રેપોરેટ 4.9%થી વધીને હવે 5.4% થઈ ગયો
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રેપો રેટ હવે વધીને 5.40 ટકા થઈ ગયો છે. 8મી જૂને કરવામાં આવેલી છેલ્લી પોલિસીની જાહેરાતમાં આરબીઆઈએ રેપો રેટમાં અડધા ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે રેપો રેટ વધીને 4.90 ટકા થઈ ગયો હતો. તાજેતરમાં, યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વએ પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે.
આ કારણે આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેશે તેવી અપેક્ષા હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોંઘવારી ઘટાડવા માટે રેપો રેટમાં વધારો કર્યો છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો વિશે માહિતી આપી હતી. જેમાં તેઓએ આ જાહેરાત કરી હતી. રેપો રેટમાં આ વધારાનો બોજ બેંકો તેમના ગ્રાહકો પર નાખશે. તેનાથી લોનના હપ્તામાં વધારો થશે. હોમ લોનની સાથે ઓટો લોન અને પર્સનલ લોનના હપ્તા પણ વધશે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023 માટે દેશના જીડીપી વૃદ્ધિ અનુમાનને 7.2 ટકા પર જાળવી રાખ્યું છે. આરબીઆઇ ગવર્નરે કહ્યું કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અને બેંક રેટ 5.15 ટકાથી વધારીને 5.65 ટકા કરવામાં આવ્યા છે.
આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું કે ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો અસ્વસ્થપણે ઊંચો છે અને તે 6%થી ઉપર રહેવાની ધારણા છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે સીપીઆઈ આધારિત ફુગાવાના દરનું અનુમાન 6.7 ટકા જાળવી રાખ્યું છે. તે જ સમયે, આરબીઆઈએ આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે સીપીઆઈ આધારિત ફુગાવો 5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
ફુગાવાને અંકુશમાં લેવા રેપો રેટમાં કરાઈ છે વધારો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફુગાવાને અંકુશમાં લેવા માટે મુખ્ય વ્યાજ દરોમાં વધારો કરે છે. આ રીતે આરબીઆઇ નાણાકીય નીતિ કડક કરીને માંગને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યા બાદ ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે ફુગાવામાં નજીવો ઘટાડો થાય છે.
અમેરિકામાં ફુગાવો હાલમાં 40 વર્ષની ટોચે છે. આ ફુગાવાને ઘટાડવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં સતત વધારો કરી રહ્યું છે. નોંધપાત્ર રીતે, જ્યારે કોરોના વાયરસ રોગચાળો આવ્યો, ત્યારે વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ નાણાકીય નીતિ હળવી કરી હતી અને દરોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. આરબીઆઈએ પહેલાથી જ જાહેરાત કરી છે કે તે ધીમે ધીમે તેનું ઉદાર વલણ પાછું ખેંચશે.