કેન્દ્ર સરકારનું બ્રહ્માસ્ત્ર (કલમ-૭ (ર)) સારા નહીં પરંતુ માઠા પરિણામો લાવશે

બોંબ ધડાકા અને તડાફડીનાં અવાજો વચ્ચે દિવાળી પુરી થઇ.. દેશવાસીઓની તો ખરી જ સાથે રિઝર્વ બેંકનાં અધિકારીઓની પણ..! બાળકો હવે બાકી બચાવેલા ફટાકડા દેવ દિવાળીએ ફોડશે જ્યારે રિઝર્વ બેંક વાળા કદાચ આજ-કાલમાં જ દેવદિવાળી મનાવી લેશે! જી, હા આજે ૧૯ મી તારીખે છઇઈં ની બોર્ડ મિટીંગ છે. કદાચ વાચકોના હાથમાં અખબાર આવે ત્યારે મિટીંગ પુરી પણ થઇ ગઇ હશે. ફટાકડા કદાચ પછી ફૂટે એવું પણ બને.

અત્યાર સુધી સૌ એવું માનતા હતા કે અમેરિકન ફેડરલ બેંકની જેમ જ ભારતીય રિઝર્વ બેંક સ્વતંત્ર અને સંપૂર્ણ સ્વાયત સંસ્થા છે. પણ હવે RBIએક્ટની કલમ-૭ મુજબ એવું સાબિત થયું છે, અર્થાત બીજા અર્થમાં કહીએ તો કાયદાનાં નિષ્ણાંત અરૂણ જેટલીએ એવું સાબિત કર્યું છે કે સરકાર જરૂર પડે તો જાહેર જનતા તથા દેશનાં હિત માટે રિઝર્વ બેંકને અમુક નિર્ણય લેવાના આદેશ આપી શકે છે.

વિવાદનું મૂળ જોઇએ તો ચૂંટણીઓ ટાણે સરકાર ઇકોનોમીનું ગુલાબી ચિત્ર રજૂ કરવા માગે છે જે માટે ૧૨ બેંકોની સ્થિતી સુધારવા માટે RBIએ જે આકરા નિયમો બનાવ્યા છે તે હળવા કરવાની દરખાસ્ત છે. બોર્ડ મિટીંગનાં એજન્ડામાં વીજળી ઉત્પાદન કરતી કંપનીઓ માટે NPAનક્કી કરવાની જોગવાઇઓમાં ફેરફાર કરવો, સરકારને RBIની કમાણીમાંથી ડિવીડન્ડ ટ્રાન્સફર કરવું કે કોર્પસ ફંડ બનાવીને સરકારનાં કબ્જામાં રાખવું?… આ ઉપરાંત લિક્વડિટી ક્રેડિટ, કેપિટલ ફ્રેમ વર્ક, PCAનાં નિયમો હળવાં કરવાં તથા સ્વતંત્ર પેમેન્ટ રેગ્યુલેટરની જોગવાઇ કરવા જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને છે.

આ તો મંચ પર ભજવાઇ રહેલા નાટકની સ્ક્રીપ્ટની વાત થઇ. રંગમંચનાં પડદા પાછળની સક્રીપ્ટ અલગ જ હોય છે.  RBI નાં મુદ્દાની વાત કરીએ તો સરકાર તથા રિઝર્વ બેંક વચ્ચે અગાઉ પણ આવી રસ્સીખેંચ થઇ છે, ઘણીવાર થતી હોય છે. પણ આ વખતે સરકારે જે રીતે RBI ને ચિત્ત કરી છે તે રીતે અગાઉ ક્યારેય કોઇ સરકારે કરી નથી. RSSની વિચારધારા વાળા એસ. ગુરૂમૂર્તિની નચિકેત મોરનાં સ્થાને RBIબોર્ડમાં નિયુક્તિ કરવાનો નિર્ણય શું સુચવે છે? ૨૧ મેમ્બરોના બોર્ડમાં હાલમાં હજુ પણ ત્રણ જગ્યા ખાલી છે. હવે સવાલ એ પણ છે કે ઉર્જીત પટેલનો ત્રણ વર્ષનો કાર્યકાળ ભલે સપ્ટેમ્બર-૧૯ માં પુરો થતો હોય પણ તેઓ તેમની મુદત પુરી કરશૈ?… કરી શકશે?..

ઇતિહાસ જોઇએ તો તેઓ RBIનાં ડે.ગવર્નર રહી ચુક્યા છે, અગાઉ રિલાયન્સમાં ઉચ્ચ હોદ્દો નિભાવી ચુક્યા છે. અગાઉ નોટબંધીની તરફેણમાં અને ગઉઅના વફાદાર હશે, મોટા કોર્પોરેટની ભલામણ હશે, એટલે જ રધુરામની જગ્યાએ પસંદ થયા હશે.

આવા સંજોગોમાં કદાચ ઉર્જીત બચી જાય તો ડે.ગવર્નર વિરલ આચાર્ય હોળીનું નાળિયેર બની શકે છે. જો કલમ-૭ અંતર્ગત કોઇ અજુગતા નિર્ણય લેવાનું દબાણ આવે તો RBI નાં ઉર્જીત પટેલ સહિતનાં પાંચ અધિકારીઓ અને નાણા મંત્રાલયનાં બે સચિવો વાટાઘાટથી દૂર થાય અને અંતિમ નિર્ણય સરકારે મુકેલા સ્વતંત્ર ડાયરેક્ટરોએ કરવાનો રહે.  એવું કહેવાય છે કે વિરલ આચાર્યએ તાજેતરમાં સરકારની નિતી સામે જાહેરમાં તલવાર ખેંચી તેનાથી તેઓ આંખે ચડી ગયા છે. કુલ ૧૧ સ્વતંત્ર ડાયરેક્ટરો માંથી ચારેક એવા છે જે RBIની આંતરિક બાબતો જાહેરમાં અંગત મંતવ્યો રૂપે રજૂ કરવાનો કેસ ઉભો કરીને વિરલ આચાર્ય સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવાના મૂડમાં છે.  હવે જો મામલો વોટીંગ કરવા સુધી ગરમી પકડે તો પરિસ્થિતી વધુ ખરાબ થવાની સંભાવના છે.

RBI એક્ટની કલમ-૭ (૨) અગાઉ ક્યારેય ચર્ચાઇ નથી. હવે અચાનક હેડલાઇનોમાં ચમકે છે. આ એક સરકારનાં ભાથામાં રહેલું બ્રહ્માસ્ત્ર કહી શકાય. ઇતિહાસ ભલે એવું કહેતો હોય કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ  સારા પરિણામો આપે, પણ આ કેસ અલગ છે, અહીં RBIની સ્વતંત્રતા પર કાતર ફેરવવાથી દેશનાં અર્થતંત્રનાં પાયા હલી શકે છે, શેરબજારમાં કટોકટી સર્જાઇ શકે છે. કારણકે દેશનો કારોબારી સરકાર અર્થાત નેતાઓ કરતા રિઝર્વ બેંકનાં ગવર્નર માટે વધારે માન અને વિશ્ર્વાસ ધરાવે છે.   મોટા ભાગનાં સ્વતંત્ર ડાયરેક્ટરો ઉપર સરકાર અને RSS નો કંટ્રોલ છે એ સૌ જાણે છે, એટલે જ ગત સપ્તાહે ઉર્જીત પટેલ નરેન્દ્ર મોદી સાથે મિટીંગ કરી આવ્યા છે. કદાચ હવે RBIનાં અધિકારીઓ  અમુક ભલામણો માની જશે, તેમને માનવી પડશે. મતલબકે મુગટ ઉતારી ચરણોમાં મુકશે.. નહીંતર તાસકમાં મુગટ અને માથું બન્ને ધરવા પડશે કોનું..?  ઉર્જીતનું  વિરલનું.. કે કોઇનું નહીં.. ? સસ્પેન્સ જાણવા માટે ફિલ્મ પુરી થાય ત્યાં સુધી રાહ જુઓ..!

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.