રૂપિયાનું વજન વધારવાના પ્રયાસોમાં એક સપ્તાહમાં વિદેશી મુદ્રાભંડાર 36 હજાર કરોડ ઘટીને 42.26 લાખ કરોડ થયું
ડોલરની મજબૂતીના કારણે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે. સામે રિઝર્વ બેન્ક રૂપિયાના અવમૂલ્યનને રોકવા ફોરેકસ રિઝર્વમાં ઘટાડો કરી રહી છે. 14 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 36000 કરોડ ઘટીને 42.26 લાખ કરોડ થયું છે.
શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી મળી છે. અગાઉ, 7 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર 1632 કરોડ વધીને 42.56 લાખ કરોડ થયો હતો. આ વર્ષે ઓગસ્ટ પછી એક સપ્તાહમાં આ પ્રથમ વધારો હતો. એક વર્ષ પહેલા ઓક્ટોબર 2021માં દેશનું વિદેશી હૂંડિયામણ અનામત 51.60 લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયુ હતું. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશનું વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યું છે. વાસ્તવમાં, ઝડપથી બદલાતા વૈશ્વિક માહોલમાં, આરબીઆઈએ આ વિદેશી મુદ્રા ભંડારના એક ભાગનો ઉપયોગ ડોલર સામે ઝડપથી ઘટી રહેલા રૂપિયાને નિયંત્રિત કરવા માટે કર્યો છે. ડેટા અનુસાર 14 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ 22560 કરોડ ઘટીને 37.44 લાખ કરોડ થઈ છે.
દિવાળીએ સાંજે એક કલાકનુ મુહુર્ત ટ્રેડિંગ સેશન
હિંદુ સંવત વર્ષ 2079ની શરૂઆતના પ્રથમ દિવસે, દિવાળી પર મુખ્ય શેરબજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં એક કલાકનું વિશેષ ટ્રેડિંગ સેશન ’મુહૂર્ત ટ્રેડિંગ’ યોજાશે. દિવાળી પર શેરબજારોમાં ભલે રજા હોય, પરંતુ આ દિવસે બજાર એક કલાક માટે ખુલે છે.