાપ્ત કરે. ગણિત દ્વારા કેટલીક બૌધ્ધિક શક્તિઓનો અને ચોકસાઇ જેવા ગુણો વિકસે છે. વિજ્ઞાન દ્વારા કુદરતની ગર્ભિત બાબતો સમજવાનો પ્રયાસ કરે છે. જ્યારે ભાષા દ્વારા તે વિચારોના વિનીયમ માટે જરૂરી કૌશલ્યો કેળવે છે. વિવિધ વિષયો દ્વારા જ્ઞાન મેળવે છે. પણ આ બધા વિષયો દ્વારા જ્ઞાન મેળવવાનું અસરકારક અને સક્ષમ કોઇ સાધન હોય તો તે છે “વાંચન”
શરૂઆતમાં વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત વાંચન પ્રક્રિયાનું અધ્યયન કરાવવું જરૂરી છે. આ મહાવરો સતત મળવાથી જ કે વાંચનને આધારે જ તે બીજા વિષયોનું જ્ઞાન મેળવવા સમર્થ બને છે. અધ્યયન પ્રક્રિયામાં વાંચન એક અગત્યનું પરિબળ છે. વાંચન આવડત થકી વિદ્યાર્થી સ્વ બળે, સ્વ ગતિએ, સ્વ અધ્યયન થકી જ આગળ વધી શકે છે. વાંચનએ જ્ઞાન ભંડારના દ્વાર ખોલવાની ચાવી છે. વાંચન ચાવી એકવાર હસ્તગત થઇ ગઇ પછી કોઇપણ ક્ષેત્ર કે વિષયના જ્ઞાન ભંડાર ખોલવામાં સહાયભૂત બની રહે છે. આના થતી જ વિદ્યાર્થી કોઇપણ વિષયોના અધ્યયનને અર્થપૂર્ણ બનાવી શકે છે.
“ભાષાનું મુખ્ય કાર્ય વિચારોના આદાન-પ્રદાનનું છે. જેના દ્વારા જ મનુષ્ય જીવન વ્યવહાર ચલાવે છે”
વાંચતા-લખતા ન આવડતું હોય તે પ્રશ્ર્નોના જવાબ કેમ લખે ?
2027 સુધીમાં દરેક બાળકને પાયાના શિક્ષણ વાંચન-ગણન-લેખનમાં સબળ કરીને નવી શિક્ષણ નિતીમાં ધ્યેય નક્કી કરાયો છે. આજે ધો.5 થી 8માં પણ છાત્રને વાંચતા નથી આવડતું ત્યાં તે પ્રશ્ર્નોના જવાબ કેમ લખી શકે. આજે પ્રાથમિક શિક્ષણમાં વાંચન-ગણન-લેખન જેવી પાયાની નબળાઇ છાત્રોમાં જોવા મળે છે. આજનો બાળક જોઇને પણ સાચુ લખી શકતો નથી જે શરમજનક બાબત છે. ઇમારત મજબૂત કરવા છાત્રોને પાયો પાક્કો કરાવવો જ પડે છે. આજે ગમે તે વર્ગમાં આ મહત્વના ત્રણ સ્ટેપમાં 50 ટકાથી વધુ છાત્રો નબળા જોવા મળે છે. ગુણાકાર-ભાગાકારમાં તો મોટાભાગના છાત્રો નબળા હોય છે. જી.સી.ઇ.આર.ટી.ના આ ત્રણ સ્ટેપના માપદંડમાં આવતા બાળકોની સંખ્યા બહું ઓછી જોવા મળે છે ત્યારે શિક્ષણ સાથે જોડાયેલ તમામે આ બાબતે ચિંતન અને ચિંતા કરીને હલ કાઢવો જ પડશે. સતત દ્રઢિકરણ દ્વારા જ આ કૌશલ્યોનો વિકાસ થઇ શકે એમ છે.