ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 41મી બેઠક 27 મી ઑગસ્ટે મળી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજ્યોને આપવાના થતા જીએસટી વળતર અંગે મંથન થયું હતું. નાણાં પ્રધાને કહ્યું કે પાંચ કલાકની બેઠકમાં રાજ્યોને 2 વિકલ્પ આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર ઉધાર લઇને રાજ્યોને વળતર આપે અથવા અથવા આરબીઆઈ પાસેથી ઉધાર લેવામા આવે તેવો વિકલ્પ આપયા હતા. આ બાબતે રાજ્યો 7 દિવસની અંદર તેમનો અભિપ્રાય આપશે. એટલે કે, સાત દિવસ પછી ફરીથી બેઠક મળશે. આ વિકલ્પ ફક્ત આ વર્ષ માટે છે. કાઉન્સિલ એપ્રિલ 2021 માં ફરીથી બેઠક કરશે અને પરિસ્થિતિની સમીક્ષા કરશે. નાણાં સચિવના જણાવ્યા મુજબ, કોરોનાને કારણે ચાલુ નાણાકીય વર્ષ (2020-21) માં જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયા ઘટાડો થવાની શક્યતા છે.
વળતરને લઇને હોબાળો..
રાજ્યોને ચાર મહિના એટલે કે મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટથી વળતર મળ્યું નથી. સરકારે તાજેતરમાં ફાઇનાન્સની સ્થાયી સમિતિને કહ્યું છે કે રાજ્યોને વળતર ચૂકવવા પૈસા તેની પાસે નથી. જીએસટી કાઉન્સિલની બેઠક પછી, નાણાં સચિવએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે જીએસટી વળતર રૂપે રૂ. 1.65 લાખ કરોડથી વધુ જાહેર કર્યા છે, જેમાં માર્ચ માટે 13,806 કરોડ રૂપિયા છે. 2019-20 માટે વળતરની કુલ રકમ 1.65 લાખ કરોડ છે, જ્યારે સેસની રકમ 95,444 કરોડ હતી.