- RBI ગવર્નર શક્તિકાંત દાસે આપી જાણકારી
- ફુગાવાને મેનેજ કરવા માટે રેપો રેટ અતિ આવશ્યક
મોનેટરી પોલિસી કમિટીની બેઠક ત્રણ દિવસથી ચાલી રહી હતી. આ બેઠક સોમવારે 7 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી. જેમાં રિઝર્વ બેંકે રેપો રેટ અંગેનો નિર્ણય આપ્યો છે. સતત 10મીં વખતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. જો કે, રિઝર્વ બેંકે પોતાનું વલણ બદલીને તટસ્થ કરી દીધું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપી છે.
શું છે રેપો રેટ ?
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર કોઈ રાષ્ટ્રની કેન્દ્રીય બેંક (ભારતમાં, ભારતીય રિઝર્વ બેંક) ભંડોળની અછતની સ્થિતિમાં વ્યવસાયિક બેંકોને નાણાં ધીરાણ આપે છે. નાણાંકીય અધિકારીઓ ફુગાવાને મેનેજ કરવા માટે રેપો દરનો ઉપયોગ કરે છે. આરબીઆઈ નાણાંકીય મુશ્કેલી દરમિયાન વ્યવસાયિક બેંકોને મદદ કરવા માટે રેપો રેટનો એક નાણાંકીય સાધનનો ઉપયોગ કરે છે. આરબીઆઈ નીતિઓ દ્વારા વ્યાજ દરને અંતિમ રૂપ આપે છે. આ દરો દેશની વર્તમાન આર્થિક સ્થિતિ મુજબ સેટ કરવામાં આવે છે. RBIના ગવર્નર રેપો રેટને અંતિમ રૂપ આપવા માટે નાણાંકીય નીતિ પરિષદની અધ્યક્ષતા કરે છે.
આ ઇન્ફ્લેશન ટ્રેન્ડને નિયંત્રિત કરવા અને માર્કેટ લિક્વિડિટી જાળવવામાં આરબીઆઈ માટે એક મુખ્ય સાધન છે. રેપો દર અને ફુગાવો વ્યસ્ત રીતે સંબંધિત છે, કારણ કે જ્યારે રેપો દર વધે છે, ફુગાવાને ઘટાડે છે અને તેનાથી વિપરીત જ્યારે રેપો રેટ ઘટે છે ત્યારે ફુગાવો વધે છે. તે હોમ લોન, પર્સનલ લોન અને બેંક ડિપોઝિટ દરોના વ્યાજ દરોને પણ અસર કરે છે. જ્યારે રેપો રેટમાં વધારો થાય છે, તો બેંકોને રિઝર્વ બેંક પાસેથી મોંઘા દરે લોન મળે છે.
શા માટે રેપો રેટ યથાવત ?
અગાઉની બેઠકોમાં, આરબીઆઈએ આર્થિક વૃદ્ધિની જરૂરિયાત સાથે ફુગાવાની ચિંતાઓને સંતુલિત કરવા માટે સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. આ વખતે MPC જે મુખ્ય પરિબળો પર વિચારણા કરી રહ્યું હતું તેમાં સતત વધતા ફુગાવાના દબાણ, ખાસ કરીને ખાદ્યપદાર્થોના ભાવો તેમજ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓનો સમાવેશ થાય છે.
સરકારે આરબીઆઈને સુનિશ્ચિત કરવાનું કામ સોંપ્યુ છે કે, કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત રિટેલ મોંઘવારી 4 ટકા પર બની રહે. અને ફુગાવાને સેન્ટ્રલ બેંક દ્વારા નિર્ધારિત મર્યાદામાં રાખવા અને આર્થિક વિકાસને વેગ આપવાના હેતુથી પોલિસી રેટ કે રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે.