માણો… ગિરનાર રોપ-વેની શાબ્દિક સફર
ગિરનાર અને વનરાઈનો કુદરતી નજારો નયનરમ્ય લાગે સાથે ડર અને રોમાંચની અનૂભૂતિ કરાવતો રોપવે
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર, ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
જોગી જટાળો અહીં ગરવા ગઢ ગિરનારને ઉદ્દેશીને કહેવાયું છે કારણ કે ગિરનારનો આકાર એક સૂતા ઋષિ જેવો છે. હાલ ગિરનાર રોપવેના કારણે ચર્ચામાં છે. ભવનાથ તળેટીથી લઈ છેક દતાત્રેય સુધીના ૧૦ હજાર પગથિયા છે. અને અંબાજી સુધીના ૫ હજાર આવેલા છે. જોકે, હવે ગિરનાર રોપ-વે શરૂ થતાં ૫૦૦૦ પગથિયા ચઢવાની મહેનત ઓછી થઇ જશે.
રોપ-વેની રોમાંચિત સફર જેમાં રોપ-વેમાં બેઠા બાદ એક એડવેન્ચર જેવું લાગે છે. કારણ કે આટલી ઉંચાઈએથી નીચે જોવાની મજા કંઈક અલગ જ આવે છે. રોપ-વેની ટ્રોલીમાં બેસતા શરૂઆતમાં તો મજા આવે છે. જેમાં ઉપર જતો જાય તેમ થોડોક ડર પણ લાગે છે. સાથે એક નવા રોમાંચની પણ અનુભુતિ થાય છે. ખાસ કરીને ૫ અને ૬ નંબરનાં ટાવર વચ્ચે રોપ-વે ની ગતિ ધીમી પડી જાય છે ત્યારે જાણે કે, હ્દયનાં ધબકારા વધી જાય તેવી અનુભૂતિ થાય છે રોપ-વે માંથી ગિરનાર અને વનરાઇનો નજારો નયનરમ્ય લાગે છે. જેમાં જૈન દેરાસરો, ભવનાથ, સુદર્શન તળાવ તથા જૂનાગઢ શહેરમાં જતો માર્ગ અને જોગણીયા ડુંગર નજરે પડે છે. રોપ-વેની સફર પૂર્ણ કર્યા બાદ જાણે એવું લાગે કે કાનમાં કાંઇ જ સંભળાતું નથી. જાણે કે ધાક પડી ગઇ છે. જોકે, નીચે ઉતર્યા બાદ નોર્મલ થઇ જાય છે. ૯ ટાવરમાં વચ્ચે આવતા સૌથી ઉંચા ટાવરે જાણે કે ટ્રોલી થંભી ગઇ હોઇ તેવો અનુભવ જાય છે ત્યારે ડર પણ મહેસૂસ થાય છે. જ્યારે ટાવર આવે ત્યારે કારમાં બેઠાં સ્પીડ બ્રેકર આવ્યા હોય એવું લાગે. દરમ્યાન બાજુમાંથી પસાર થતી ટ્રોલી ફૂલ સ્પીડે દોડતી હોય અને આપણી ટ્રોલી ધીમે ધીમે ચાલતી હોય એવું થાય. તેમાંય પાંચમા અને છઠ્ઠા ટાવર વચ્ચે બહુ ઉંચાઇનો ડર કરતાં ટ્રોલી આટલી ઉંચી કાળમીંઢ પથ્થરની દિવાલને કૂદી જાય ત્યારે કેવું લાગશે એની ઉત્તેજના થવા લાગે.
ગિરનારના ૯૯૯૯ પગથિયાં કયારે અને કોણે બનાવ્યા?
ગરવો ગિરનાર આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો લોકો ગિરનાર ચડવા આવે છે. ગિરનારની વિવિધ ટુંક ચડવાનો પણ અનેરો આનંદ છે. નેમિનાથ-અંબાજી-દત્રાતેય વિગેરે તમામ ટુંકના દર્શન કરો તો ૯૯૯૯ પગથિયા ચડવા પડે. ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઈતિહાસ જોડાયેલો છે. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત સાથે દેવદિવાળીએ લીલી પરિક્રમા કાઠિયાવાડી સંસ્કૃતિનો અનેરો સંગમ છે. સદીઓ પહેલા ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવડીમાં સુતા હતા તેના જખ્મી શરીરને કારણે મૃત્યુ પામ્યા તે સમયે તેના પુત્રે એક પત્ર આપ્યો જેમાં તેને ગિરનાર તીર્થ ઉપર પગથિયા બનાવવાની વાત કરી હતી. પિતાના સંદેશે તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પહાડ ઉપર યુગાદિદેવનું મંદિર નિર્માણ કર્યું ગિરનાર ઉપર ઉંચા પહાડો-વાદળ સાથે વાતો કરતા જોઈને પગથીયા કેમ બનાવવા તે વિચારો થોડા મુંઝાયા, શિલ્પીઓ પણ રસ્તો કેમ કરવો તે વિચારતા હતા. બાદમાં ર્માં અંબાની આરાધના બાહડ મંત્રીએ કરતા ર્માં પ્રસંદ થયાને કહ્યું કે હું જે રસ્તે અક્ષત (ચોખા) વેરતી જાવ ત્યાં તમે પગથિયા બનાવતા જાવ. પછી શિલ્પીઓની મદદથી ટાંકણાના અવાજો શરૂ થયાને બન્યા ૯૯૯૯ પગથિયા એ જમાનામાં કહેવાય છે કે ત્રેસઠ લાખનો ખર્ચ થયો હતો. આજે આપણે બાહડ મંત્રીના કારણે ગિરનારની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ.