દેશની અર્થવ્યવસ્થા હાલ ડામાડોળ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેમાં દેશને કેવી રીતે આર્થિક સઘ્ધરતા આપી શકાય તે માટે અનેકવિધ નવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ તકે કેન્દ્ર સરકાર દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્ર, એનબીએફસી કંપની સહિત અનેકવિધ ક્ષેત્રમાં નાણાનો વેગ કેવી રીતે વધારી શકાય અને બજારમાં તરલતા વધુને વધુ કેમ આવે તે દિશામાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ તકે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગર્વનર શકિતકાંત દાસે સંકેતો આપતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં હજુ પણ રેપોરેટનાં દરમાં ઘટાડો થઈ શકે છે ત્યારે હાલ કોર્પોરેટ અને એનબીએફસી કંપનીઓ તેમનું સરવૈયુ કેવી રીતે ચોખ્ખુ થઈ શકે તે દિશામાં હાલ જયારે તેઓ કામગીરી કરી રહ્યા છે ત્યારે જો આવનારા સમયમાં રેપોરેટનાં દરમાં ઘટાડો થાય તો વિકાસ થવાનાં અનેકગણા ચાન્સ રહેલા છે. આવનારા સમયમાં જો યોગ્ય રીતે નાણાનો વ્યાપ અને નાણા તમામ ક્ષેત્રને મળતા રહે તો દેશની અર્થવ્યવસ્થામાં અનેકગણો સુધારો આવી શકશે.
વધુમાં ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે આવનારા સમયમાં રેપો રેટમાં ફરી ઘટાડાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, રેટ કટમાં ઘટાડાનો સિલસિલો ડિસેમ્બરમાં એટલા માટે રોકી દેવાયો કે આરબીઆઈ તેના માટે યોગ્ય તકની રાહ જોઈ રહી છે. દાસે કહ્યું કે, કોર્પોરેટ્સ, નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઝ તથા બેંક વર્તમાન સમયમાં પોતાની બેલેન્સ સીટને સ્વચ્છ કરવાની પ્રક્રિયામાં છે, જેથી ભવિષ્યમાં ગ્રોથ સુનિશ્વિત થશે. તેમણે કહ્યું કે, નોન-પર્ફોર્મિંગ એસેટ્સના નિકાલમાં ઝડપ આપી રહી છે. તેમણે કહ્યું કે, એસ્સાર સ્ટીલના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયે રિઝોલ્યૂશન સાથે સંલગ્ન એક મોટા મુદ્દાનું સમાધાન કર્યું છે, જે ઘણા લાંબા સમયથી પડતર હતો.
આરબીઆઈના ગર્વનરે કહ્યું કે, એક તરફ જ્યાં દુનિયાના મોટાભાગમાં અર્થવ્યવસ્થામાં સુસ્તી જોવા મળી રહી છે, એવામાં અલગ-અલગ અર્થવ્યવસ્થાઓ વચ્ચે એક સમાન નીતિનો અભાવ અનુભવાયો છે, જે વૈશ્વિક નાણાંકીય સંકટ દરમિયાન જોવા મળી હતી. દાસે કહ્યું કે, વૈશ્વિક આર્થિક સંકટના ૧૦ વર્ષ પછી હવે વૈશ્વિક અર્થવ્યવસ્તામાં સુસ્તી જોવા મળી રહી છે, એવામાં બહુપક્ષવાદ જેવી કોઈ બાબત દેખાતી નથી. આજની તારીખે દ્વિપક્ષવાદએ બહુપક્ષવાદનું સ્થાન લઈ લીધું છે. ઉલ્લેખનીય છે કે, આર્થિક સુસ્તીને લઈને વધતી ચિંતાઓ છતાં રિઝર્વ બેંકએ મોંઘવારીને જોતાં ડિસેમ્બરમાં નીતિગત વ્યાજ દરો ઘટાડ્યા નહીં. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, અમે ૪ વખતમાં ૧.૩૫ ટકા રેપો રેટ ઘટાડી ચૂક્યા છીએ, પરંતુ બેંકોએ લોન સસ્તી ન કરી. આરબીઆઈએ ચાલુ નાણાંકીય વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ ૬.૧ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દીધો છે.