૦.૨૫ ટકા રેપો રેટ ઘટતા હોમ લોન, ઓટો લોન અને ઈએમઆઈમાં મળશે રાહત

દેશનાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે મોદી સરકાર સતત પ્રયત્નો હાથ ધરી રહી છે ત્યારે મોદી સરકાર દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનો લક્ષ્યાંક અને ૮ ટકા જીડીપી ગ્રોથની જે વાત કરી હતી તેને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નો હાથધરી રહી છે ત્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દિવાળી તહેવાર નિમિતે ગીફટ આપતા રેપોરેટમાં ઘટાડો કર્યો છે તથા તહેવારમાં માર્કેટમાં માંગમાં વધારો થાય તે દિશામાં આરબીઆઈ સતત પ્રયત્નો હાથધરી રહી છે. ભેટ સ્વરૂપે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપોરેટમાં ૦.૨૫ બેઈજીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે ત્યારે અર્થતંત્રનાં તજજ્ઞોનું માનવું છે કે, આરબીઆઈ દ્વારા રેપોરેટમાં ઘટાડો થવાના કારણે બેંક પણ વ્યાજદરોમાં ઘટાડો કરશે જેનાં પરીણામ સ્વરૂપે હોમ લોન, ઓટો લોન અને ઈએમઆઈમાં ઘટાડો થશે. આરબીઆઈએ રેપોરેટ ઘટાડતા હવે વ્યાજદર ૧.૩૫ ટકા સુધીનો ઘટાડો થયો છે અને હવે રેપોરેટનો દર ઘટી ૫.૧૫ ટકાનો રહી ગયો છે ત્યારે આશા છે કે, બેંક દિવાળી પહેલા તેનો ફાયદો ગ્રાહકોને સીધો પહોંચાડશે.

આરબીઆઈએ રેપોરેટમાં ઘટાડો કર્યો તે પહેલા રેપોરેટનો દર ૫.૪૦ ટકાનો હતો જે હવે ૫.૧૫ ટકાનો રહ્યો છે. બેંકો પાસેથી લોન લેનાર ગ્રાહકોને સસ્તી લોન મળવાથી ગ્રાહકોને અનેકગણો ફાયદો થશે. આરબીઆઈએ ગત સપ્તાહમાં તમામ બેંકોને આદેશ આપ્યા હતા કે, ૧લી ઓકટોબરથી વ્યાજદરોને રેપોરેટ સાથે લીંક કરવામાં આવશે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બીજી અન્ય મુખ્ય બેંકોએ પસંદગી કરી હતી જેનો સીધો ફાયદો ગ્રાહકોને જ મળશે. આરબીઆઈ દ્વારા રેપોરેટમાં ઘટાડો કરતાની સાથે જ મુખ્યત્વે લોન સસ્તી થશે. એનસીએલઆર આધારીત ગ્રાહકોને ત્વરીત લોન સસ્તી થવાનો ફાયદો મળતો ન હતો પરંતુ પ્રારંભિક રીપોર્ટનાં આધારે પહેલાનાં સમયમાં ઈએમઆઈમાં ફેરફાર થતો હતો જેમાં આરબીઆઈ વ્યવસ્થાથી સંતુષ્ટ ન હતી. કારણકે તેમનો દર ઘટાડવાનો ફાયદો ગ્રાહકોને સીધો મળતો ન હતો ત્યારે હવે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૦.૨૫ બેઈજીસ પોઈન્ટનો ઘટાડો કરતા જ ગ્રાહકોને તેનો સીધો ફાયદો ઉપલબ્ધ થશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં જુના ગ્રાહકોનાં રેપોરેટ ઘટાડાનો ફાયદો લેવા માટે લોન શીફટીંગ માટે અરજી કરવી પડશે ત્યારે બાકી બેંકોની સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. જે પણ બેંક લોનનાં દરો સાથે જોડી ચુકી છે તે તમામ ગ્રાહકોને રેપોરેટ ઘટાડાનો પૂર્ણત: ફાયદો મળશે. આરબીઆઈએ રેપોરેટમાં જે ઘટાડો કર્યો છે તે સતત પાંચમી વખત ઘટાડો નોંધાયો છે જેનાં કારણે દેશનાં અર્થતંત્રને ખુબ સારો પ્રતિસાદ મળી રહેશે. કયાંકને કયાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આરબીઆઈ દ્વારા જે રેટ કટ કરવામાં આવ્યા છે તેનો ફાયદો સીધો ગ્રાહકોને મળશે અને તે એક દિવાળીનાં ભેટ સ્વરૂપે માનવામાં આવી રહ્યું છે. આરબીઆઈની નીતિ વિષયક રણનીતિમાં તરલતા અને અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે વ્યાજદરમાં ઘટાડો કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. આ તકે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગર્વનર શકિતકાંત દાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશનાં અર્થતંત્રને જે અસર પહોંચી છે તેને જલ્દીથી સુધારા પર લાવવા માટે આ તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.