દંભી
હું ભાડાનું મકાન જોવા ગયો. બારણું ખખડાવ્યું એટલે આઘેડ વયના ભાઇ બહાર આવ્યા.
મેં કહ્યું, ‘‘મકાન જોવા આવ્યો છું.”
‘‘હા, આવો.’’
આ ડ્રોઈંગરૂમ… બાથરૂમ….’ કિચન… બેડરૂમ… એટેચ્ડ”
મને થયું કે આ ભાઇને કાંક જોયા છે.
“તમે નોકરી કરો છો ને ?’
વળી થયું કે સાલું યાદ નથી આવતું પણ ચહેરો પરિચિત લાગે
“તમારા ફેમિલીમાં કોણ કોણ છે ?’
“અમે બે જ…”
હું ખૂબ મથ્યો એના ચહેરાને યાદ કરવા. જો યાદ આવી જાય તો ઓળખાણ નીકળે ને એમ થાય તો ભાડામાં કાંઇક ઓછું કરી શકાય…
‘‘ભાડું કેટલું ?’*
‘“પંદરસો રૂપિયા…’
ભાડું સાંભળી ને ભરશિયાળે મને વૈશાખી અનુભવ થયો. ખૂબ વિચાર્યું ખૂબ વિચાર્યું, જો આ માણસ કોણ છે અથવા કયાં મળ્યા છીએ એ યાદ આવી જાય તો કામ થઇ જાય….
‘‘અને હા, તમે જ્ઞાતિએ કેવા છો ?”
હું બોલ્યો ‘‘બ્રાહ્મણ…”
એ કહે ‘‘તો તો વાંધો નહીં…”
– ને મને તરત જ યાદ આવી ગયું કે આ માણસ તાજેતરમાં જ યોજાયેલા સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવમાં જ્ઞાતિપ્રથા નાબૂદી પર એકી શ્વાસે દોઢ કલાક સુધી કરાફાડ બોલ્યો હતો…
છે.
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર