ચૈત્ર નવરાત્રી દરમિયાન દેશમાં એક ખાસ જીવંતતા જોવા મળે છે. આ ઉપરાંત, નવ દિવસ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. જીવનમાં માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ચૈત્ર નવરાત્રીનું વ્રત રાખવાથી દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે. અને બધા દુ:ખ પણ દૂર થઈ જાય છે. ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરનો સમયની જાહેરાત કરવામાં આવી છે.
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવનારી ચૈત્રી નવરાત્રીને લઈને દર્શનના સમયની જાહેરાત કરવામાં આવી છે. ભાવિક ભક્તોના ધસારાને લઈને મંદિર ખોલવાનો સમય નક્કી કરાયો છે. તેમજ આગામી 30 તારીખથી ચૈત્રી નવરાત્રીનો આરંભ થાય છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ભારતના 51 શક્તિપીઠમાંના એક પાવાગઢ શક્તિપીઠના દર્શનનું માઇ ભક્તોમાં ખૂબ જ મહત્વ છે.
પાવાગઢ મંદિરના દર્શન-આરતીનો સમય
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 30મી માર્ચના રોજ શરુ થનારી ચૈત્રી નવરાત્રીને લઈને માઇભક્તોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પરિવાર પાવાગઢ દ્વારા મંદિર ખોલવાનો અને દર્શનનો સમય નક્કી કરાયો છે. જેમાં 30મી માર્ચના રોજ એકમના દિવસે મંદિર ખુલવાનો સમય સવારે 4.00 અને બંધ થવાનો સમય સાંજે 8.00 કલાકે રહેશે.
આઠમ-નોમ પર વહેલા ખુલશે મંદિરના કપાટ
ત્યારબાદ બીજથી સાતમ સુધી મંદિર 5.00 વાગ્યે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. આઠમ અને નોમના દિવસે મંદિર સવારે 4.00 વાગ્યે ખુલશે અને 8.00 વાગ્યે બંધ થશે. દસમથી ચૌદશ સુધી મંદિર 5.00 વાગ્યે ખુલશે અને 8.00 વાગ્યે બંધ થશે. પુનમના દિવસે મંદિર 4.00 વાગ્યે ખુલશે અને 8.00 વાગ્યે બંધ થશે. આ અંગેનું સમયપત્રક મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, પાવાગઢ ખાતે આસો નવરાત્રી સાથે ચૈત્રી નવરાત્રીનું પણ ખૂબ જ મહત્વ હોય છે. ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાંથી માઇભક્તો મહાકાળી માતાના દર્શન માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રીએ લાખોમાં સંખ્યામાં માઇભક્તો દર્શન આવે તેવી શક્યતા છે.